એક રાજા પાસે ઘણા હાથી હતા. એમાંથી એક હાથી બહુ જ શક્તિશાળી, આજ્ઞાકારી, સમજદાર અને યુદ્ધકૌશલમાં નિપુણ હતો. ઘણાં બધાં યુદ્ધોમાં તેણે રાજાને વિજય અપાવ્યો હતો અને એટલા માટે તે મહારાજનો પ્રિય હાથી હતો. રાજા તેને ભરપૂર પ્રેમ કરતા. રાજા રોજ હાથીને એક વાર વ્હાલ કરવા હાથીશાળામાં જતા. હાથી માટે ખાસ મહાવત નિયુક્ત કરવામાં આવ્યો હતો. સમય વીત્યો. હવે તે હાથી વૃદ્ધ થયો હતો. રાજા તેને યુદ્ધમાં પણ લઇ જતા ન હતા. એક દિવસ મહાવત હાથીને લઇને સરોવર કિનારે ગયો.
ત્યાં કાદવમાં હાથીનો પગ ફસાઈ ગયો અને તે અંદર જ અંદર ધસતો ગયો. હાથીએ બહાર આવવાની કોશિશ કરી, મહાવતે પણ તેણે બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ તે હાથીને બહાર કાઢી શક્યો નહિ. હાથીની ચીસો સાંભળી લોકો દોડી આવ્યા અને બચાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. આ સમાચાર રાજા સુધી પહોંચી ગયા. રાજા પણ સરોવર કિનારે દોડી ગયા. ઘણી વાર સુધી, ઘણા પ્રયત્નો પછી પણ હાથીને બહાર કાઢી ન શકાયો ત્યારે રાજાએ પોતાના વૃદ્ધ અનુભવી મંત્રીને બોલાવ્યા. મંત્રીએ આવીને ઝીણવટથી નિરીક્ષણ કર્યું.
હાથીને તેઓ વર્ષોથી જાણતા હતા તેથી તેમણે સૂચન કર્યું કે સરોવરની આજુબાજુ યુદ્ધનું વાતાવરણ ઊભું કરો. યુદ્ધના શંખ નગારા ફૂંકો. બધાને નવાઈ લાગી કે, યુદ્ધના નગારા વગાડવાથી હાથી કઈ રીતે બહાર આવશે? પરંતુ શંખ નગારાના અવાજની જાદુઈ અસર થઇ. થાકીને હારી ગયેલા હાથીમાં શક્તિનો નવસંચાર થયો. હાથી ધીમે ધીમે ઊભો થયો અને જાતે જ કાદવની બહાર આવી ગયો. બધાએ મંત્રીનો જયજયકાર કર્યો. મંત્રીજીએ કહ્યું, “હાથીમાં તાકાત, શારીરિક ક્ષમતાની કમી ક્યારેય ન હતી. જરૂર માત્ર ઉત્સાહનો સંચાર કરવાની હતી”.
આ નાનકડી વાર્તા પરથી સ્પષ્ટ થાય છે કે આપણા મનમાં એક વાર ઉત્સાહ અને ઉમંગ જાગી જાય તો પછી કાર્ય કરવાની ઊર્જા આપણને મળી જ જાય છે. કાર્ય તરફના ઉત્સાહને આપણી ઉંમર કે અવસ્થા સાથે કોઈ સંબંધ નથી. ક્યારેક ઉંમર કે સતત મળતી નિષ્ફળતા કે અન્ય કોઈ કારણસર કાર્ય ન થઇ શકે પરંતુ સાચા ઉત્સાહનો સંચાર થતાં કોઈ પણ કાર્ય કરી શકાય છે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.