સુરત: વર્ષ 2017થી પેટ્રોલિયમ કંપનીઓ અને ગુજરાત ગેસ કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું સીએનજી ગેસ વેચાણનું કમિશન નહીં ચૂકવતાં અનેક વારની મંત્રણાઓ છતાં કોઈ નિર્ણય નહીં આવતાં પંપ સંચાલકોએ આગામી તા. 3 માર્ચની સવારે 6 વાગ્યાથી અચોક્ક્સ મુદતની હડતાળ જાહેર કરી છે. યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ ઓફ ગુજરાત અને સાઉથ ગુજરાત ફ્રેન્ચાઇઝી એસોસિએશન દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં 240 અને રાજ્યનાં 450 જેટલા CNG પંપ ચાલકો દ્વારા 3જી માર્ચના સવારે 6 વાગ્યાથી ગેસ વિતરણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
- છ વર્ષથી કમિશનમાં વધારો નહીં થતાં 3જી માર્ચથી CNG પંપ સંચાલકો હડતાળ પર
- સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં 240 અને રાજ્યનાં 450 જેટલા CNG પંપ 3જી માર્ચે સવારે 6 વાગ્યાથી ગેસ વિતરણ બંધ કરી દેશે
એસોસિએશનનાં સુરતનાં અગ્રણી સુરેશ (બચુભાઈ) દેસાઈ અને સીએનજી. કો ઓડિનેટર સુરેશભાઈ નાયકે જણાવ્યું હતું કે લાંબા સમયથી સમાધાનનાં ચાલી રહેલા પ્રયાસો છતાં કોઈ નિષ્કર્ષ નહીં નીકળતાં નાછૂટકે સીએનજી પંપ બંધ રાખવાનો રાજ્યવ્યાપી નિર્ણય લેવો પડ્યો છે. વાહન માલિકોને અગવડ ન પડે એ માટે ત્રણ દિવસ અગાઉથી જાણ કરવામાં આવી છે. સીએનજી ગેસ વિતરણનું માર્જીન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે જે દર 2 વર્ષે સીજીડી કંપની અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રિન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં એગ્રિમેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. એ પછી ચાલુ વર્ષ સુધી માર્જીનમાં વધારો કરવામાં આવ્યો નથી.
બીજી બાજુ આ સમયગાળામાં વેપારમાં ખર્ચનું પ્રમાણ ઘણું વધી ગયું હોવાથી તે સ્થિતિ ખૂબ ગંભીર બની છે. પેટ્રોલિયમ મિનિસ્ટર દ્વારા 1/11/2021થી માર્જીન વધારવાના નિર્દેશ છતાં હજી સુધી કંપનીઓને રજૂઆત છતાં કોઈ માર્જીન – કમિશનમાં વધારો કરવામાં આવ્યો નથી. સરકારે સીએનજી રિક્ષા ચાલકોની માગણી પર ધ્યાન આપીને રિક્ષા ભાડાનાં ભાડા દરમાં 13 રૂપિયા થી 20 રૂપિયા જેટલો ધરખમ વધારો કરી આપવામાં આવ્યો છે. જ્યારે સીએનજી વિક્રેતાઓની વ્યાજબી માગણી પ્રત્યે ગેસ કંપનીઓ આંખ આડા કાન કરી રહી છે.
છેલ્લા 5 વર્ષમાં ખર્ચાઓનું પ્રમાણ સતત વધ્યું હોવાથી વેપારમાં નાણાકીય ખેંચ ખૂબ વધી ગઇ છે. આવા સંજોગોમાં કંપની દ્વારા એગ્રિમેન્ટ રિન્યુ ન થાય તો સીએનજી વિક્રેતા આકરા પગલા લેવા પર મજબૂર બન્યાં છે અને આ અન્યાય સામે 3જી માર્ચની સવારથી સીએનજી ગેસ વિતરણ અચોક્ક્સ સમય સુધી બંધ રાખશે. આ વખતે જ્યાં સુધી કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી સીજીડી કંપની અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રિન્યુ ના થાય અને સીએનજી માર્જિંન ન વધારવામાં આવે ત્યાં સુધી વેચાણ બંધ રાખવાનું યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ ઓફ ગુજરાત અને સીએનજી ફ્રેન્ચાઇઝી એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.