Gujarat

ગુજરાતમાં સુસવાટા સાથે ઠંડીનું જોર વધ્યું, હજી 3 દિવસ કાતિલ ઠંડી પડશે

અમદાવાદ: દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં(North India) ઠંડીએ (Cold) માહોલ જમાવ્યો છે. ત્યારે ઉત્તર ભારતની ઠંડીની અસર ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી રહી છે. નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સુરત (Surat) સહિતના શહેરોમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનું જોર રહેવાનું છે. હાલ રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યમાં 8.1 ડીગ્રી સાથે સૌથી વધુ નલિયામાં ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. નવા વર્ષની શરૂઆતથી જ ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતના કેટલાક શહેરોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના તારણ અનુસાર ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધશે, સાથે જ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી શકે છે.

સુસવાટા સાથે ઠંડી વધી રહી છે
રાજ્યમાં દિવસે દિવસે સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ઠંડીનું સૌથી વધુ પ્રમાણ નલિયામાં જોવા મળ્યું છે. અંહી 8.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 10.5 ડીગ્રી, ડીસામાં 10.6 ડીગ્રી, ભુજમાં 11.2 ડીગ્રી, વડોદરામાં 11.6 ડીગ્રી અમદાવાદમાં 12.1 ડીગ્રી, રાજકોટમાં 12.5 ડીગ્રી અને સુરતમાં 14.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં થતી હિમ વર્ષાની કડકડતી ઠંડીનું જોર સુરતમાં યથાવત, તાપમાન 14.4 ડિગ્રી
સુરત : ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા જ શહેરમાં કડકડતી ઠંડીનું જોર યથાવત રહ્યું છે. મંગળવારે પણ શહેરનું લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી રહ્યું હતું. જેને કારણે શહેરીજનોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોની આગાહી કરતા જણાવ્યું હતું કે, પાંચેક દિવસ સુધી શહેરના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે.

સોમવારની મોડી સાંજથી મંગળવારના આખા દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ દિશા તરફથી 4થી 6 કિલોમીટર પ્રતિ કલાકે ઠંડા અને સૂકા પવન ફૂંકાઇ રહ્યા હતા. જેને કારણે મંગળવારે દિવસ દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું હતું. ઉપરાંત બપોરના સમયે શહેરીજનોએ સામાન્ય ગરમી અનુભવી હતી. પરંતુ બાદમાં એટલે કે સાંજ પછી ઉત્તર દિશા તરફથી 10 કિલોમીટર પ્રતિ કલાકે ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થયા હતા. જેને કારણે શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય ઘટાડો થઇને 29.4 ડિગ્રી પર પહોંચ્યું હતું. એવી જ રીતે લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી રહ્યું હતું.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી બે દિવસ શહેરનું લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી આસપાસ રહેશે એટલે કે ઠંડીનું જોર યથાવત રહેશે. જ્યારે પાંચ જાન્યુઆરી બાદ લઘુત્તમ તાપમાન 16થી 17 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આમ, ઠંડીના જોરમાં સામાન્ય જ ઘટાડો જોવા મળશે. પરંતુ ઉત્તર અને પૂર્વ દિશા તરફ સતત ફૂંકાતા ઠંડા પવનો શહેરીજનોને ઠંડીનો અનુભવ કરાવતું રહેશે.

Most Popular

To Top