સુરત: (Surat) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાંજે રાજ્યની બધી જ ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ઔદ્યોગિક સંગઠનો તેમના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી શકે છે તેવી જાહેરાત કરી હતી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી આ મીટિંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયા, પ્રમુખ ઇલેકટ આશિષ ગુજરાતી, તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, ગાંધીનગર, જૂનાગઢ, વિસનગર અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો અને પ્રતિનિધીઓ જોડાયા હતા. વિવિધ ચેમ્બરો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન વિશે પૂછવામાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક સંગઠનો તેમના શહેરોમાં પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી શકે છે.
- ઔદ્યોગિક સંગઠનો તેમના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી શકે છે: મુખ્યમંત્રી
- મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગુજરાત ચેમ્બર,સુરત,રાજકોટ,વડોદરા,ભાવનગર,જામનગર,ચેમ્બરના આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ
સુરત સહિત રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સ ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરે: વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે રાજ્યમાં હાલત ગંભીર છે. કારણ કે કોરોનાના રોજ કેસ વધી રહયા છે અને દર્દીઓને બચાવવા માટે ઓકસીજનની જરૂરિયાત વધી છે. આથી તેમણે રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સને ઓકિસજનના બાટલાની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહયું હતું કે, ચેમ્બર દ્વારા સ્થાનિક પ્રશાસનનો સંપર્ક સાધીને વોક આરટીપીસીઆર અને રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે તો સરકાર ત્યાં મેડીકલ સ્ટાફની મદદથી લોકોનું ટેસ્ટીંગ વધારી શકશે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની બધી ચેમ્બર ઓફ કોમર્સ ઓકિસજન બેંક બનાવે અને દર્દીઓની જરૂરિયાત મુજબ દરેકના ઘરે ઓકિસજનના નાના અથવા મોટા સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
ઓકિસજન સિલિન્ડર માટે ખાલી બાટલા, એના માટેના સ્પેર પાર્ટ્સ, રિફીલીંગ તથા લોજીસ્ટીક માટે બધી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એકબીજાની સાથે કો-ઓર્ડીનેશન કરવામાં આવે. વયસ્ક તબીબોની મદદથી ટેલી મેડીસિન સર્વિસ ઉભી કરીને મેડીકલ સર્વિસિસ અને કાઉન્સેલીંગની વ્યવસ્થા ઉભી કરી શકાય છે. ચેમ્બરો દ્વારા કોરોનાના દર્દીઓના સગાઓને માહિતી મળી રહે તે માટે હેલ્પ ડેસ્ક બોર્ડ બનાવવા સૂચન કર્યું હતું. સાથે જ દર્દીઓને જમવાની કે તેના માટે નાસ્તાની વ્યવસ્થા ઉભી કરી શકાય છે. તેમણે કહયું હતું કે, સરકાર લોજીસ્ટીક સપોર્ટ કરશે પણ માનવજાતના કલ્યાણ માટે તન, મન અને ધનથી કામ કરવાની અપીલ તેમણે બધી ચેમ્બર ઓફ કોમર્સને કરી હતી.
સુરત ચેમ્બરે 544 બેડનું કોવિડ કેર સેન્ટર અને 400 ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી: દિનેશ નાવડિયા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા સરસાણા ખાતે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં પ૪૪ બેડની કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક એકમોને કરેલી અપીલ બાદ ચેમ્બર દ્વારા ૪૦૦ જેટલા ઓકિસજનના બાટલા કલેકટરને સુપરત કરવામાં આવ્યા છે. સાથે જ છેલ્લાં દસ દિવસથી નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે સવાર – સાંજ નાસ્તા-છાશની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.