આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાનમાં નાટ્યાત્મક પલટો આવ્યો છે, વ્હેલી સવારથી જ ઠંડા હિમ પવન ફુંકાતા ઘર બહાર નિકળવા ગરમ કપડાં પહેરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શિયાળાની શરૂઆત થઇ ચુકી છે અને ઉત્તર તરફથી ઠંડા પવન ફુંકાવા લાગ્યાં છે. સોમવારે પણ તેની જ અસર છે. બીજી તરફ આ હિમ પવનના પગલે પારો પણ ગગડીને 18.2 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ચરોતરમાં દિવાળી પહેલા જ ગુલાબી ઠંડીના માહોલ સર્જાયો હતો, તેમાંય બે દિવસથી ઠંડીનું જોર વધ્યું હતું. જોકે, સોમવારના રોજ હવામાનમાં ફેરફાર થયો હતો. ઠંડી સાથે પવનની પણ ઝડપ વધી હતી. જેના કારણે વહેલી સવારથી જ ઘર બહાર નીકળવા લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો.
આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ચરોતર વિસ્તારમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ભેજનું પ્રમાણ 63 ટકા થયું હતું. વાતાવરણમાં થયેલા ફેરફારમાં ઉત્તર – પૂર્વીય પવન ફુંકાવાના શરૂ થઈ ગયાં છે અને સોમવારના રોજ 3.2 કિલોમીટરની ઝડપ નોંધાઇ હતી. આ ઉપરાંત સૂર્યપ્રકાશ પણ 8.7 કલાક થઇ ગયો છે. વધુમાં હવામાન વિભાગે વર્તારો કરતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે, ખાસ કરીને દેવ દિવાળી બાદ પારો વધુ ગગડશે અને કડકડતી ઠંડીનો અનુભવ થશે. આણંદમાં શિયાળાની શરૂઆત થઇ ચુકી છે અને તેની અસર પણ જનજીવન પર જોવા મળી રહી છે. અલબત્ત, ડાંગરની કાપણી બાદ ખેડૂતો હવે રવિ પાકની વાવણી તરફ ધ્યાન આપી રહ્યાં છે. ઠંડીનું જોર વધતાં ખેડૂતો હાલ ખુશ છે અને પાછોતરા વરસાદના કારણે જમીનમાં હજુ ભેજ સચવાયેલો છે, ત્યારે મોટાભાગના ખેડૂતો રવિપાકનું વાવેતર વ્હેલું કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.