ભારતની લોકશાહી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે પાયાનો તફાવત છે કે ભારતમાં સરકારની માફકસરની ટીકા કરવાનો દરેક નાગરિકને અધિકાર છે, જ્યારે ચીનમાં સરકારની નાનકડી પણ ટીકાને ગુનાઈત કૃત્ય ગણવામાં આવે છે.
ચીનના સૌથી ધનિક નાગરિક જેક માએ જાણતા કે અજાણતા સરકારની ટીકા કરવાનો ગુનો કર્યો અને તેઓ તેની સજા ભોગવી રહ્યા છે. છેલ્લા લગભગ બે મહિનાથી જેક મા જાહેર જીવનમાંથી અલોપ થઈ ગયા છે. તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અથવા નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે.
જેક મા પોતાના રિયાલિટી શો ના છેલ્લા એપિસોડમાં જજ તરીકે ટી.વી. પર આવવાના હતા; પણ તેઓ આવી શક્યા નહોતા. કહેવાય છે કે જેક મા પર ખફા થયેલા ચીની સામ્યવાદી પક્ષના નેતાઓએ તેમને જાહેરમાં દેખાવાની મનાઈ કરી છે. દરમિયાન જેક માની કંપનીઓના ગળા ફરતેનો ગાળિયો સરકાર ટાઈટ કરી રહી છે.
જેક મા નો ટૂંકો પરિચય આપવો હોય તો કહી શકાય કે ચીનની મોટામાં મોટી ખાનગી કંપની અલીબાબાનું ૬૦૦ અબજ ડોલરનું સામ્રાજ્ય તેઓ સંભાળે છે. ફોર્બ્સની યાદી મુજબ તેઓ દુનિયાના ૧૭ મા નંબરના સૌથી ધનિક છે.
તેમની કુલ મિલકત ૫૮ અબજ ડોલર છે. ૨૦૧૪ માં તેમની અલીબાબા કંપનીનો આઈપીઓ ન્યુ યોર્કના સ્ટોક એક્સચેન્જમાં આવ્યો તેણે રેકોર્ડ બ્રેક ૨૫ અબજ ડોલરની મૂડી એકઠી કરી હતી. જેક માનો ગુનો એટલો હતો કે તેમણે ચીની સરકારની મૂડીરોકાણ બાબતની નીતિની જાહેરમાં ટીકા કરી હતી.
સામ્યવાદી સરકારે તેમને સજા કરતા હોય તેમ તેમની કંપની આન્ટ ફાઇનાન્સિયલનો ૩૭ અબજ ડોલરનો ઈશ્યૂ શાંઘાઈ એન્ડ હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં આવતો રોક્યો હતો. ચીની સરકારે અલીબાબા ગ્રુપની ઇજારાશાહી વર્તણૂક બાબતમાં પણ તપાસનો આદેશ કર્યો છે. જેક માનું સામ્રાજ્ય તેઓ છિન્નભિન પણ કરી શકે છે. જેક માના જે હાલ થયા છે તે જોઈને ભારતના ઉદ્યોગપતિઓ લોકશાહીની દુહાઈ દેતા હશે.
જેક મા અને ચીની સરકાર વચ્ચે ઠંડા વિગ્રહની શરૂઆત ગયા ઓક્ટોબર મહિનામાં થઈ હતી, જ્યારે તેમણે ચીનની બેન્કોની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ ભંગારની દુકાન ચલાવતા હોય તેવી માનસિકતાથી કામ કરે છે. જેક માએ ફરિયાદ કરી હતી કે ચીની સરકાર ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી શોધોનું ગળું ઘોંટી રહી છે.
હકીકતમાં જેક માનું અલીબાબા ગ્રુપ ઓનલાઇન શોપિંગનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. ચીનની બેન્કોને લાગે છે કે અલીબાબા તેમની સાથે હરીફાઈમાં ઊતર્યું છે. ચીનમાં અલીબાબા ઉપરાંત બાઇડુ, ટેન્સેન્ટ અને જેડી ડોટ કોમ જેવી ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ બેન્કોના ધંધામાં ભાગ પડાવી રહી છે.
ચીની સરકાર બેન્કોને સંરક્ષણ આપવા કેટલાક નિયમો ઘડી રહી છે, જેનાથી અલીબાબા જેવી કંપનીઓ મુશ્કેલી અનુભવી રહી છે. ભારતમાં પણ જે રીતે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહી છે તે જોતાં વહેલા કે મોડા બેન્કોને ધક્કો લાગવાનો જ છે, પણ ચીનની વાત અલગ છે. ચીનમાં જે ચાર મુખ્ય બેન્કો છે તે સરકારની માલિકીની છે. ચીની સરકારે તેમને સંરક્ષણ પ્રદાન કરેલું છે.
ભૂતકાળમાં જેક મા ની જેમ અનેક ચીની ઉદ્યોગપતિઓ જાહેર જીવનમાંથી અદૃશ્ય થઈ ગયા હતા. કેટલાક સમય પછી તેઓ શાસકોની માફી માગતા નેશનલ ટી.વી. પર પ્રગટ થયા હતા. કદાચ જેક મા ને પણ ચીની સરકાર દ્વારા નજરકેદમાં રાખવામાં આવ્યા છે; અથવા તેઓ સ્વેચ્છાએ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.
જેક મા ની કદાચ સરકાર સાથે ગુપ્ત વાટાઘાટો ચાલી રહી હશે. જો તેઓ નમતું જોખશે તો જ તેઓ ફરીથી જાહેર જીવનમાં આવી શકશે. જાણકારો કહે છે કે જેક મા જાહેર જીવનમાં પાછા ફરશે તો પણ તેમનું પરિવર્તન થઈ ગયું હશે.
