Business

RBIના આ એક આદેશના લીધે દ.ગુજરાતની સહકારી મંડળીના લાખો નાના થાપણદારો મુશ્કેલીમાં મુકાયા

સુરત: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank Of India) ગુજરાતના સહકાર કમિશનરને પત્ર લખી ગુજરાતની બેંકો અને અર્બન ક્રેડિટ સોસાયટીઓ સિવાયની સહકારી મંડળીઓ (Co Operative Society) નામના, સહાનુભૂતિના અને બિન સભાસદ સહિતના નોમિનલ સભાસદો પાસેથી થાપણો (FD) સ્વીકારી 5 થી 7 ટકા વ્યાજ ચૂકવે છે. તે બંધ કરાવવા અને થાપણો જમા હોય તો પરત અપાવવા આદેશ આપ્યો છે. આ આદેશને લીધે ગુજરાતની હજારો ગ્રાહક, ગૃહ, મજૂર, જંગલ કામદાર, સિંચાઈ, વાહન વ્યવહાર, વિદ્યુત, કુટિર, સહકારી ખરીદ વેચાણ સંઘો, દૂધ, સુગર, મત્સ્ય, ખેતી, પ્રાથમિક બિન કૃષિ ધિરાણ મંડળીઓ ડિપોઝીટ લઈ શકશે નહીં કે વ્યાજ ચૂકવી શકશે નહીં.

સરકારના આ નિર્ણયથી ઘણી મંડળીઓ સામે લિકવિડીટીનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. એક સાથે નોમિનલ સભાસદોની ડિપોઝીટ પરત કરવામાં આવે તો ઘણી મંડળીઓ કાચી પડી શકે છે. ટૂંકમાં બેન્કિંગ લાયસન્સ ન હોય એવી કોઈપણ મંડળીઓ ડિપોઝીટ લઈ શકશે નહીં, વ્યાજ ચૂકવી શકશે નહીં. ડિપોઝીટ લીધી હોય તો પરત કરવી પડશે. મંડળીઓ દ્વારા બેન્ક, બેન્કિંગ, બેંકર્સ જેવા શબ્દોના પ્રયોગથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત થતાં વીમારક્ષિત છે તેમ સામાન્ય જનતાની ગેરસમજ માન્યતા ધરાવે છે. તેથી સહકાર કમિશનરના નિયંત્રણ હેઠળના તમામ મહેકમ કે જે સહકારી સંસ્થાનું ઓડીટ, ઈન્સ્પેકશન કરતા હોય તેમને પણ આ બાબતે જાણ કરવા તથા તે અંગેની અમલીકરણ સંદર્ભે કરેલઈ કાર્યવાહીનો રિપોર્ટ આપવા આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ 65 હજાર અને દ.ગુ.માં 27 હજાર આવી મંડળીઓ છે, જેને આ કાયદો અસર કરશે.

રિઝર્વ બેંકનો સુધારો આ મંડળીઓને લાગુ પડશે નહીં
(1) પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ ), (2) એવી સહકારી મંડળીઓ કે જેમનો પ્રાથમિક ઉદ્દેશ અને મુખ્ય વ્યવસાય કૃષિ વિકાસ માટે લાંબા ગાળાનું કૃષિ ધિરાણ કરવાનો હોય, આ પ્રકારની સહકારી સંસ્થાઓ કે જે સહકારી જમીન વિકાસ બેંક, સહકારી જમીન તારણ બેંક (સહકારી લેન્ડ મોર્ગેજ બેંક), સહકારી કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક વગેરે નામથી ઓળખવામાં આવે છે. (3) સહકારી લેન્ડ મોર્ગેજ બેંકના આંતરીક સહકારી હિતોના રક્ષણ માટે રચાયેલી મંડળીઓ (4) સહકારી લેન્ડ મોર્ગેજ બેંકના કર્મચારીઓની મંડળીઓ (5) એવી સહકારી મંડળીઓ કે જેઓને, ભારતીય રિઝર્વ બેંક દ્વારા કલમ -૨૨ હેઠળ (બેન્કીંગ) રેગ્યુલેશન એકટ -૧૯૪૯ની કલમ -૫૬ ની સાથે વાંચતા) બેન્કીંગ વ્યવસાય કરવાનું લાયસન્સ આપેલ હોય તેવી ભારતીય સહકારી બેંક ન હોય.

ગુજરાતના સહકારી માળખા ઉપર સીધી તરાપ છે: દર્શન નાયક
જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી મંડળીઓ ગુજરાત સહકારી અધિનિયમ 1976 મુજબ ચાલતી હોય છે. તે મુજબ મંડળીઓનું ઓડિટ થતું હોય છે. મંડળીઓ પાસે ટીડીએસની વસુલાત, ટેક્સ ડિડક્શન થતું હોય છે. વળી નોમિનલ સભાસદોની મૂડી પણ મર્યાદિત હોય છે. સહકારી મંડળીઓ લિકવિડીટી ફંડમાંથી પ્રોજેકટ કરી નફો રળે છે. તેની સામે નોમિનલ સભસદોને ડિપોઝીટ સામે 5 થી 7 ટકા વ્યાજ આપે છે. આ નિર્ણય ગુજરાતના સહકારી માળખા પર આરબીઆઇ અને કેન્દ્રની સીધી તરાપ છે.

જે મંડળીઓ પાસે બેન્કિંગનું લાયસન્સ નથી તેઓ ડિપોઝીટ ન લઈ શકે : સીએ. મિતિશ મોદી
સહકારી કાયદાના નિષ્ણાંત સીએ.મિતિશ મોદીએ કહ્યું હતું કે, જે મંડળીઓ પાસે બેન્કિંગનું લાયસન્સ નથી તેઓ ડિપોઝીટ ન લઈ શકે અને લીધી હોય તો પરત કરવી પડશે. મંડળીઓને બેન્ક, બેન્કિંગ, બેંકર્સ શબ્દ લખવાનો અધિકાર નથી. કારણકે ડિપોઝીટ લેવાથી નોમિનલ સભાસદોની ડિપોઝીટ વીમા રક્ષિત છે એવી ખોટી ગેરસમજ ફેલાય છે. વાસ્તવમાં આ રોકાણ ઇન્સ્યોર્ડ નથી. આરબીઆઈના આ પરિપત્રને સહકાર કમિશનર અને રજીસ્ટ્રારે અમલ કરવો પડશે.

Most Popular

To Top