Columns

આવો સાથ સહકાર

એક કરાટે ક્લાસમાં નાનકડો આઠ વર્ષનો વિભોર; કરાટે શીખવા આવ્યો.નાનો હતો.હાથ નાના.પગ નાના.સરે ધીમે ધીમે શીખવાડવાની શરૂઆત કરી.વિભોર દિલ દઈને શીખતો.સરની ટ્રેનિંગ સરસ હતી અને એવી હતી કે ક્લાસમાં બધા એકબીજાને મદદ કરે, શીખવતા રહે. આમ શીખતાં શીખતાં એક વર્ષ પૂરું થયું.હવે ક્લાસમાં પરીક્ષા હતી.બધા વિદ્યાર્થીઓને તેમની ઉંમર પ્રમાણે ટાસ્ક આપવામાં આવ્યા હતા.એક પછી એક વિદ્યાર્થીઓ આવતાં અને પોતાના ટાસ્ક પૂરા કરતા. બીજા બધા જ વિદ્યાર્થીઓ પાનો ચઢાવતા.હિંમત આપતા.વિભોરનો વારો આવ્યો.વિભોરને એક પગની લાત વડે ટાઈલ્સ તોડવાનો ટાસ્ક પૂરો કરવાનો હતો.

નાનકડા વિભોર માટે સરે પોતે પોતાના બે હાથ વડે ટાઈલ્સ પકડી અને વિભોરને લાત મારી તોડવા કહ્યું.વિભોરે સરસ કોશિશ કરી પણ ટાઈલ્સ તૂટી નહિ.એક.બે.ત્રણ.ચાર.ઘણા પ્રયત્નો છતાં ટાઈલ્સ તૂટી નહિ.ક્લાસમાં કોઈ તેની પર હસ્યું નહિ.બધા સતત તેને પાનો ચઢાવતા રહ્યા. ‘કમ ઓન, વિભોર.કમ ઓન વિભોર.બધા સતત બોલતા હતા.કોઈ તેની મજાક ઉડાડતું ન હતું.સર, સતત પ્રેરણા આપી રહ્યા હતા.પણ ઘણા પ્રયત્નો છતાં ટાઈલ્સ તૂટી નહિ.નાનકડો વિભોર રડવા લાગ્યો.પણ સરે તેને શાંત  કર્યો.અને પછી એક પગની લાત વડે ટાઈલ્સ એડી જોરથી મારવાથી તૂટે તે ફરી સમજાવ્યું …આખા કલાસે ..વિભોર …વિભોર..કમ ઓન કહી પાનો ચઢાવ્યો અને નાનકડા વિભોરે પોતાના પગની એક લાત વડે ટાઈલ્સ તોડી નાખી.સરે તેને શાબાશી આપી તેડી લીધો.આખા ક્લાસના વિદ્યાર્થીઓ તેને ભેટી પડ્યા અને જાણે તેણે બહુ મોટી સિદ્ધિ મેળવી હોય તેમ તેની વાહ વાહ કરવા લાગ્યા.

વિભોર ખુશ થયો.તેની તૂટતી હિંમત ટકી ગઈ.આત્મવિશ્વાસ જળવાઈ રહ્યો.તે કરાટેમાં આગળ વધ્યો.જો કોઈએ તેની મજાક ઉડાડી હોત તો.બધા તેની પર હસ્યા હોત તો.સર આટલું નથી આવડતું કહી ખીજાયા હોત તો.શું થાત.એક નાનકડા છોકરાની હિંમત પહેલા પગલે જ તૂટી જાત અને તે જીવનમાં આગળ કરાટે શીખવાનું છોડી દેત.અથવા પોતે નહિ કરી શકે.નહિ શીખી શકે તેવો ડર ઘુસી જાત.પણ તેમ ન થયું કારણ સરે ખીજાવાની જગ્યાએ સાચો રસ્તો ફરી શીખવાડ્યો.અન્ય વિદ્યાર્થીઓએ ભરપૂર સાથ, સહકાર અને હિંમત આપી. જીવનમાં પણ આ કરાટે ક્લાસમાં વિભોરને મળ્યા તેવા સાથ સહકાર અને સમજ આપનારા મળી જાય તો કોઈ હતાશ નિરાશ ન થાય અને એકબીજાના સહકારથી બધા આગળ વધી શકે.         
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top