એક ફૂલો પર ફરનારો ભમરો અને છાણમાં રહેનારા કીડા વચ્ચે દોસ્તી થઇ.એક દિવસ છાણમાં રહેતા કીડાએ ભમરાને કહ્યું, ‘તું મારો દોસ્ત છે તો આજે મારા ઘરે જમવા આવ.’ ભમરો દોસ્તના ઘરે જમવા ગયો અને સુગંધી ફૂલો પર ફરનારાં ફૂલોનો મીઠો રસ પીનારા ભમરાને દુર્ગંધ મારતા છાણમાં બેસવું પડ્યું અને છાણ જ ખાવું પડ્યું.ભમરાને થયું, મેં આ ગંદા કીડા સાથે દોસ્તી કરી એટલે મારે આ છાણમાં બેસીને છાણ ખાવું પડ્યું.પણ દોસ્તી કરી હતી એટલે તે કંઈ બોલ્યો નહિ અને થોડા દિવસ પછી છાણના કીડાને પોતાના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું.

થોડા દિવસ પછી છાણનો કીડો ભમરાના ઘરે જમવા ગયો.ભમરાએ તેને પોતાની પીઠ પર બેસાડીને આખા બાગની સફર કરાવી.સુંદર ફૂલો અને સુગંધી વાતાવરણ જોઈ છાણનો કીડો ખુશ થઇ ગયો.પછી ભમરાએ તેને ગુલાબના સૌથી મોટા સુંદર ફૂલ પર બેસાડી મીઠો પરાગરસ પીવડાવ્યો.હજી કીડો રસ પીને ભમરાનો આભાર મને તે પહેલાં તો મંદિરના પુજારી આવ્યા અને સૌથી મોટું સુંદર ગુલાબનું ફૂલ ભગવાનને ચઢાવવા ચૂંટીને લઇ ગયા અને તે ફૂલને ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી દીધું.છાણના કીડાને ઠાકોરજીનાં દર્શન થયાં. તેમનાં ચરણોમાં બેસવાનું સૌભાગ્ય મળ્યું.કીડાનું તો જીવન ધન્ય થઇ ગયું.
આખો દિવસ પરભુ ચરણોમાં રહ્યા બાદ સાંજે પુજારીએ બધાં ફૂલો એકઠાં કર્યાં ને ગંગાજી નદીમાં વહાવી દીધા.કીડાને નવાઈ લાગી કે આજે શું જીવન બદલાયું છે.દુર્ગંધભર્યા છાણમાંથી સુગંધી ફૂલોભર્યા બાગની સફર….જીવનમાં કયારેય ન ચાખ્યો હોય તેવા મીઠા ગુલાબના પરાગરસનો આનંદ…પછી તો સીધો પ્રભુ ચરણોમાં…આખો દિવસ ભગવાનનું સાન્નિધ્ય અને હવે પવિત્ર ગંગા સ્નાન…બધાં પાપોમાંથી જાણે મુક્તિ મળી ગઈ.આ બધું મારા મિત્ર ભમરાને કારણે. મેં તેની મિત્રતા કરી તો મારા જીવનમાં મને આવો અનુભવ થયો.
કીડો આ બધું વિચારતો હતો ત્યારે ભમરો ત્યાં આવ્યો અને પૂછ્યું, ‘દોસ્ત, મજામાં છે ને?’ કીડાએ કહ્યું, ‘દોસ્ત તારી મિત્રતાને લીધે મારું જીવન સફળ થઇ ગયું.’
આ નાની રૂપક કથા સંગતનું મહત્ત્વ તો સમજાવે જ છે, સાથે સાથે દોસ્તીનું મૂલ્ય પણ સમજાવે છે કે બૂરી સંગત ન કરવી, પણ જો કોઈ દોસ્ત નીચે પડેલો હોય તેને હાથ પકડી ઉભો જરૂર કરવો અને આપણે આપણી સારપ ન છોડવી.આપણે જાણતા નથી કે આપણે જીવનમાં એકબીજાને કેમ મળીએ છીએ,પણ જયારે ભમરા જેવો દોસ્ત મળી જાય ત્યારે જીવન સફળ થઈ જાય છે.
–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
