એક બહુ જાણીતી ઉક્તિ છે : ‘નરકમાંય પુસ્તકોનો સાથ મળે તો નરક પણ સ્વર્ગમાં પલટાય જાય..! ‘આ વિરોધાભાસી વાત છે. : ‘પુસ્તક મળ્યાં હોત-વાંચ્યાં હોત તો પેલી વ્યક્તિ નરકમાં જાત જ શું કામ ?!’ બીજા શબ્દોમાં કહીએ તો ખરાં પુસ્તકનું ખરું વાંચન (કોઈક અપવાદને બાદ કરતાં ) તમને નરક કે જેલ -કારાવાસ દોરી ન જાય એ તો પુરવાર થયેલી વાત છે-હકીકત છે.
સારાં-નરસાં પુસ્તકો વિશે અનેક ઉક્તિ-વ્યાખ્યા વિભિન્ન દેશની વિવિધ ભાષામાં છે. એક બહુ જાણીતી ઉક્તિ છે : ‘ નઠારાં પુસ્તક લૂટારું જેવાં હોય છે.એના રવાડે ચઢયાં તો એ સમય -તમારી યુવાની લૂંટી લે – બરબાદ કરી નાખે…!’ બીજી તરફ સારાં પુસ્તકો વિશે અમદાવાદના જાણીતા પુસ્તક પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ના મહેન્દ્રભાઈ શાહ ‘ગુજરાતમિત્ર’ને કહે છે કે ‘ સારાં પુસ્તકો,એમાંય પોઝિટિવ થિંકિંગ- સકારાત્મક વિચારધારાનાં પુસ્તકો તમને જીવનની ખરી દિશા તરફ દોરી જાય. આવાં પુસ્તકની માંગ છેલ્લાં કેટલાંક વર્ષથી એકધારી વધી છે. અંગ્રેજીમાંથી થતાં અનુવાદ પણ સારા ચાલે છે..’
આમ તો આજની પેઢીની દુનિયા મોબાઈલ- ડેસ્કટોપ- લેપટોપ- ટેબ્લેટ-પેડમાં સીમિત થતી જાય છે. જગતભરમાં ઈ-બુકનું ચલણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે આપણી ગુજરાતી ભાષાની ઍપ ‘ઈ-શબ્દ’ દ્વારા ડિજિટલ ટેકનોલોજીમાં સર્વપ્રથમ હરણફાળ ભરનારા-એના પ્રણેતા એવા અપૂર્વ આશર કહે છે: ‘પ્રકાશિત પુસ્તકોમાં હજુય જૂના જોગીઓ, જેમ કે હરકિસન મહેતા- અશ્વિનિ ભટ્ટ – ચન્દ્રકાન્ત બક્ષીની બોલબાલા છે. એમનાં પુસ્તકો હજુ ય પુન:પ્રકાશનમાં આગળ છે. એમની પછીની પેઢીના લેખકોમાં કાજલ ઓઝા-વૈદ્ય – જય વસાવડા-સૌરભ શાહનાં નામ લઈ શકાય.આમાં મજાની વાત એ છે કે એ બધાં પોતાનું માર્કેટિંગ કરે છે પરિણામે એમણે સર્જેલો સારો એવો પોતાનો ચાહક વર્ગ છે તેમ છતાંય વિરોધાભાસી વાત એ છે કે આજની પેઢીના વાચકોમાં પણ ઈ-પુસ્તકોની માંગ કે વેચાણ નિરાશાજનક રીતે ઘણું ઓછી છે !’
જો કે, હમણાં તો લગભગ દેશભરમાં ઠેર ઠેર કોરોના-કાળના પૂર્ણ કે આંશિક લોકડાઉનનો માહોલ છે. ઘરબંધીના આ સમયમાં ઘણાંને મનન-ચિંતન માટે પુસ્તકો વાંચવાની ઈચ્છા થાય. પુસ્તકોનું બજાર લગભગ બંધ છે. નવાં પુસ્તક વાંચવા મળે નહીં ત્યારે ઘરમાં વસાવેલાં જૂનાં પણ ન વાંચેલાં કે અગાઉ વાંચી લીધેલાં ફરી વાંચવાં પડે. આવો સિનારિયો સર્જાયેલો હોય ત્યારે પુસ્તકોની એક બીજી અનોખી દુનિયા વિશે પણ જાણી લેવું જોઈએ.
