Sports

સિડની ટેસ્ટ પહેલા ગંભીર અને ખેલાડીઓ વચ્ચે ‘ટેન્શન’, રોહિતના ‘સિલેકશન’ પર હેડ કોચે આપ્યું આ નિવેદન

સિડનીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર 3 જાન્યુઆરી (શુક્રવાર)થી રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે 5 વાગ્યે શરૂ થશે.

ગંભીરે ખેલાડીઓને સલાહ આપી હતી
સિડની ટેસ્ટના એક દિવસ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન ગંભીરે એવી વાતો કરી જેના કારણે એવું લાગી રહ્યું છે કે ટીમની અંદરનું વાતાવરણ બરાબર નથી. ગંભીરે કહ્યું કે ડ્રેસિંગ રૂમની ‘ડિબેટ્સ’ને સાર્વજનિક ન કરવી જોઈએ અને તેણે ખેલાડીઓ સાથે ‘ઈમાનદારીથી’ વાત કરી કારણ કે માત્ર પ્રદર્શન જ તેમને ટીમમાં રાખી શકે છે. ડ્રેસિંગ રૂમમાં તણાવના અહેવાલો વચ્ચે ગંભીરે કહ્યું કે તે માત્ર અહેવાલો છે, સત્ય નથી.

ગૌતમ ગંભીરે કહ્યું, ‘જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. એકમાત્ર વસ્તુ જે તમને ત્યાં રાખે છે તે પ્રદર્શન છે. કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ.

ગૌતમ ગંભીર કહે છે, બધું બરાબર છે, અમે આવતીકાલે વિકેટ જોઈને અંતિમ ઈલેવનની જાહેરાત કરીશું. ડ્રેસિંગ રૂમમાં પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે. આ એક ટીમ ગેમ છે અને તમે બધા તેને સ્વીકારો છો. મારે કોઈ રિપોર્ટ પર ટિપ્પણી કરવાની જરૂર નથી. પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે, અમે આગળ વધવા અને કેટલીક સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ.

ગંભીરે એમ પણ કહ્યું કે તેણે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સાથે ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય કોઈ વાત કરી નથી. તેણે કહ્યું, દરેક ખેલાડી જાણે છે કે તેમણે ક્યાં સુધારો કરવાનો છે. અમે તેમની સાથે માત્ર ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી તે અંગે વાત કરી છે.

રોહિત પ્લેઈંગ-11માંથી બહાર થઈ જશે?
ગૌતમ ગંભીરને પણ પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા કાલે રમશે? આના પર ગંભીરે કહ્યું, કાલે પિચ જોયા બાદ અમે ટોસ સમયે પ્લેઈંગ ઈલેવન નક્કી કરીશું. રોહિતના પ્રેસ કોન્ફરન્સમાં ભાગ ન લેવા પર ગંભીરે કહ્યું, મને નથી લાગતું કે આ કોઈ પરંપરાગત વાત છે. મને લાગે છે કે મુખ્ય કોચનું અહીં હોવું યોગ્ય છે અને તે ખૂબ સારું છે.

આકાશ દીપ ઈન્જર્ડ થતા સિડની ટેસ્ટમાંથી બહાર
સિડની ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર આકાશ દીપ પીઠની સમસ્યાને કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે, ગંભીરે આકાશ દીપનો વિકલ્પ જાહેર કર્યો ન હતો. આકાશ દીપ વિશે ગૌતમ ગંભીરે કહ્યું કે, તે પીઠની સમસ્યાને કારણે બહાર છે.

28 વર્ષીય આકાશ દીપે બે ટેસ્ટ મેચોમાં કુલ 87.5 ઓવર ફેંકી હતી અને તેની સમસ્યા ભારે વર્કલોડના પરિણામે હોઈ શકે છે. આકાશે બ્રિસ્બેન અને મેલબોર્નમાં બે ટેસ્ટ રમીને પાંચ વિકેટ લીધી છે. આકાશની જગ્યાએ હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણમાંથી કોઈ એક પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે.

Most Popular

To Top