તેમને આર્થિક વિકાસ સાધવા માટે અત્યાર સુધી સરકારનો જે ટેકો મળ્યો તેવો ટેકો ભવિષ્યમાં ક્યારેય મળશે નહીં. ચીની સરકારના પ્રવક્તાએ જાહેરમાં ટિપ્પણ કરી હતી કે જેક મા ના વિકાસમાં સરકારની નીતિનો મોટો ફાળો હતો.
સામ્યવાદી ચીનમાં જેક મા પોતાનું મૂડીવાદી સામ્રાજ્ય ઊભું કરી શક્યા તેની પાછળ સરકારના ટેકા ઉપરાંત તેમની દૂરંદેશી અને સાહસિકતા પણ જવાબદાર હતી. ચીનના ચાંગઝાઉ, નિંગબો અને ડોનગુઆન પ્રાંતોમાં ફેક્ટરીઓ ધરાવતા હજારો ઉદ્યોગપતિઓ અને લાખો વેપારીઓ તેમનો માલ યુરોપ અને અમેરિકાનાં શહેરોમાં વેચી શકે છે, તેની પાછળ જેક મા ની બુદ્ધિ કારણભૂત છે. આ નિકાસના મોજાંને કારણે ચીની ધનકુબેરો પશ્ચિમના દેશોમાં મુસાફરી કરતા થયા છે, જેને કારણે ચીની સરકારને તેના કટ્ટર સામ્યવાદ સાથે સમજૂતી કરવાની ફરજ પણ પડી હતી.
જેક મા એ અલીબાબાની સ્થાપના કરી હતી, પણ આજની તારીખમાં તેઓ તેના સંચાલનમાં સક્રિય નથી. ૨૦૧૯ માં તેમણે અલીબાબાના કાર્યકારી અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું હતું; પણ તેઓ અલીબાબાના સૌથી મોટા ખાનગી શેરધારક છે. તેમની પાસે અલીબાબાના પાંચ ટકા શેરો છે, જેની કિંમત ૨૫ અબજ ડોલર જેટલી છે.
અલીબાબામાંથી નિવૃત્ત થયા પછી જેક મા એ બિલ ગેટ્સની જેમ સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં પોતાની શક્તિ વાળી હતી. તેમણે ચીનમાં શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના તેઓ જાણીતા વક્તા હતા.
ગયા ઓક્ટોબર મહિનામાં તેમણે શાંઘાઈમાં એક બિઝનેસ કોન્ફરન્સમાં ભાષણ આપ્યું હતું, જેમાં ચીનમાં પ્રવર્તમાન વાતાવરણની ટીકા કરવામાં આવી હતી. આ ટીકાને સામ્યવાદી પક્ષે બહુ ગંભીરતાથી લીધી હતી. આ કોન્ફરન્સ પછી તેમણે જાહેરમાં આવવાનું બંધ કર્યું હતું.
અલીબાબા કંપની ચીનમાં પણ ઘણા વિવાદાસ્પદ કાર્યો કરી ચૂકી છે. થોડા સમય પહેલાં તેણે ડિજિટલ પ્લેટફોર્મ પર ખરીદી કરવા ફેસ રેકગનાઈઝેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમાં એવું સોફ્ટવેર વાપરવામાં આવ્યું હતું કે શિનજિયાંગ પ્રાંતના યુઈઘર મુસ્લિમો તેમાંથી બાકાત થઈ જતા હતા.
મુસ્લિમોના વિરોધને પગલે તેણે પીછેહઠ કરવી પડી હતી. ચીની સરકારનો ઠપકો મળ્યા પછી અલીબાબા ગ્રુપને સત્ય સમજાયું છે અને તેણે સરકારની નીતિઓની પ્રશંસા કરવાનું ચાલુ કર્યું છે, પણ તે રાંડ્યા પછીનું ડહાપણ છે. જો ચીનમાં અલીબાબાના ધંધાને નુકસાન થાય તો તેની હરીફ કંપનીઓ તેનો લાભ લેવા તત્પર છે.
તેમને સરકારનું પીઠબળ પણ મળી રહેશે. અમેરિકા દ્વારા ચીન સામે ટ્રેડ વોર છેડવામાં આવી તેને કારણે અલીબાબાને પણ નુકસાન થયું હતું. જો જેક મા હવે સરકારને શરણે નહીં જાય તો તેમનું સામ્રાજ્ય ખતમ પણ થઈ શકે છે.
ચીનમાં માહોલ એવો છે કે સામ્યવાદી સરકાર દ્વારા કોઈનો વિરોધ કરવામાં આવે તે પછી તેનો તેમનું સમર્થન કરવાની હિંમત કોઈ કરતું નથી. જેક મા પર ચીની સરકાર ખફા થઈ તે પછી વેઇબો નામના ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેમની ટીકાઓ શરૂ થઈ ગઈ છે. જેક મા દ્વારા આધુનિક શિક્ષણ બાબતમાં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા તેનો હવે વિરોધ થઈ રહ્યો છે. જેક મા સાથે જે કાંઈ બની રહ્યું છે તે આવનારા દિવસોની આગાહી છે.
ટેકનોલોજીને કારણે દેશોની સરહદો વિલીન થઈ રહી છે, પણ સામ્રાજ્યવાદી સત્તાઓ પોતાનો અંકુશ છોડવા તૈયાર નથી. આવનારા દિવસોમાં ટેકનોલોજી અને રાષ્ટ્રવાદ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બનવાનો છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.