કેવી છે એ દુનિયા?
કોરોનાને કારણે કદાચ હમણાં એની પ્રત્યક્ષ મુલાકાત શક્ય નથી, છતાં ખરા વાચનચાહકોએ દૂરથી પણ એમાં ડોકિયું કરી લેવું જોઈએ. તમને ખ્યાલ હશે કે ક્યાંક વાંચ્યું પણ હશે કે એકલાં રહેતાં વૃધ્ધ યુગલ કે વૃધ્ધાશ્રમમાં રહેતાં દાદા-દાદીને સથવારો આપવાં કેટલીક સ્કૂલનાં બાળકો અઠવાડિયે એકાદ દિવસ જતાં-આવતાં. એમની સાથે અલક્મલકની વાતો કરતાં-સમય ગાળતાં. જીવનસંધ્યાએ બાળકો આ રીતે આવીને મળે એનાથી એ દાદા-દાદીની એકલતા ઓગળતી ને એ ખુશ રહેતાં.. આવા પ્રયોગ આપણે ત્યાં સફળતાપૂર્વક થયા છે.
આથી થોડો અલગ પણ નિરાળો એક પ્રયોગ શરૂ થયો હતો થોડાં વર્ષ પૂર્વે ‘ UNO’ દ્વારા. એ હતો જીવતાજાગતા માણસને એક પુસ્તક રૂપે વાંચવાનો! એ પછી ડેનમાર્કમાં પણ એ પ્રયોગ અજમાવવામાં આવ્યો અને એ પ્રયોગે લોકોમાં સારી એવી ઉત્સુકતા પણ જગાડી. ડેનમાર્કની સફળતા પછી અનેક દેશોએ આવી ‘હ્યુમન બૂક લાઈબ્રેરી’ વસાવી.
શું છે આવાં પુસ્તકાલયની વિશેષતા ?
આ એક એવી લાઈબ્રેરી છે, જ્યાં તમને ચીલાચાલુ પુસ્તકો ન જોવાં મળે.અહીં તમને મળે તમને ગમતા – પસંદગીના વિષયની વ્યક્તિ. અહીં એને મળી-એની સાથે વાતચીત કરી-તમારે જાણવા હોય એ પ્રશ્નોના ઉત્તર-ઉકેલ તમે એની પાસેથી મેળવી શકો…!
ડેન્માર્કથી લોકપ્રિય થયેલી આ પ્રકારની લાઈબ્રેરીઓ આજે ૮૦થી વધુ દેશમાં છે. સામાન્ય પુસ્તકાલયની જેમ એ નિયત સમયે ખૂલતી અને બંધ થતી લાઈબ્રેરી નથી. ચોક્કસ સમયના અંતરે એનું આયોજન થાય ત્યારે ત્યાં કેવા પ્રકારનાં પુસ્તકો ‘હાજર’ હશે એની આગોતરી જાણ કરવામાં આવે છે . સામાન્ય લાઈબ્રેરીમાં વિવિધ વિષયોનાં પુસ્તક વિભિન્ન વિભાગમાં પુસ્તકના નામ સાથે ક્રમાનુસાર ગોઠવવામાં આવે છે.
