મોસમ રંગ-ઢંગ બદલે છે. ક્યારેક વાતાવરણ ખુશનુમા જણાય તો તેનો આનંદ લેવો જ જોઈએ. સિઝન આનંદ સાથે પડકારો પણ લઈને આવે છે. પર્યાવરણના અસંતુલનની અસરને કારણે આ વખતે મોસમના રંગઢંગ બદલાયા ને સૌને તકલીફમાં મૂકી દીધા. ઘડીક વરસાદ તો ઘડીક ઠંડી થઈ. ઠંડીની સાથે કમોસમી વરસાદ થતાં શિયાળામાં ચોમાસુ જેવો માહોલ થતાં શું પહેરવું? ગરમ સ્વેટર કે રેઇનકોટ? તે અંગે લોકોએ દ્વિધા અનુભવી હતી.
કમોસમી માવઠું અને વાદળછાયા વાતાવરણને કારણે ધરતીપુત્રો હેરાન-પરેશાન થઈ ગયા. હવામાન પલટો એવો આવ્યો કે તેનો આનંદ લેવાની વાત બાજુમાં રહી શરીર પ્રત્યે સજાગ રહેવાની જરૂર પડી. આવી સિઝન ચોર પગલે માંદગીને પણ લઈને આવે છે. સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખ્યું તેને બીમારી આવી. લગ્નો, રિસેપ્શન, વરઘોડામાં ભંગ પડ્યો હતો.
આ થઈ મોસમની વાત. કેટલાકને માનવીને એવી કુટેવ હોય કે અચાનક પોતાના રંગ-ઢંગ બદલે ને સૌને મુશ્કેલીઓમાં મૂકી દે. નાની-નાની વાત પર તરત ગુસ્સો-ક્રોધ કરી બીજાને હાનિ પહોંચાડે છે. સત્ય છે કે ક્રોધ વ્યક્તિની નિર્બળતાનાં દર્શન કરાવે છે. ક્રોધની પહેલી અસર પોતાના પર થાય અને તેની પ્રતિકૂળ અસર તેની તંદુરસ્તી પર થાય છે. પછી હાજર સૌને તેની અસર પડે. કેટલાંક તો તરત ગુસ્સો થઈ જાય, છંછેડાઈ જાય અને સંયમ ભૂલી, શાંતિ ભંગ કરીને પ્રસંગને બગાડી દેતાં જરાયે ખચકાટ ન અનુભવે.
ગંભીર બાબતોમાં, બાળકોને શિખામણ આપવામાં સામાન્ય ગુસ્સો ચાલે પણ સ્વભાવમાં એવો પલટો લાવે કે સારા અને મંગલ પ્રસંગે લાગણીનું મહત્ત્વ ભૂલી શબ્દોને શસ્ત્રો તરીકે ઉપયોગ કરે. ગુસ્સો- ક્રોધ એ મનુષ્ય સહજ લાગણી છે, કંઈ બદલવાની ઈચ્છાથી તેમ કરો તો આવકાર્ય છે. નાની- નાની વાતોમાં ગુસ્સો કરો એ સમય અને શક્તિનો બગાડ છે. ગુસ્સો સકારાત્મક હોય અને યોગ્ય સમય-સ્થળે હોય તો સારો બદલાવ પણ લાવી શકે છે. ચાલો રંગ-ઢંગ બદલવાની રીત, આક્રોશ કરવાની રીતમાં ફેરફાર કરી તાકાતનો યોગ્ય ઉપયોગ કરીએ. મોસમનો આનંદ લઈએ. પર્યાવરણના રક્ષણની જવાબદારી નિભાવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.