ગાંધીનગર : બોટાદના લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત (Death) થયા છે, ત્યારે આજે સાંજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કેમિકલ યુક્ત્ત ઝેરી દારૂ વેચતા તત્વો સામે કડકમાં કડક પગલા લેવા મુખ્યપ્રધાને રાજ્યના પોલીસ (Police) વડાને આદેશ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમિકલ યુક્ત માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી કડક પગલા લેવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. પટેલે વધુમાં બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી.
બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું હતું કે રાજ્યમાં પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામાં આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. બેઠકમાં રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યપ્રધાનના સેક્રેટરી અવંતિકાસિંઘ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા તથા સિનિયર પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.