એની તૈયાર સૂચિ પણ હોય, જ્યારે અહીં હ્યુમન લાઈબ્રેરી ઉર્ફે માનવ પુસ્તકાલયમાં એવું નથી હોતું. અહીં માત્ર વિષય અનુસાર એની જાણકાર કે નિષ્ણાત વ્યક્તિ નિયત સમયે હાજર હોય. ઉદાહરણ તરીકે, ‘લગ્ન’- ‘મનોવિજ્ઞાન’- ‘આર્થિક’-’ક્રિકેટ’ કે પછી ‘સેકસ’ કે ‘બાળઉછેર’ …આવાં કે આ પ્રકારના વિષયની જાણકાર કે અનુભવી વ્યક્તિ અહીં ‘પુસ્તક’ તરીકે હાજર હોય. નિયત સમયે તમે (એટલે કે કોઈ વાચક) એને રૂબરૂ મળી એની સાથે વાતચીત કરી એ વિષયની વધારાની માહિતી કે મૂંઝવતા સવાલના જવાબ મેળવી શકો..જીવંત પુસ્તક રૂપે અહીં હાજર થતી વ્યક્તિ કોઈ ફી ચાર્જ નથી કરતી.
એ અહીં માત્ર એક સ્વયંસેવક તરીકે-સ્વેચ્છાથી આ સેવા બજાવે છે. લાઈબ્રેરીનું એક પુસ્તક એક વાચક વાંચી શકે પણ ‘જીવંત’ પુસ્તકને અહીં એક કરતાં વધુ વાચક એક સાથે વાંચી શકે એટલે કે એની સાથે વાર્તાલાપ કરી શકે. છાપેલું પુસ્તક વાચકને એકતરફી જ્ઞાન કે માહિતી આપે છે, જ્યારે આ હ્યુમન લાઈબ્રેરીનાં આવાં જીવંત પુસ્તક ‘વન-વે ટ્રાફિક’ને બદલે વાચક સાથે મુક્ત મને મંતવ્યો- વિચારોનું આદાનપ્રદાન કરે છે. આના કારણે આવી લાઈબ્રેરીમાં વાચક તેમ જ ‘જીવંત’ પુસ્તક એમ બન્નેના જ્ઞાનમાં વધારો થાય છે. જૂના ખ્યાલ – પૂર્વગ્રહ ઘટે છે.
આપણે ત્યાં આવી હ્યુમન લાઈબ્રેરીની શરૂઆત ઈંદોરથી થઈ. પછી મુંબઈમાં એનો પ્રારંભ ચારેક વર્ષ પહેલાં એક પ્રગતિશીલ મુસ્લિમ પરિવારની અંદલાબ કુરેશી નામની યુવતીએ કર્યો. ન્યૂયોર્ક-ઓક્સ્ફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલી અંદલાબને આ હ્યુમન લાઈબ્રેરીના આયોજનમાં સારી સફળતા મળી પછી એના પગલે હૈદ્રાબાદ- બેંગ્લુરુ- મહિસુર – પુણે-ચેન્નઈ-દિલ્હી ઉપરાંત આપણા સુરત શહેરમાં પણ આવાં ‘ઈન્સાન પુસ્તકાલય’ સક્રિય થઈ ગયાં છે.
આપણા સદગત રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કહેતા : ‘ એક સારું પુસ્તક ૧૦ મિત્રો બરાબર છે પણ એક સારો મિત્ર તો એક આખી લાઈબ્રેરી સમાન છે..! ‘ આ જ વાત માનવ પુસ્તકાલયને બંધબેસતી આવે છે. શરત માત્ર એટલી જ કે ‘જીવંત પુસ્તક’ બનનારી વ્યક્તિએ એનું ખરું જ્ઞાન -સાચી જાણકારી કે અનુભવ જ વાચકને દર્શાવાનો..સામે પક્ષે,વાચકે પણ પોતાની માન્યતાઓ – પૂર્વગ્રહો ત્યાગીને જ પેલા ‘જીવંત પુસ્તક’ સાથે પોતાના વિચારોનું આદાનપ્રદાન કરવાનું….! કોરોના-કાળની ઘરબંધીએ આપણા જગતને વધુ સંકોરી નાખ્યું છે. આવા માહોલમાં જીવંત સંપર્ક નહીંવત થતો જાય છે. આમ છતાં વહેલા-મોડા કોરોનાની વિદાય પછી ‘જીવ્ંત પુસ્તકના માનવ લાઈબ્રેરી’ ના આ ઉમદા વિચારને ફરી ધબકતો તો કરવો પડશે.