- ડ્રાફ્ટ બજેટ નું કદ 10593 કરોડ
- વિકાસ કામો માટે 5073 કરોડની જોગવાઈ
- વેરાના દરમાં કોઈ વધારો નહીં
- યૂઝર ચાર્જીસમાં કોઈ ફેરફાર નહીં
- રોડ રસ્તાઓ માટે 368 કરોડની જોગવાઈ
- ડ્રેનેજ માટે 628 કરોડની જોગવાઈ
- સુરત ને બ્રાન્ડ તરીકે વિકસાવવાની યોજના
સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા વર્ષ 2026-2027 માટેનું રૂપિયા 10,593 કરોડનું બજેટ મંગળવારે 3 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું. સુરતીઓ માટે રાહતના સમાચાર એ છે કે બજેટમાં મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા પર કોઈ પણ પ્રકારનો નવો કર લાદવામાં આવ્યો નથી. સુરતને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના વિઝન સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના ₹10,004 કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે ₹589 કરોડનો વધારો જોવા મળ્યો છે.
સુરત મહાનગર પાલિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રાફ્ટ બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. રેન્વ્યુ ખર્ચ 5520 કરોડ સામે 5772 કરોડની આવક સાથે સતત ત્રીજા વર્ષે 252 કરોડની પુરાંત વાળું સર પ્લસ બજેટ રજૂ કરાયું છે. બજેટમાં કેપિટલ આવક 3634 રહેશે. વિકાસ કામો ના ખર્ચ 3657 કરોડ રહેવાનો અંદાજ છે.
મનપાનું ચૂંટણી લક્ષી બજેટ
પાલિકા દ્વારા કર અને દર યથાવત રાખવામાં આવ્યા છે જેને કારણે તેને ચૂંટણીલક્ષી બજેટ કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. યૂઝર ચાર્જમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 અંતર્ગત ઇલેક્ટ્રીક વાહનો માટે યાંત્રીક પરિવહન ચાર્જમાં 18-9-25 થી 17-9-26 સુધી 100 ટકાની રાહત આપવામાં આવી છે. 18-9-26 થી 17-9-27 સુધી 75 ટકાની રાહત આપવામાં આવી છે.
તાપી નદી પર બેરેજ પ્રોજેકટ
- ફોફરડેરમી ડિઝાઈન સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા મંજૂર કરાઈ છે જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે
- બેરેજ ડિઝાઈન પ્રૂફચેકિંગની કામગીરી સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા પ્રગતિ હેઠળ
- રાહુલ રાજ મોલ પાસે ફ્લાયઓવર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ
- ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે 150 કરોડના ખર્ચનો અંદાજ
સુરત બનશે ડસ્ટ ફ્રી ‘ગ્રીન સિટી’
સુરત શહેર દેશનું બીજું ગ્રીન સિટી બને તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સાથેજ શહેરને ડસ્ટ ફ્રી બનાવવાની પણ પાલિકાની યોજના છે. શહેરને વધુ હરિયાળું બનાવવા માટે “અર્બન ગ્રીન પોલિસી” અમલમાં મૂકાશે. પર્યાવરણની જાળવણી માટે ખાસ ‘ગ્રીન ઓફિસર્સ’ની નિમણૂંક કરવામાં આવશે. ‘ટ્રી હેલ્થ કાર્ડ’ અંતર્ગત શહેરમાં આવેલા વૃક્ષોની તંદુરસ્તીનો સર્વે કરી તેની યોગ્ય જાળવણી કરવામાં આવશે. સાથે જ સુરતમાં આધુનિક શહેરી આયોજનના ભાગરૂપે પ્રખ્યાત “લેચવર્થ – ગાર્ડન સિટી કોન્સેપ્ટ” વિકસાવવાની દિશામાં પણ વિચારણા કરવામાં આવી રહી છે.
તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
- ફેઇઝ-૧ તાપી નદીના બંને કાંઠાઓ ઉપર રૂઢ-ભાઠા સૂચિત બેરેજથી લઇ કઠોર બ્રિજ સુધીના ૩.૩ કિલોમીટર લંબાઈમાં પાળાની કામગીરી
- સૂચિત બરાજથી સિંગણપોર વિયર સુધી અંદાજે ૧૦ કિલોમિટર વિસ્તારમાં એમિનીટીઝની કામગીરી.
- ફેઇઝ-૨ હયાત વિયર કમ કોઝવેથી કઠોર બ્રિજ સુધીનો અંદાજે ૨.૩ કિલોમીટરના વિસ્તારમાં એમીનીટીઝની કામગીરી
- તાપીના ડાબા કાંઠે બેરેજથી શરુ કરી સરદાર બ્રિજ સુધી આશરે ૪,૮૦૦ રનીંગ મીટરના પ્રાયોરીટી સ્ટ્રેચમાં રીવરફ્રન્ટ કામગીરી
- આશરે ૫,૮૨૬ રનીંગ મીટર જેટલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇન્ટરસેપ્ટરની કામગીરીનું પ્રથમ આયોજન
ફાયર વિભાગને આધુનિક બનાવવા 22.75 કરોડની જોગવાઈ
વર્ષ ૨૦૨૬-૨૭ માં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગને વધુ આધુનિક બનાવવા માટે 22.75 કરોડની જોગવાઈ કરાઈ છે. સુરતમાં વધતી હાઈરાઈઝ બિલ્ડીંગોની સંખ્યાને ધ્યાને રાખીને ફાયર વિભાગને વધુ આધુનિક અને સજ્જ બનાવવા માટે અંદાજે રૂ. ૨૨.૭૫ કરોડના ખર્ચે વિવિધ સાધનો અને વાહનોની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.