ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારતમાં ફુંકાઈ રહેલા કાતિલ ઠંડા (Cold) પવનોને કારણે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો શરૂ થયો છે. આગામી હજુ ત્રણ-ચાર દિવસ રાજ્યમાં શીત લહેર રહેશે, તેવી હવામાન ખાતાએ પણ આગાહી વ્યક્ત કરી છે. આજે સતત બીજા દિવસે પણ રાજ્યભરમાં ઠંડા પવનો સાથે ઠંડીનો ચમકારો રહ્યો હતો. રાજ્યમાં ગઇકાલના લઘુતમ તાપમાનમાં (Temperature) લગભગ એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 4.01 ડીગ્રી, જ્યારે ગાંધીનગરમાં 8.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું
હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 12.4 ડિગ્રી., ડીસામાં 9.0 ડિગ્રી., ગાંધીનગરમાં 8.0 ડિગ્રી., વડોદરામાં 13.0 ડિગ્રી., સુરતમાં 14.7 ડિગ્રી., વલસાડમાં 10.5 ડિગ્રી., અમરેલીમાં 10.4 ડિગ્રી., ભાવનગરમાં 11.7 ડિગ્રી., રાજકોટમાં 10.6 ડિગ્રી., ભુજમાં 10.6 ડિગ્રી. અને નલિયામાં 4.1 ડિગ્રી. ઠંડી નોંધાવા પામી હતી.
સુરતમાં ફરી શીત લહેર
સુરતઃ શહેરમાં સોમવારે વહેલી સવારથી જ ઠંડા ઉત્તરના પવનો ફુંકાતા શીતલહેર પ્રસરવાની સાથે લોકોએ તીવ્ર ઠંડીની અનુભૂતિ કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત ઉત્તરનો પવન ફુંકાય રહ્યો છે. જમ્મુ કશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ઉત્તરભારત ફરી ઠંડીની ઠુઠવાયું છે. ત્યારે તેની અસર હવે દક્ષિણ ગુજરાત સુધી વર્તાઈ રહી છે. શહેરમાં વહેલી સવારે સતત ઉત્તરનો પવન ફુંકાયો હતો. ઉત્તરના પવનને પગલે શહેરમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. વહેલી સવારે 5 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. સવારમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહેવાની સાથે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 14.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. મહત્તમ તાપમાન વધીને ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું. આજે વહેલી સવારથી લઈને દિવસભર ૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તરનો પવન નોંધાયો હતો. હવામાન વિભાગે પવનોની દિશા ઉત્તરની રહેતા આગામી બે દિવસ સામાન્ય ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે.
(Navsari) નવસારી જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં (Temperature) 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા સિઝનનો સૌથી બીજો ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. આ પહેલાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન તા. 28 ડિસેમ્બરે 8.2 ડિગ્રી નોંઘાયું હતું. સિઝનનો સૌથી નીચા તાપમાનનો બીજો દિવસ લોકોને થથરાવતો રહ્યો હતો. રવિવારે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી હતું, જેમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં સોમવારે લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. સિઝનનો આ સૌથી નીચા તાપમાનવાળો બીજો દિવસ રહ્યો હતો. આ પહેલાં સિઝનનો સૌથી નીચું તાપમાન 28 ડિસેમ્બરે 8.2 ડિગ્રી નોંધાયું હતું. એ ઉપરાંત સિઝનમાં સૌ પહેલાં સૌથી નીચું તાપમાન 30 ડિસેમ્બરે 11. 5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે મહત્તમ તાપમાન 30. 5 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થતાં સોમવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે સવારે ભેજનું પ્રમાણ 88 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 47 ટકા રહ્યું હતું. દિવસ દરમ્યાન ઉત્તર પશ્ચિમ દિશામાંથી કલાકે 4.3 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.
24 જાન્યુઆરી 2006માં નોંધાયેલા નીચા તાપમાનનો વિક્રમ તુટ્યો
આ પહેલાં જિલ્લામાં ત્રણ વખત લઘુત્તમ તાપમાન ત્રણ વખત નોંધાઇ ચૂક્યું છે. પહેલી જાન્યુઆરી 2003, ત્રીજી જાન્યુઆરી 2004 અને 18મી જાન્યુઆરી 2005માં લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે આ તાપમાનની બરોબરી થઇ હતી, જ્યારે 2006માં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંઘાયું હતું. આજે 24 જાન્યુઆરી 2006માં નોંધાયેલા નીચા તાપમાનનો વિક્રમ તુટ્યો હતો.