ગુજરાતમાં (Gujarat) 14 જાન્યુઆરીથી પડી રહેલી ભારે ઠંડી (Cold) બાદ બુધવારે ઠંડીમાં થોડીક રાહત અનુભવાઈ હતી. આગામી દિવસોમાં ઠંડી ઘટશે જોકે 25 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી (January) દરમ્યાન ફરી કાતિલ ઠંડી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડા પવનો (Cold Wind) ફૂંકાઈ રહ્યા છે જેના કારણે લોકો ઠૂંઠવાયા હતા. જોકે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કેટલાક દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે. તાપમાનનો (Temprature) પારો થોડોક ઉપર જશે જેથી આકરી ઠંડીનું જોર ઘટશે. આવનારા દિવસોમાં તાપમાનમાં આશરે 3 ડિગ્રી જેટલો વધારો થશે જેના કારણે ઠંડીમાં થોડી રાહત મળશે.
રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પૂર્વ તરફ પહોંચે છે ત્યારે ઉત્તરના પવનથી શીત લહેરો સર્જાય છે. જેના કારણે ગુજરાતમાં શીત લહેર અનુભવાય છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કાતિલ થંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ ઠંડી જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીમાં પણ અનુભવાશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાત ફરી ઠંડીમાં ઠઠરશે
થોડા દિવસ ઠંડીમાં રાહત બાદ આગામી 25થી 27 જાન્યુઆરી દરમ્યાન ફરી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડીગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ વધવાને પગલે ગુજરાતમાં ઠંડી થોડી ઘટશે. દરેક જિલ્લાના તાપમાનમાં આશરે 3થી 4 ડિગ્રીનો વધારો થશે તેમજ ઠંડા પવન ઘટતા ઠંડી ઓછી થશે. બીજી તરફ ઉત્તર ભારતમાં હજી પણ ઠંડીથી રાહત મળશે નહીં. દેશની રાજધાની કોલ્ડ કેપિટલ બની ગઈ છે. દિલ્લીમાં ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે પહાડી વિસ્તાર કરતા પણ દિલ્લીમાં વધુ ઠંડી પડી રહી છે. બીજી તરફ આબુ સહિત રાજસ્થાનના અનેક શહેરોમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 22 જાન્યુઆરીએ દિલ્લી અને ઉત્તરભારતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તરભારતમાં 23 અને 24 જાન્યુઆરીએ ભારે પવન ફુંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.