બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) અકસ્માતમાં જેમ તેમ કરી બચી ગયા હતા. તેઓ ગંગા નદીમાં સ્ટીમર પર છઠ ઘાટનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સ્ટીમર અચાનક એક ઝાટકા સાથે અટકી ગઈ હતી. આ ઝટકો એટલો જોરદાર હતો કે સ્ટીમર (Boat) પર હાજર સીએમ સહિત તમામ લોકો ડઘાઈ ગયા હતા. અકસ્માત સમયે નીતિશ કુમાર સ્ટીમર પર ઉભા હતા. તે પણ ઝટકો લાગતા જ તેમને ઠોકર લાગી હતી. જોકે તેઓને કોઈ પ્રકારની ઈજા થઈ ન હતી. આ અકસ્માતમાં નીતીશ કુમારનો આબાદ બચાવ થયો હતો. બીજી બોટ દ્વારા તેમણે વધુ તપાસ પૂર્ણ કરી હતી અને તેઓ સીએમ (CM) આવાસ પરત ફર્યા હતા.
- મુખ્યમંત્રી નીતીશ કુમાર અકસ્માતમાં જેમ તેમ કરી બચ્યા, તેમની સ્ટીમર અચાનક એક ઝાટકા સાથે અટકી ગઈ
- ગંગા નદીમાં સ્ટીમર પર છઠ ઘાટનું નિરીક્ષણ કરી રહ્યા હતા
- અધિકારીએ કહ્યું- ઘટના બ્રિજના પિલર સાથે સ્ટીમર અથડાવાને કારણે થઈ નથી
દર વર્ષે મુખ્યમંત્રી નીતિશ કુમાર છઠ પૂજાની તૈયારીઓનું નિરીક્ષણ કરે છે. તેઓ છઠ પૂજા માટે ગંગાના કિનારે આવેલા ઘાટોનું પણ નિરીક્ષણ કરે છે. આ સંબંધમાં તેઓ પટનામાં ગંગાના કિનારે છઠ પૂજા માટેનાં ઘાટોનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન તે જે સ્ટીમર પર નિરીક્ષણ અને તપાસ કરી રહ્યા હતા તે જોરદાર ધક્કા સાથે થંભી ગઈ હતી.
નીતીશ નાસરીગંજ ઘાટથી નિરીક્ષણ માટે રવાના થયા હતા
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાના નાસરીગંજ ઘાટથી છઠ ઘાટના નિરીક્ષણ માટે રવાના થયા હતા. નાસરીગંજથી થોડે આગળ જતાં તેમની સ્ટીમને અકસ્માત નડ્યો હતો અને સ્ટીમર જોરદાર ઝટકા સાથે અટકી ગઈ હતી. આ દરમિયાન મુખ્યમંત્રીની સાથે જળ સંસાધન વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સહિત અનેક વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્ટીમરનું સંતુલન બગડતાની સાથે જ મોટર બોટમાં જઈ રહેલા સુરક્ષાકર્મીઓ તુરંત સ્ટીમર પાસે પહોંચી ગયા હતા. તરત જ બીજી સ્ટીમરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નીતિશ કુમાર ઘાટનું નિરીક્ષણ કરવા પટના શહેર તરફ આગળ વધ્યા હતાં. આ સમયે ગંગામાં પાણીનું સ્તર ખૂબ ઊંચું હતું અને આવી સ્થિતિમાં નીતિશ કુમાર અધિકારીઓ સાથે કયા ઘાટો પર કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ તે અંગેની સમીક્ષા કરવા નીકળ્યા હતા.
ટેકનિકલ ખામીના કારણે આંચકો – ડીએમ
પટના ડીએમનું કહેવું છે કે સ્ટીમરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આંચકો લાગ્યો હતો. આ ઘટના બ્રિજના પિલર સાથે સ્ટીમર અથડાવાને કારણે થઈ નથી. અગાઉ એવી માહિતી મળી હતી કે સ્ટીમર પુલ સાથે અથડાઈ હતી. પરંતુ પટનાના ડીએમએ કહ્યું કે સ્ટીમર પુલ સાથે અથડાઈ નથી. તેમણે કહ્યું કે મોટરમાં કંઈક ફસાઈ જવાને કારણે આવું બન્યું હશે. તેમણે જણાવ્યું કે સીએમની સ્ટીમર સાથે બીજી સ્ટીમર પણ દોડી રહી હતી. સ્ટીમર બંધ થયા બાદ તમામ લોકોને બીજી સ્ટીમરમાં ખસેડવામાં આવ્યા હતા. આ પછી સીએમ નીતિશ કુમાર નિરીક્ષણ માટે આગળ ગયા હતા. ડીએમએ કહ્યું કે આ ઘટના પટનાના ગાંધી ઘાટ પાસે બની હતી. આ ઘટના બની ત્યારે નીતિશ કુમાર સ્ટીમર પર ઉભા હતા. ઝટકાને કારણે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું પરંતુ કોઈ ઈજા થઈ ન હતી.