નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટી સુંદરકાંડનું (Sunderkand) આયોજન કરી રહી છે. દરમીયાન રોહિણી ખાતે આવા જ એક કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Kejriwal) પણ સુંદરકાંડ પાઠમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સાથે રોહિણીના સેક્ટર 11માં આવેલા પ્રાચીન શ્રી બાલાજી મંદિરમાં (Balaji Temple) સુંદરકાંડ પાઠમાં હાજરી આપી હતી.
આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે દર મહિનાના પહેલા મંગળવારે સમગ્ર દિલ્હીમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. જેનો આજે 16મી જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. AAPએ ગઈ કાલે એટલે કે 15 જાન્યુઆરીએ એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી કે તે દિલ્હીની તમામ વિધાનસભાઓમાં સુંદરકાંડનું આયોજન કરશે. પાર્ટીના નિવેદન અનુસાર, ધારાસભ્યો અને કાઉન્સિલરો દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડનું આયોજન કરશે. પાર્ટી અનુસાર સુંદરકાંડની સાથે હનુમાન ચાલીસાનું પણ આયોજન કરવામાં આવશે.
સૌરભ ભારદ્વાજ પણ જોડાયા હતા
અગાઉ દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીમાં આયોજિત સુંદરકાંડ પાઠમાં ભાગ લીધો હતો. દરમિયાન તેમને પાઠ કરતા પણ સાંભળી શકાય છે. તેમના સિવાય દિલ્હીના મુખ્યમંત્રી પણ તેમની પત્ની સાથે રોહિણીમાં આયોજિત સુંદરકાંડ પાઠમાં હાજરી આપી હતી.
દેશમાં રાજકારણ શરૂ
22 જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિરના અભિષેકને લઈને દેશમાં રાજનીતિ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસ અને AAP સહિત વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપે AAPના સુંદરકાંડ પર સવાલ ઉઠાવ્યા
બીજેપી પ્રવક્તા બંસુરી સ્વરાજે દિલ્હીમાં સુંદરકાંડના પાઠ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા જ અરવિંદ કેજરીવાલ ભગવાન રામ અને સુંદરકાંડના પાઠને યાદ કરે છે. અગાઉ પણ તેમણે MCD ચૂંટણી પહેલા સુંદરકાંડના પાઠની જાહેરાત કરી હતી અને હવે તેઓ સામાન્ય ચૂંટણીઓ પહેલા સુંદરકાંડનું પાઠ કરી રહ્યા છે.
22મી જાન્યુઆરીના રોજ રામ લલાની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે
ઉલ્લેખનીય છે કે શ્રી રામની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. આ પહેલા 16 જાન્યુઆરીના રામલલાની જૂની અને નવી બંને મૂર્તિઓ નવા રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત 22 જાન્યુઆરીએ પીએમ મોદી દ્વારા ભગવાન રામની મૂર્તિના આંખના આવરણને ખોલવામાં આવશે.