Gujarat

વડોદરામાં દિવાળીની રાત્રે કોમી છમકલું: સ્ટ્રીટ લાઇટ બંધ કરી પથ્થરમારો કરાયો

વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં દિવાળીની રાત્રે બે જૂથો વચ્ચે હિંસા (Violence) ફાટી નીકળી હતી. આ હિંસા રાત્રે 12.30 થી 1 વાગ્યા સુધી થઈ હતી. બે જૂથોએ સ્ટ્રીટ લાઈટ બંધ કરી પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ (Police) ઘટના સ્થળે પહોંચી હતી. બદમાશોએ પોલીસ અધિકારીઓ સામે જ પેટ્રોલ બોમ્બ (Petrol bomb) ફેંક્યા હતા. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલા વાહનોને આગચંપી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

વડોદરા પોલીસના ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે આ હિંસામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે. બદમાશોએ સ્ટ્રીટ લાઇટ બંધ રાખીને પથ્થર મારો કર્યો હતો. ડીસીપી યશપાલ જગાનિયાએ જણાવ્યું કે પાણીગેટમાં મુસ્લિમ મેડિકલ સેન્ટર પાસે પથ્થરમારાની ઘટના બની છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારોની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસ અધિકારી ઘટનાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણીયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. પથ્થરમારાની આ ઘટના પાણીગેટ મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધી બની હતી.

આ અગાઉ પણ વડોદરામાં સ્કૂટરની ટક્કર બાદ બે જૂથ વચ્ચે હિંસા થઈ છે. ત્યારબાદ હંગામા દરમિયાન ઉગ્ર પથ્થરમારો અને તોડફોડ થઈ હતી. અથડામણ બાદ રાવપુરા અને ઢીકાટા વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. જુન 2022 ના રોજ ગુજરાતના આણંદમાં પણ હિંસાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બોરસદ વિસ્તારમાં બે કોમના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો થયો હતો.

આ હિંસા એક મંદિર પાસેની જમીનના વિવાદ બાદ થઈ હતી. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. આ પહેલા નવરાત્રીમાં ખેડામાં પણ સમુદાયની હિંસા ઘટના બની હતી. નવરાત્રિમાં અગાઉ ખેડામાં ગરબા કાર્યક્રમ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા.

આ વિસ્તારમાં કેટલાક ગરબાના કાર્યક્રમો યોજવા સામે વિરોધ થયો હોવાનો આક્ષેપ કરાયો હતો. પરંતુ જ્યારે ગામના સરપંચ અને અન્ય લોકોએ તેમની વાત ન માની તો લોકોએ ગરબા કરી રહેલા લોકો પર પથ્થરમારો શરૂ કર્યો. અગાઉ પણ સુરતમાં આવો હંગામો સામે આવ્યો હતો. સુરતના ગરબા પંડાલમાં મુસ્લિમ બાઉન્સરની નિમણૂકને લઈને બજરંગ દળના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરામાં ધાર્મિક ધ્વજને લઈને બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હતો.

Most Popular

To Top