Sports

CWG: વેઈટ લિફ્ટિંગમાં વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો

બર્મિંગહામ: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. 28 જુલાઈથી આ રમતોનો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત પણ તેની સાથે આગળ વધી રહ્યું છે. ચોથા દિવસે તેના ખાતામાં કુલ ત્રણ મેડલ આવ્યા, જેના પછી ભારતના મેડલની સંખ્યા નવ થઈ ગઈ. જેમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ સાત મેડલ જીત્યા છે, જ્યારે જુડોમાં બે મેડલ આવ્યા છે.

વેઈટલિફ્ટિંગમાં 8મો મેડલ
ભારતના વિકાસ ઠાકુરે 96 કિગ્રા કેટેગરીમાં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે કુલ 346 કિગ્રા (191 ક્લીન એન્ડ જર્ક અને 155 સ્નેચ) ઊંચકીને મેડલ જીત્યો છે. ભારત માટે આ એકંદરે 12મો અને વેઈટલિફ્ટિંગમાં 8મો મેડલ છે.

કોમનવેલ્થ ગેમ્સમાં વેઇલિફ્ટર હરજિંન્દર કૌરે બ્રોન્ઝ જીત્યો
ભારતીય વેઇટલિફટર હરજિંદર કૌરે અહીં રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 71 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને વેઇટલિફ્ટીંગમાં ભારતને સાતમો અને ઓવરઓલ નવમો મેડલ જીતાડ્યો હતો. હરજિંદરે સ્નેચમાં 93 કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં 119 કિગ્રા સાથે કુલ 112 કિગ્રા વજન ઉંચકીને આ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ 229 કિગ્રા વજન ઉંચકીને સારા ડેવિસે જ્યારે સિલ્વર 214 કિગ્રા વજન ઉંચકીને કેનેડાની એલેક્સિસે જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસમાં ભારતની ગોલ્ડન જીત
કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસની પુરૂષ ટીમ ઇવેન્ટની આજે મંગળવારે અહીં રમાયેલી ફાઇનલમાં સુરતના હરમિત દેસાઇએ અંતિમ નિર્ણાયક મેચમાં જોરદાર રમતનું પ્રદર્શન કરીને ઝે યૂ ક્લોરેન્સ ચીયૂને હરાવતા ભારતીય ટીમે સિંગાપોરને 3-1થી હરાવીને પોતાના ગોલ્ડ મેડલને ડિફેન્ડ કર્યો હતો. ભારતીય ટીમે આ પહેલા 2018માં રમાયેલી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો અને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં આ ભારતીય ટેબલ ટેનિસ પુરૂષ ટીમનો ત્રીજો ગોલ્ડ રહ્યો હતો. ભારતીય પુરૂષ ટીમ આ પહેલા 2006 અને 2018માં પણ ગોલ્ડ જીતી ચુકી છે.

કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસમાં સુરતનો હરમીત દેસાઇ ઝળક્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલટેનિસની પુરૂષોની ટીમ ઇવેન્ટમાં આજે મંગળવારે અહીં રમાયેલી ફાઇનલમાં ભારતીય મેન્સ ટીમે સિંગાપોરને 3-1થી હરાવીને ગોલ્ડ જીત્યો તેમાં સુરતનો હરમીત દેસાઇ ઝળક્યો હતો. હરમીતે પહેલા ડબલ્સ અને તે પછી સિંગલ્સ મેચ જીતીને ભારતને ગોલ્ડ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઇનલમાં સૌથી પહેલા હરમિત અને જી સાથિયાનની જોડી મેન્સ ડબલ્સમાં સિંગાપોરના યોંગ ક્વેક અને યૂએન કોએન સામે મેદાનમાં ઉતરી હતી. હરમિત અને સાથિયાનની જોડીએ 13-11, 11-7, 11-5થી સિંગાપોરના યોંગ અને કોએનની જોડીને હરાવીને ભારતને 1-0ની સરસાઇ અપાવી દીધી હતી. તે પછી શરત કમલ ઝે યૂ ક્લેરન્સ ચ્યુ સામે સિંગલ્સ મેચ હારતા સ્કોર 1-1 થયો હતો. જો કે તે પછી સાથિયાને યૂ એન કોએન પેંગને હરાવીને 2-1ની સરસાઇ અપાવી હતી. બધો દારોમદાર હરમીત પર હતો અને તેણે ભારતીયોનો વિશ્વાસ સાર્થક કરીને પોતાની સિંગલ્સ મેચમાં ઝે યૂ ક્લેરન્સ ચ્યુને 11-8, 11-5, 11-6થી હરાવીને ભારતને ગોલ્ડ જીતાડ્યો હતો.

ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, લોન બોલમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ
નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારતીય મહિલા ટીમે (Women’s Team) ઈતિહાસ રચ્યો છે. લૉન બૉલ્સ ઇવેન્ટની ફાઇનલ મેચમાં (Final Match) ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. 92 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારતે આ ઈવેન્ટમાં મેડલ જીત્યો હોય, તે પણ સીધો ગોલ્ડ મેડલ. મહિલા ટીમની આ ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયામાં લવલી ચૌબે, પિંકી, નયનમોની સૈકિયા, રૂપા રાની સામેલ હતી. જેણે સતત સારું પ્રદર્શન કર્યું અને દેશ માટે મેડલ જીત્યો. ફાયનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવ્યું છે. લગભગ અઢી કલાક સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં સરસાઈ મેળવી હતી પરંતુ ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ પણ વાપસી કરી હતી. અંતે ટીમ ઈન્ડિયાની શાનદાર રમત કામમાં આવી અને ભારતે 17-10થી મેચ જીતી લીધી છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલની સંખ્યા હવે વધીને 10 થઈ ગઈ છે, જેમાં 4 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

આ મેચમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ બાદમાં દક્ષિણ આફ્રિકાએ વાપસી કરી હતી અને સ્કોર 2-1 સુધી પહોંચ્યો હતો. જેમ જેમ મેચ આગળ વધી હતી તેમ તેમ તે વધુ રસપ્રદ બની હતી. ટીમ ઈન્ડિયા શરૂઆતમાં 4-2થી આગળ હતી જેમ જેમ રાઉન્ડ આગળ વધતો ગયો તેમ તેમ ટીમ ઈન્ડિયાની લીડ પણ મજબૂત થતી ગઈ અને ભારત રાઉન્ડ 7-2થી આગળ રહ્યું હતું. જો કે, જ્યારે આગળનો રાઉન્ડ શરૂ થયો, ત્યારે ટીમ ઈન્ડિયા થોડી ઢીલી પડી ગઈ. સાઉથ આફ્રિકાએ અહીં સતત પોઈન્ટ બનાવ્યા અને મેચ 8-8 ઉપર પહોંચી ગઈ હતી. રમતના 13 રાઉન્ડના અંત સુધી, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સંધર્ષ ચાલુ રહ્યો હતો. અને અંતે ભારતે 17-10થી મેચ જીતી લીધી હતી.

સેમીફાઈનલમાં ભારતને મોટી જીત મળી હતી. આ ઈવેન્ટની સેમીફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે ન્યુઝીલેન્ડને 16-13થી હરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં 1930ની શરૂઆતની સિઝનથી લૉન બૉલ રમવામાં આવે છે અને 1966ની ગેમ્સમાં માત્ર એક જ વાર લૉન બૉલ આ ગેમ્સનો ભાગ ન હતો. લૉન બૉલમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ છે. હાલમાં આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે જેમણે 21 ગોલ્ડ મેડલ જીત્યા છે. બીજી તરફ સ્કોટલેન્ડ 20 ગોલ્ડ સાથે બીજા સ્થાને છે.

Most Popular

To Top