ગાંધીનગર: આ વર્ષે યોજાનારા ર૦માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યકત કરતા કહ્યું હતું કે, બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના અભિનવ વિચારને સુસંગત આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભુલકાંઓનો પ્રવેશ કરાવશે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવનો ર૦મો તબક્કો આગામી ૧રથી ૧૪ જૂન ર૦ર૩ દરમ્યાન યોજાવાનો છે. ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓ તથા સમગ્ર આયોજન અંગેની માર્ગદર્શન બેઠક ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ ૩૭ ટકાથી ઘટીને ર ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, શાળામાં બાળકોના નામાંકનનો દર પણ ૭પ ટકાથી વધીને ૯૯ ટકાએ પહોંચ્યો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી ર૦ર૦ની ભલામણો અનુસાર પ્રથમવાર આ વર્ષના શાળા પ્રવેશોત્સવ દરમ્યાન રાજ્યના પથી ૬ વર્ષ સુધીની વયના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ કરાવાશે તથા ૬ વર્ષ પૂર્ણ થયેલા ભુલકાંઓને ધોરણ-૧ માં પ્રવેશ અપાશે. આવા પ્રવેશ અપાયેલા બાળકોની જન્મ પ્રમાણપત્રના આધારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ડેટાબેઝમાં એન્ટ્રી કરવામાં આવશે.
આ ઉપરાંત પ્રવેશ ન મેળવેલા બાળકોનું CRS (સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ)ના જન્મ રજીસ્ટર ડેટાબેઝમાંથી ટ્રેકીંગ કરી તેમની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.