ગાંધીનગર: ગુજરાતમાં ઉત્તર- પૂર્વીય પવનના કારણે આગામી 72 કલાક દરમ્યાન ઠંડીનો મોજુ ફરી વળશે, જેના પગલે રાજયમાં કાતિલ ઠંડી હજુયે યથાવત રહેશે, તેમ હવામાન વિભાગે ચેતવણી ઈશ્યુ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનું અમરેલી 8 ડિગ્રી ઠંડીમાં થરથરી ઉઠયું હતું. જયારે કચ્છ નલિયામા કોલ્ડ વેવની અસરના પગલે 10 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.અમરેલીમાં ગઈકાલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોચ્યો હતો. જે આજે ઠંડી અચાનક ઘટીને 8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
આજે સવારે શીત લહેરની સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ તથા ગાંધીનગરમાં અને ઉત્તર ગુજરાતમાં પણ શીત લહેરની અસર જોવા મળી હતી. હજુયે આગામી 72 કલાક દરમ્યાન રાજયમાં કોલ્ડ વેવની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. જેમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી નીચે ગગડી જશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ,રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 12 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 10 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિ.સે., અમરેલીમાં 8 ડિ.સે.,ભાવનગરમાં 14 ડિ.સે.,રાજકોટમાં 9 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 12 ડિ.સે., મહુવામાં 14 ડિ.સે., અને કેશોદમાં 10 ડિ.સે., લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યું હતું.