સુરત: સુરત જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતો અને માનવમૃત્યુના બનાવોને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં માર્ગ સલામતી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અનેક નિર્ણાયક સૂચનાઓ આપવામાં આવી હતી.
- હાઇવે પર હોટેલ માલિકોના દબાણ સામે કાર્યવાહી કરવા, હેવી વાહનો સામે પગલા ભરવા આદેશ
- ઓવર સ્પીડિંગ કરતા વાહનો પર તાત્કાલિક કાર્યવાહીનો આદેશ
બેઠકમાં કલેક્ટરએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જિલ્લાના અનેક રસ્તા અને પુલો ભારે વાહનો માટે ડિઝાઇન કરાયેલા નથી. તેમ છતાં આવા માર્ગો પર હેવી વેહીકલ્સની અવરજવર અકસ્માતનું મુખ્ય કારણ બની રહી છે. આથી આવા વાહનોના પ્રવેશ પર નિયંત્રણ લાવવા તંત્રને તાકીદ કરવામાં આવી હતી. જિલ્લાને જોડતા નેશનલ હાઇવે પર સર્વિસ રોડ ઉપર અનેક હોટેલ માલિકો દ્વારા કરાયેલા ગેરકાયદે લેવલિંગ અને દબાણ અંગે ગંભીર નોંધ લેવાઈ હતી.
મામલતદાર, પોલીસ અને આર.ટી.ઓ.ને આવા દબાણકારોનો સર્વે કરી યાદી તૈયાર કરી NHAIને સોંપવા તેમજ સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ અપાયો હતો. બેઠકમાં આરટીઓ એચ.એમ. પટેલ, એઆરટીઓ સોલંકી સહિત પોલીસ, આર.ટી.ઓ., NHAI, માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સિલના સભ્યો દ્વારા પણ માર્ગ સલામતીને લગતા ઉપયોગી સૂચનો રજૂ કરાયા હતા.
ડ્રાઈવરો માટે આંખ તપાસ કેમ્પ અને ઓવર સ્પીડિંગ પર કડક નજર
માલવાહક તથા ભારે વાહનોના ચાલકો માટે વિશેષ ‘આઈ કેમ્પ’ યોજવાની સૂચના આપવામાં આવી હતી, જેથી ડ્રાઈવરોની દૃષ્ટિ સંબંધિત ખામીઓ સમયસર જાણી શકાય. સાથે સાથે રોડ સાઈડ ડ્રાઈવિંગ અને ઓવર સ્પીડિંગ જેવી ખતરનાક પ્રવૃત્તિઓ પર પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સતત મોનીટરિંગ કરવા કલેક્ટરે ભાર મૂક્યો હતો.
રોડ સલામતી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવાશે
જિલ્લાના તમામ મુખ્ય અને આંતરિક માર્ગો પર રોડ રિપેરિંગ, સાઈનબોર્ડ, ઝીબ્રા ક્રોસિંગ અને સ્પીડ બ્રેકર જેવી સુવિધાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા અત્યાર સુધી કરાયેલી કામગીરીની સમીક્ષા કરી વધુ અસરકારક અમલ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં જાગૃતિની જરૂરીયાત
શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી. યુવા પેઢીમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સંસ્કૃતિ વિકસે તે માટે સતત અભિયાન ચલાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી.