ડેડ, આજે મારો વારો…પહેલો પતંગ હું ચગાવીશ.’ રાહુલ પતંગ હાથમાં લે તે પહેલાં શ્રેયે દોડીને ફીરકી હાથમાં લઈ લીધી. રાહુલના ચહેરા પર સ્મિત આવી ગયું. દીકરાને હવે બરાબર ચસકો લાગ્યો છે. ગયા વર્ષ સુધી પતંગથી દૂર ભાગતો શ્રેય હવે પતંગ ઉડાવવા માટે રાજી થઈ ગયો તેનો સંતોષ રાહુલના ચહેરા પર આવી ગયો. ‘ઓકે, બેટા શુરુ હો જા!’
હજુ તો સવારના સાત જ થયા હતા પણ ઉત્તરાયણના દિવસે સૌથી પહેલો પોતાનો પતંગ ચગે તેવી નેમ રાહુલભાઈની હતી. તે આજે પણ બરકરાર રહી હતી. સોસાયટીમાં તો લોકો હજુ સવારની ઊંઘ ખેંચી રહ્યાં હતાં. આમ પણ ઉત્તરાયણની રજા હોય એટલે લોકો આરામથી ઊઠે. સુરતની ટ્રેડિશન પ્રમાણે આજે તો અગાશીમાં સામૂહિક ઊંધિયા પાર્ટી હોય એટલે મહિલા વર્ગ પણ રજાના મોડમાં આવી જાય. પછી કોણ વહેલું ઊઠે! હા, પણ આઠ વાગતાં તો લોકો ધીરે ધીરે પોતપોતાની અગાશીમાં દેખાવા લાગે. પછી બરાબર પતંગનો પેચ જામે. લાઉડસ્પીકર પર મોટેથી વાગતાં ગીતો અને ચીકી, બોર, શેરડી વગેરેની જયાફત ઊડે. બપોરે ઊંધિયા પાર્ટી અને સાંજે ઢોસા કે પછી પાંઉભાજીનો પ્રોગ્રામ ગોઠવાય.
પણ આ વખતે ઉત્તરાયણ ફિક્કી રહેશે. કોરોનાની ત્રીજી લહેર બરાબર જમાવટ કરી રહી છે. લોકો ડરના માર્યા ઘરમાં પુરાયા છે. ‘આ તો સારું છે પોતાનો બંગલો છે એટલે પર્સનલ અગાશીમાં પતંગ ચગાવી શકાય. બાકી એપાર્ટમેન્ટમાં રહેતાં હોય તો અગાશીમાં જવાની હિંમત ન કરાય.’ રાહુલભાઈ હાથમાં ફીરકી પકડીને ઊભા હતા. શ્રેય સરસ પેચ લઈ રહ્યો હતો અને સામેવાળાનો પતંગ કપાયો એ સાથે જ એ ઉછળ્યો, ‘એ…કાયપો છે….!’ છેલ્લાં બે–ચાર વર્ષથી પતંગ ચગાવવાથી ડરતો શ્રેય આજે બરાબરનો પતંગ ઉડાવવાની મજા લઈ રહ્યો હતો તેથી રાહુલભાઈએ મનોમન ભગવાનનો પાડ માન્યો. ‘હાશ, મારો દીકરો નોર્મલ થઈ ગયો.’
પાંચ વર્ષ પહેલાંની ઘટના રાહુલભાઈના મનમાં આવી ગઈ. તે દિવસે એ લોકો બધાં પતંગ ચગાવવા માટે રાહુલભાઈની બહેનના ઘરે વડોદરા ગયા હતા. હજુ તો ઉત્તરાયણનો આગલો દિવસ હતો. બધાં આઠ–નવ વર્ષનાં બાળકો સાથે મળીને અગાશી પર ગયાં હતાં. રાહુલભાઈનાં બહેન એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં એટલે ત્યાં બાળકોને પતંગ ચગાવવાની વધુ મજા આવતી. કારણ કે ઘણા બધા લોકો અગાશીમાં હોય તેથી અંદર અંદર જ પતંગના પેચ લેવાની મજા પડે. એકબીજાના પતંગ કાપીને ‘એ કાયપો….’ બોલવાની પણ મજા આવતી. બરાબરનો માહોલ જામ્યો હતો. રાહુલભાઈ પોતાના અને બહેનના દીકરાનું ધ્યાન રાખવા માટે અગાશીમાં બાળકો સાથે ઊભા હતા. કેટલાંક બાળકો અગાશીમાં આવેલી પાણીની ટાંકી પર ચડ્યાં હતાં.
