Business

કો. ઓપરેટીવ સોસાયટીમાં મિલકત ખરીદતી વખતે શું કાળજી લેવી જોઈએ?

સમાન્યતઃ તો એવું જોવા મળે છે કે પચ્ચીસ રૂપિયાનું શાકભાજી યા પંદરસો-બે હજારનું કાપડ જોઈ તપાસીને ખરીદતાં લોકો પચાસ લાખ રૂપિયાનો ફલેટ યા બંગલો તેના ટાઈટલ કે બીજા જરૂરી પેપર્સ જોયાં કે તપાસ્યાં વિના ખરીદી લેતાં હોય છે. વર્ષોની મહેનત પછીની સંચિત મૂડીનું રોકાણ કરીને જે મિલકત ખરીદીએ તેનાં ટાઈટલ વિશે, કાયદેસરતા વિશે ગાફેલ રહેવાનું પરવડી શકે નહીં. પાછળથી ભરપેટ પસ્તાવાનો વારો પણ આવી શકે.

કો.ઓપરેટીવ સોસાયટીમાં મિલકત ખરીદતી વખતે ખરીદનારે સૌ પ્રથમ તો સોસાયટીએ જમીનના જે એક યા વધુ પ્લોટો ખરીદીને તેના પર એપાર્ટમેન્ટનું (યા રો- હાઉસીસ યા બંગલાઓનું) બાંધકામ કર્યું, કરાવ્યું હોય તે જમીન ખરીદવા અંગે કરાવેલા એક યા વધુ વેચાણ દસ્તાવેજોની ખરી નકલ તેમ જ તે વેચાણ દસ્તાવેજોની સંબંધિત સબ-રજીસ્ટ્રારની કચેરીમાં નોંધણી સંબંધે સબ રજીસ્ટ્રારની કચેરીની ઈન્ડેક્સ નં. ૨ ની નકલ પણ માંગવી જોઈએ. જેથી, જમીન સોસાયટીની માલિકીની હોવા બાબતની તથા તેના ટાઈટલ સંબંધિત ખાતરી થઈ શકે.

વધુમાં સોસાયટીએ ખરીદેલ જમીન અગાઉ ખેતીની જમીન હોય તો તેના બિન ખેતીવિષયક ઉપયોગ માટે સક્ષમ અધિકારી પાસે N.A.પરમિશન મેળવવામાં આવી છે કે કેમ તેની ખાતરી કરવા માટે N.A. પરમિશનની નકલ મેળવવાનો આગ્રહ રાખવો રહયો. એ જ રીતે ખરીદવા ધારેલી મિલકત બાંધકામવાળી મિલકત હોય તો બાંધકામની કાયદેસરતાની ખાતરી મ્યુનિસિપલ કોર્પોરેશને (યા સુડાએ) આપેલી બાંધકામની પરવાનગી (રજાચિઠ્ઠી)ની નકલ અને મંજૂર કરેલા પ્લાનની નકલ મેળવીને કરી શકાય. જો મંજૂર થયેલ પ્લાન વિરૂધ્ધનું યા અન્ય કોઈ રીતે બિન- અધિકૃત બાંધકામ કરાયું હોય તો તેવા બાંધકામ માટે ઈમ્પેકટ-ફી ભરવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ તેમ જ તેવા કિસ્સામાં ઈમ્પેકટ- ફી ભરાઈ ગયા અંગેની રસીદો તેમ જ બાંધકામ નિયમ વિરૂધ્ધ કરાયા અંગેનું સર્ટિફિકેટ ઓફ રેગ્યુલરાઈઝેશન (C.O.R.) મેળવવાનો પણ આગ્રહ રાખવો જોઈએ.

