સુરતઃ શહેરમાં પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ઠંડીનો સ્પેલ લાંબો ચાલ્યો હોવાનું હવામાન વિભાગના જાણકારોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે ત્રણ-ચાર દિવસ આવતી ઠંડીએ આ વખતે અઠવાડિયાથી પણ વધારે સમય સુધી લોકોને થીજવ્યા હતા. સુરતમાં પણ બુધવારની રાત સિઝનની સૌથી ઠંડી રાત રહી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ફરી ઠંડી અનુભવાઈ રહી છે. આગામી બે ત્રણ દિવસ સુધી ઠંડીનો આ દોર યથાવત રહેશે. આ સાથે જ આગામી 2 ફેબ્રુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે. શહેરમાં પાછલા વર્ષોની વાત કરીએ તો ઠંડીનું આગમન થયા બાદ ઠંડીનો સ્પેલ ત્રણ થી ચાર દિવસ સુધી રહે છે. ત્યારબાદ ફરી દસથી પંદર દિવસ સુધી ઠંડી ગાયબ થઈ જાય છે.
આ વખતે સિઝનમાં પહેલી વખત ઠંડીનો સ્પેલ અઠવાડિયાથી દસ દિવસ સુધી રહ્યો હોવાની નોંધ હવામાન શાસ્ત્રીઓએ કરી છે. જેને પગલે શહેરીજનોને ઠંડીનો લાંબો સમય અને વધારે અનુભવ થયો હતો. આગામી દિવસોમાં આ ઠંડીનો રાઉન્ડ હજી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ઉત્તરનો પવન ફુંકાય છે.
જેને કારણે બે દિવસથી લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. દરમિયાન આજે લઘુત્તમ તાપમાન ગગડીને 12.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં આજે વહેલી સવારે 70 ટકા ભેજની સાથે 6 કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વનો પવન ફુંકાયો હતો. બપોરે પવનની ઝડપ ૯ કિલોમીટર પ્રતિકલાક નોંધાઈ હતી.
1 ફેબ્રુઆરી બાદ પવનોની દિશા બદલાશે
હવામાન વિભાગે 2 ફેબ્રુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે. જોકે બીજી બાજું 1 તારીખથી ઉડીશા તરફ એન્ટી સાયક્લોન સર્કયુલેશનને પગલે પવનોની દિશામાં ફેરફારની આગાહી પણ કરવામાં આવી છે. પવનોની દિશા બદલાઈને પૂર્વની થશે એટલે તાપમાનમાં સામાન્ય વધારો થતા ઠંડી ઘટશે. જોકે ઠંડીની વિદાય માટે હજી વાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
15 ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર ઘટશે
શહેરમાં હજી 10 ફેબ્રુઆરી સુધી ઠંડીનો રાઉન્ડ રહેવાની આગાહી કરવામાં આવી છે. 15 ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર ઘટતુ દેખાશે અને ત્યારબાદ ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી ધીમે ધીમે વિદાય લેશે. ત્યારસુધી ઠંડીનો હજી એક થી બે રાઉન્ડ આવે તેવી સંભાવના હાલના તબક્કે નકારી શકાય તેમ નથી.