‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ઉલ્ટી ગિનતી શરૂ થઇ ચૂકી છે. અમુક વર્ષ પછી આપોઆપ ગમે તેવો શો હોય તો ય તે તેની ફેશનેસ ગુમાવીદે છે. તેના પાત્રો શું વર્તન કરશે તે લોકો જાણી ચૂકયા છે. તેમની હસાવવાની રીતો ખુલ્લી પડી ગઇ છે અને એકપછી એક પાત્રો પણ બદલાઇ રહ્યા છે. લોકોને દિલીપ જોશી અને દિશા વાકાણીની જોડીમાં ખૂબ મઝા આવતી હતી અને દિશા વાકાણી 2017થી મેટરનિટી રજા પર ગઇ પછી પાછી જ વળી નહીં. શોના નિર્માતાએ તે જગ્યા ભરવા પ્રયત્ન જ ન કર્યો અને એવી ચર્ચામાં ચાહકો રોકાયેલા રહ્યા કે દિશા ફરી આવે છે કે નહીં? લાંબા ચાલેલા શોમાં જે તે પાત્રો ભજવતા અભિનેતા અભિનેત્રી બદલાયા કરે તો સહજ છે પણ છતાં લોકોની નજરમાં અગાઉના કળાકારો સાથેની તુલના થતી રહે છે અને લાગ્યા કરે છે કે કશુંક ખૂટે છે.‘
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઠેઠ 2008થી ચાલે છે અને કહેવું જોઇએ કે દિલીપ જોશીના જેઠાલાલ તરીકેના અભિનયમાં તો નબળાઇ નથી આવી પણ હવે તેમની ઉંમર દેખાવા માંડી છે. ગમે તેમ પણ તે 54 વર્ષના થયા છે. બીજું કે લોકોને તેની અને દયાની જોડી વડે લગ્નજીવન વિશે જે અનેક પ્રસંગો વડે મઝા આવતી હતી તે ગાયબ છે. લોકો તે કહે છે કે સ્વયં દિલીપ જોશી પણ શો છોડી જવા માંગે છે. જો ખરેખર એમ બને તો તો પ્રેક્ષકોના મનમાં એ જગ્યા ભરવી મુશ્કેલ થઇ જશે. હમણાં ઘણા કળાકારો બદલાઇ રહ્યા છે. તારક મહેતા તરીકે ભૂમિકા ભજવતા શૈલેશ લોઢાની જગ્યાએ સચીન શ્રોફ આવ્યો છે અને તે પહેલા અંજલી ભાભી તરીકે લોકપ્રિય અભિનેત્રીની જગ્યાએ સુનયના ફૌજદાર આવી છે.
આ પહેલાં પણ અનેક પાત્રોમાં મૂળ અભિનેતા બદલાયા છે. જે નથી બદલાયા તેમની તો હવે ગરજ બની છે, કારણ કે તેઓ જે પાત્રોમાં ઓળખ પામ્યા છે તે એવી છે કે તરત બીજી સિરીયલોમાં ગોઠવાય નહીં શકશે. ‘મહાભારત’, ‘રામાયણ’ ટી.વી. સિરીયલોના કળાકારો પોતાની ઇમેજમાં એવા ફીટ થઇ ગયેલા કે પછી લગભગ નિવૃત જ થઇ જવું પડેલું. દિલીપ જોશીથી માંડી ચંપકલાલ(અમીત ભટ્ટ) આત્મારામ તુકારામ ભીડે (મંદર ચંદરવાકર) બાધા (તન્મય વેકરીયા), રોશન શોઢી (ગુરુચરણ સીંઘ), બબીતાજી (મુનમુન દત્તા) માધવી ભાભી (સોનાલિકા જોશી) વગેરેએ હવે બીજું કાંઇ કરવું હોય તો મુશ્કેલી ઊભી થશે. લોકો નટુકાકા (ઘનશ્યામ નાયક)ની જગ્યાએ આવેલા અભિનેતાને પણ સ્વીકારી શકયા નથી.
એક સમયે સુંદરલાલનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય હતું પણ શોના નિર્માતાને તેને ભરવાનો ય કોઇ પ્રયત્ન નથી કર્યો. શોના નિર્માતા આસીતકુમાર મોદી કદાચ એવી હવામાં છે કે શો એટલો લોકપ્રિય છે કે અમુક પાત્રો કાયમ માટે જાય તો ય કોઇ ફરક નથી પડવાનો.બીજું કે તેમની કળાકાર ટીમના આંતરિક ખટરાગ પણ બહાર આવવા માંડયા છે. દિલીપ જોશી અને શૈલેશ લોધા વચ્ચે અણબનાવ હતો. ખેર, એ અંદરની વાત હતી પણ શોમાં ફરક તો પડી જ જતો હોય છે. હવે આસીતકુમાર મોદીની હાલત એ છે કે તેઓ શો બંધ કરવા તો હજુ વિચારી શકે એમ નથીઅને તેની જગ્યાએ કોઇ એવો શો વિચારી શકે તેમ નથી જે વર્ષો સુધી ચાલી શકે.
આસીત મોદી કોઇ એકતા કપૂર નથી કે જે એકથી વધુ લોકપ્રિય શો આપી શકે. આસીતકુમાર મોદી પોતાની સફળતાથી બંધાય ગયા છે પણ હવે તેમણે કોઇ નવી શરૂઆત કરવી પડશે. પોપટલાલને પરણાવો તેથી નવી કોમેડી થશે એવું ધારી ન શકાય. મૂળ શો જે રીતે હતો તે હવે ફરી બની શકે તેમ નથી. એક સમયે ટપુનું પાત્ર જે આનંદ આપતું હતું તે ટપુ પણ પાછો ન ફરી શકે અને તેની ગર્લફ્રેન્ડ પણ પાછી નહીં ફરી શકે. પાત્રો ભજવનાર કળાકારો મોટા થઇ જાય પણ પાત્રની ઉંમર તો એ જ રહેવી જોઇએ. આ બધું કાર્ટૂન પાત્રોમાં જેટલું વધુ સહજ છે તેટલું રિયલ માનવ પાત્રોમાં નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે હસાવતા હસાવતા સ્વયં ફસાયા છે.