વધુમાં, ગુજરાત કો. ઓ. સોસાયટીઝ એકટ અન્વયે સોસાયટીનું કો. ઓ. સોસાયટી તરીકે રજીસ્ટ્રેશન થવા બાબતના સર્ટિફિકેટની નકલ તથા સોસાયટીના બાય-લોઝની નકલ પણ મેળવવી જોઈએ. જો મિલકત સોસાયટીના પ્રથમ સભાસદ એલોટી તરીકે મેળવી રહ્યા હોય તો સોસાયટીના શેર્સ અંગેનું શેર સર્ટિફિકેટ પણ મેળવી લેવું જોઈએ. અને, જો મિલકત રી-સેલમાં મેળવી રહ્યા હોય તો જેમની પાસેથી મિલકત ખરીદી રહ્યા હોય તે વ્યકિતના નામે સોસાયટીના શેર્સ અને મિલકત ચાલે છે કે કેમ તેની ચકાસણી કરી લેવી જોઈએ. તેમ જ તે વ્યકિતએ સોસાયટીનાં કોઈ લેણાં ચૂકવવાનાં બાકી નથી તેની પણ ખાતરી કરી લેવી જોઈએ. તેમ જ ટ્રાન્સફર અંગેના સોસાયટીના નિયમો તથા ટ્રાન્સફર ફી અંગેની માહિતી પણ મેળવી લેવી જોઈએ.

એ જ રીતે ગુજરાત સરકાર દ્વારા કેટલીક કાનૂની જોગવાઈઓમાં કરેલા સુધારાવધારાના ફળરૂપે કો. ઓ. સોસાયટીમાં પ્રથમ શરૂઆતના સભ્ય તરીકે મિલકત મેળવનારે પણ સ્ટેમ્પ ડયુટી વાપરી વેચાણ દસ્તાવેજ યા ડીડ ઓફ એલોટમેન્ટ કરાવી લઈ તેનું સબ – રજીસ્ટ્રાર સમક્ષ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. માત્ર શેર સર્ટિફિકેટથી ચાલી શકશે નહીં એ યાદ રાખવું રહ્યું. એમ ન કર્યેથી ઘણી વાર ઘણી મુશ્કેલીઓનો સામનો પાછળથી કરવો પડે છે.  વધુમાં, જેતે મિલકત સંબંધે મહાનગરપાલિકાનાં યા સરકારનાં કોઈ વેરા, કર, ઉપકર, બાકી હોય તો તે બાબતે મહાનગરપાલિકા / સરકારનો મિલકત પર બોજો રહે છે અને એવા બાકી વેરા, કર, ઉપકર વગેરેની વસૂલાત માટે મહાનગર પાલિકા/સરકાર મિલકતનું જાહેર હરાજી દ્વારા વેચાણ કરાવી શકે છે. જેથી મિલકત અંગેનાં તમામ મ્યુનિસિપલ–સરકારી વેરા, કર, ઉપકર વગેરે તમામ ચાલુ વર્ષ સુધીનાં ભરપાઈ થઈ ગયાં બાબતની ખાતરી વેરાબિલ અને રસીદ મેળવીને કરી લેવી જોઈએ.

ઉપરોકત બાબતો એવી છે કે આમ આદમી પોતે પણ તે પેપર્સ-માહિતી મેળવીને ચકાસણી કરી શકે છે. વળી એ પણ ન ભૂલવું જોઈએ કે, મિલકત ખરીદનારને મિલકત મેળવવાની જેટલી ઉત્સુકતા યા ગરજ છે એટલી જ ઉત્સુકતા અને ગરજ બિલ્ડર્સ / ઓર્ગેનાઈઝર યા સોસાયટી યા કોઈ પણ મિલકત વેચનારને હોય જ. જેથી તમારે (અને દરેક ખરીદનારે) મિલકતની ઉપરોકત બાબતો અંગે જરૂરી માહિતીઓ અને પેપર્સ મેળવવાનો આગ્રહ રાખવો જ જોઈએ. 

આ ઉપરાંત જો શકય હોય તો ટાઈટલ ક્લિયરન્સ કામના જાણકાર ધારાશાસ્ત્રીઓ પાસે ટાઈટલની ચકાસણી કરાવી ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવી લેવું હિતાવહ અને જરૂરી છે. એમ કરવામાં થોડો ખર્ચ અલબત્ત થશે પણ તેમ કરીને તમે મિલકત પર કોઈ બોજો કે ચાર્જ નથી અને મિલકત નબોજી, નકરજી-નજોખમી તેમ જ ચોખ્ખા અને માર્કેટેબલ ટાઈટલવાળી હોવાની ખાતરી કરીને તમારી મહામૂલી મૂડીનું સમુચિત રોકાણ થઈ રહયું છે એ સુનિશ્ચિત કરી શકો છો.

Most Popular

To Top