આમ તો પાણીની ટાંકીની અગાશી પર ફરતી રેલિંગ હતી એટલે બાળકો પડી જાય તેવો ડર ન હતો પણ કેટલાંક યુવાનો ધીંગામસ્તી કરતા હતા તેમાં એકને બહાદુરી દેખાડવાનો શોખ હતો તે રેલિંગ પર લટકીને સ્ટંટ કરતો હતો. અગાશી પર હાજર હતા તે બધા વડીલોએ એને ચેતવ્યો હતો પણ યુવાન મસ્તીના મૂડમાં હતો એટલે સાંભળતો ન હતો. રાહુલભાઈ તો ખિજાયા પણ ખરા, ‘હાથ છટકશે તો સીધો નીચે જઇશ. હાડકું પણ હાથમાં નહીં આવે’ પણ પેલો કોઈને ગાંઠતો નહોતો. એમાં જબરું બન્યું. સાંજ પડી તેમ તેમ પતંગ ચગાવવાનો તથા પેચ લેવાનો ઉન્માદ વધતો ગયો. તેમ તેમ બાળકોની મસ્તી વધતી ગઈ. એમાં પેલો છોકરો વધુ વાયડાઇ કરવા લાગ્યો. તે દરમિયાન કબૂતરનું ટોળું પતંગમાં અટવાઇને રઘવાયું બની ગયું. એમાંથી એક છૂટા પડેલા કબૂતરે જીવ બચાવવા પેલા સ્ટંટ કરતા છોકરાને ચાંચ મારી અને એ સાથે જ પેલાએ કબૂતરને એક હાથે પકડીને એનું ગળું દબાવી દીધું. શ્રેયની નજર સમક્ષ કબૂતર તરફડીને મરી ગયું. શ્રેયના હાથમાંથી પતંગનો દોર છટકી ગયો. બસ તે દિવસ અને આજનો દિવસ શ્રેયે ત્યારથી પતંગનો દોર હાથમાં લીધો ન હતો.
રાહુલભાઈએ ચાર વર્ષથી લાગલગાટ એને સપોર્ટ આપ્યો હતો. કદી પતંગ ચગાવવા માટે ઉશ્કેર્યો નહોતો. એ જાણતાં હતા કે જે દિવસે શ્રેયના મનમાં સમાધાન થઈ જશે કે કબૂતર પતંગના કારણે નહિ પણ પેલા છોકરાની ક્રૂરતાના કારણે મરી ગયું હતું તે દિવસે એ પાછો નોર્મલ થઈ જશે. કાલે રાતે માત્ર શોખ ખાતર જ એ પંગતનો એક પંજો તથા દોર લાવ્યા. સવારે વહેલા ઊઠીને એ અગાશી પર આવ્યા કે તરત જ શ્રેય એમની પાછળ પાછળ આવ્યો. ‘એ લે..લે….લેતો જા….કાયપો…’ શ્રેયનો અવાજ કાને પડ્યો અને રાહુલભાઈ પોતાના વિચારમાંથી બહાર આવ્યા. જાણે દીકરાને પહેલી વાર જોતા હોય એમ પતંગ ઉડાવવાની મજા લેતા જોઈ રહ્યા.સંતાન પોતાના કપરા સમયમાંથી કમ્ફર્ટ ઝોનમાં આવે ત્યારે માતા–પિતાને કેટલો આનંદ અને રાહત થાય તે તો માત્ર માતા–પિતા જ સમજી શકે.