SURAT

કોકેઈનના સપ્લાયર ઈબ્રાહિમને પકડવા સુરત પોલીસે તાપી નદીમાં હોડી દોડાવી

સુરત : કોકેઈન કેસમાં વોન્ટેડ ઈસ્માઈલ ઉર્ફે ઈબ્રાહિમ ગુર્જરને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તાપી નદીમાં રીતસરની બોટ ચેઝ કરવી પડી હતી. પોલીસથી બચવા હોડીમાં ભાગેલા ઈબ્રાહિમને પકડવા માટે બીજી હોડી લઈ પોલીસે તેનો પીછો કર્યો હતો અને આખરે ફિલ્મી સ્ટાઈલમાં તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે એમડી ડ્રગ્સ (MD Drugs) અને કોકેઇનનો (Cocaine) સ્પ્લાયર ઇસ્માઇલ (ઇબ્રાહિમ) ગુર્જર કોઝવે પાસે બેઠો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા દરોડા (Raid) કરવામાં આવતા તે કોઝવે પાસે આવેલી ઝાડીમાં લપાઇ ગયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે હોડી લઇને તેને શોધવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ આવતાની સાથે જ તેણે ઓળખીતા હોડકાવાળાને જણાવ્યું કે ‘તેને મારવા લોકો આવી રહ્યા છે, તેને બચાવી લે’. તેથી હોડકાવાળાએ નદીમાં બોટ દોડાવી હતી. આ બોટ દોડાવતા પોલીસે બીજી બોટ લેવી પડી હતી. આ બોટ લઇને પોલીસે હોડકાવાળાને કહેવુ પડ્યુ હતુ કે તેઓ પોલીસ છે.

દરમિયાન પોલીસની વાતમાં વિશ્વાસ આવતા હોડકાવાળો કિનારે આવે તે પહેલા ઇબ્રાહિમ નદીમાં કુદી પડ્યો હતો. વીસ મિનિટમાં તેણે નદીમાં આમથી તેમ તરીને હવાતિયા માર્યા હતા. બાદમાં કિનારે આવીને તેણે બેભાન થયો હોવાનો ડોળ કર્યો હતો. અલબત્ત પોલીસે આ માથાભારે આરોપીને દબોચીને તેને પોલીસ લોકઅપમાં ધકેલી દીધો હતો. પોલીસને ફિલ્મી ઢબે હોડીઓ દોડાવવી પડી હતી. તેમાં ઇસ્માઇલ ગુર્જર ઉર્ફે ઇસ્માઇલ પેન્ટર છેલ્લા કેટલાક સમયથી નદી કિનારે આવેલા ઝૂપડાઓમાં સંતાયો હતો. પોલીસને બાતમી મળતા તે પકડાઇ ગયો હતો.

આઠ વર્ષના બાળકોને પેડલર તરીકે રાખતો હતો
દરમિયાન તેણે ઇબ્રાહિમ ઓડિયા પાસેથી એમડી અને કોકેઇન મેળવીને ડીલીવરી કરતો હોવાની કબૂલાત કરી હતી. આ માટે તે પેડલરોની મદદ લેતો હતો. તે સાહિદ સૈયદ અને મિત્ર ફાહીદ શેખની મદદથી ડ્રગ્સની ડીલીવરી કરતો હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. તેના પેડલરમાં નાના બાળકોનો ઉપયોગ કરતો હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે. જેને એમડી જોઇતુ હોય તે માટે આઠથી દસ વર્ષના બાળકોને નોકરીએ રાખતો હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત ઇબ્રાહિમ ગુર્જર સાથે અન્ય દસ જેટલા વ્યક્તિઓ ધંધો કરતા હોવા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કોકેઇન કેસમાં તમામ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી હતી. એક માત્ર ઇબ્રાહિમ પોલીસ ચોપડે વોન્ટેડ બોલાઇ રહ્યો હતો.

Most Popular

To Top