Business

GST ના રેટમાં ફેરફાર બાદ સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના માથે આવી નવી મુસીબત: વેપારીઓ પર પડશે આ અસર

સુરત: સુરતના (Surat) કાપડ ઉદ્યોગમાં (Textile Industry) ફરી એકવાર જોબચાર્જ (Jobcharge) મુદ્દે ખેંચતાણ થાય તેવા સંજોગો ઉભા થયા છે. દિવાળી (Diwali) પહેલાં મોંઘા કોલસાના લીધે મિલવાળાઓએ પ્રોસેસિંગ (Processing) ચાર્જ વધારવાની ફરજ પડી હતી, જેનો કાપડના વેપારીઓ દ્વારા વિરોધ કરાયો હતો. પરિણામે બંને પક્ષ વચ્ચે લાંબી માથાકૂટ ચાલી હતી. હવે દિવાળી બાદ ફરી એકવાર એવી જ સ્થિતિ ઉભી થઈ છે. યુરોપીયન દેશોમાં ઠંડી વધી હોય ત્યાં કોલસાની ડિમાન્ડ વધી છે, જેના લીધે કોલસાની કિંમતમાં 8 ટકાનો વધારો થયો છે, જેની સીધી અસર સુરતની મિલો પર પડી છે.

શિયાળાની (Winter) ઋતુમાં રશિયા (Russia), અમેરિકા (America) સહિતના યુરોપના (Europe) દેશોમાં ઠંડીનો પારો માઇનસ ડીગ્રીમાં પહોંચતા હાઉસ હીટિંગ અને ઓફીસ હીટિંગ માટે કોલસાની ડિમાન્ડ નીકળતા રશિયા, ઓસ્ટ્રેલિયા (Australia), ઇન્ડોનેશિયા (Indonesia), સહિતના દેશોમાંથી એક્ષપોર્ટ (Export) થતો કોલસો (Coal) મોંઘો થયો છે. સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં આવેલી 350 જેટલી કાપડ મિલો (Textile Mills) ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ચીનમાંથી (China) આયાત (Import) થતા ઔદ્યોગિક કોલસાનો ઉપયોગ કરે છે. હવે જયારે યુરોપના દેશોમાં ડિમાન્ડ નીકળતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં (International Market) 3400થી 6500 ગારના કોલસાના ભાવોમાં સીધો 8 ટકાનો વધારો થયો છે. બીજી તરફ કલર (Color), કેમિકલ (Chemical), ડાઇઝ સાથે કોલસાના ભાવો વધતા પ્રોસેસર્સ કાપડના (Cloth) જોબચાર્જમાં ફરી વધારો કરે તેવી શકયતા છે.

ઇન્ડોનેશિયાથી સુરત આવતા કોલસામાં 8 ટકાના વધારા ઉપરાંત લોડિંગ-અનલોડિંગ, શીપિંગ અને કન્ટેનર ચાર્જની સાથે ટ્રાન્સપોર્ટેશન (Transportation) ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાથી આયાત થતા 6500, 5800, 5000, 4200 અને 3400 ગારના જુદી જુદી કવોલીટીના કોલસાના દરમાં નવો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. ચીનમાં પર્યાવરણના (Environment) કારણોસર કોલસાનું ઉત્પાદન ઘટાડીને તેમના દેશ પૂરતુ કરવામાં આવ્યું છે. બીજી તરફ સુરતમાં ઇન્ડોનેશિયાથી આવતા કોલસાના દરો પણ વધી રહ્યા છે. ચોમાસા (Monsoon) પછી ગુજરાતની કોલસાની ખાણો શરૂ થઇ છે. તેમણે પણ આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવો પ્રમાણે કોલસાના દર કવોટા પ્રમાણે વધાર્યા છે. આવી સ્થિતિમાં રો-મટિરિયલ્સના વધતા ભાવો સામે કાપડની મિલો જોબચાર્જના જૂના દરે કામ કરી શકશે નહીં.

આ મામલે કાપડના વર્ષો જુના વેપારીઓને રો-મટીરીયલના ભાવ અંગે જાણ કરવામાં આવી છે. એવી જ રીતે મિલ માલીકોને પણ કોલસાના વધતા ભાવો જોતા ખોટી રીતે જોબચાર્જમાં ઘટાડો નહીં કરવા જણાવ્યું છે. તાજેતરમાં કોલસાના ભાવો 16000 રૂા. મેટ્રિક ટનથી ઘટી 14000 રૂા. થઇ ગયા હતા. આ બોટમ આવ્યા પછી ફરી મેટ્રિક ટન ભાવ પ્રમાણે 700 થી 800નો વધારો નોંધાશે. જેને લીધે એસજીટીપીએ ટુંક સમયમાં જોબચાર્જના દરને લઇ ફરી બેઠક બોલાવશે.

Most Popular

To Top