ભરૂચ: (Bharuch) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) ગુજરાત પર ચાર હાથ, સમગ્ર દેશ નરેન્દ્ર મોદીનો પરિવાર તેમ ગુરુવારે ભરૂચ જિલ્લાને રૂ.૨૨૭ કરોડના ૩૩ પ્રકલ્પોની ભેટ ધરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. લોકસભાની ચૂંટણીનાં પડઘમ વચ્ચે મુખ્યમંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર યોજાયો હતો.
- વડાપ્રધાનના આપણા ઉપર ચાર હાથ, સમગ્ર દેશ મોદીનો પરિવાર: ભૂપેન્દ્ર પટેલ
- ભરૂચમાં વિકાસના રૂ.૨૨૭ કરોડના ૩૩ પ્રકલ્પની મુખ્યમંત્રીએ ભેટ આપી
- આઠ મહિનામાં ભરૂચને એરપોર્ટ જેવી સુવિધાના બે બસપોર્ટ મળ્યા
મુખ્યમંત્રીએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રૂ.૧૨૯.૮૬ કરોડના ૮ જેટલા પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યાં હતાં. જ્યારે માર્ગ અને મકાન વિભાગનાં રૂ.૭૧.૯૨ કરોડના ૯ પ્રકલ્પ પૈકી કુલ રૂા.૩૮.૫૯ કરોડના ૪ પ્રકલ્પોનું ભૂમિપૂજન તથા રૂ.૧૪.૬૩ કરોડના ૨ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧૮.૭ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ રૂ.૭.૬૯ કરોડના ૨ પ્રકલ્પ પૈકી રૂ. ૩.૧૯ કરોડના આમોદ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત તથા રૂ.૪.૫૦ કરોડના ભોલાવ સેટેલાઇટ બસ સ્ટોપ-૧નું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ વિભાગના રૂ.૬.૮૯ કરોડના ૧ પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ રૂ.૬.૯૬ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગના કુલ રૂ.૬૨ લાખના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસીનાં કુલ રૂ. ૨.૯૦ કરોડના ૨ પ્રકલ્પોનું લોકાર્પણ પણ તેઓના હસ્તે કરાયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, લોકો વિકાસના સંકલ્પો કરે, જનપ્રતિનિધિઓ સુધી તેમની લાગણીઓ અને માંગણીઓ પહોંચાડે. અમે તમારી માંગણીઓ પૂર્ણ કરવા હરહંમેશ પ્રતિબદ્ધ છીએ. રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાને છેલ્લાં આઠ મહિનામાં જ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ મળ્યા છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા માહિતી વિભાગના ભરૂચ જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન કરાયું હતું. તો ભરૂચની જગપ્રસિદ્ધ સુજનીથી પ્રારંભે મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું. તેઓએ 8 મહિનામાં એરપોર્ટ જેવા ભરૂચને બે બસ સ્ટોપ મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્યો પૈકી ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રીઓ નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, ભરતસિંહ પરમાર, કલેક્ટર તુષાર સુમેરા, ડીડીઓ પ્રશાંત જોશી સહિત પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
રૂ.૪.૫૦ કરોડના ખર્ચે ભોલાવ ડેપો પર દૈનિક ૯૦૦ જેટલી એસ.ટી. બસોની અવરજવર થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂ.૭.૬૯ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં રૂ.૪.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભોલાવ ડેપોનું લોકાર્પણ કરી એસ.ટી. બસ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ડેપો કાર્યરત થવાથી સ્થાનિક લોકોની મુસાફરી વધુ સરળ અને સુગમ બનશે. મુસાફરોને નર્મદા ચોકડી કે ઝાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ખાવો નહીં પડે. ભોલાવ ડેપોનું લોકાર્પણ થયા બાદ હવે શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થયા છે. આ ભોલાવ ડેપો પરથી દૈનિક ૯૦૦ જેટલી બસની અવરજવર થશે.