Gujarat

સીએમ ભૂપેન્દ્ર પટેલના સાસુનું નિધન, ગાંધીનગર ખાતે કર્યા અંતિમ સંસ્કાર

ગાંધીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) પત્ની હેતલબેન પટેલના (Hetal Patel) માતાનું નિધન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ માતાનું નિધન થતા તેઓ આજના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર (Gandhinagr) ખાતે અંતિમ સંસ્કાકર કરવામાં આવ્યા હતા.

સીએમ ભૂપેન્દ્રના પત્ની હેતલબેન પટેલના માતા શાંતાબેન નારણભાઈ પટેલનું નિધન 22 જાન્યૂઆરીએ થયું હતું. 93 વર્ષીય શાંતાબેન પટેલના અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રવિવારે મોડીરાત્રે તેમનું અવસાન થયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શાંતાબેનને માત્ર એક સંતાન હેતલબેન હોવાથી તેઓ હેતલબેન અને ભૂપેન્દ્ર પટેલના ઘરે ગાંધીનગર ખાતે રહેતા હતા. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પુત્ર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રનું નામ અર્જુન પટેલ છે, તેમજ તેમની પુત્રવધુનું નામ દેવાંશી પટેલ છે.

ગાંધીનગર ખાતે આજે સવારે માત્ર 30 જેટલા માણસોને લઈને તેમની અંતિમયાત્રા નીકળી હતી. તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. તેમજ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી તેમના પરિવાર સાથે રહી પરિવારને સાંત્વના આપશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિકટના પારિવારિક સ્વજન વડીલના અવસાનના કારણે સોમવાર તારીખ 23 જાન્યુઆરી અને મંગળવાર તારીખ 24 જાન્યુઆરીએ ગાંધીનગરમાં જાહેર જનતા, ધારાસભ્યો, સાંસદો કે પદાધિકારીઓને મળી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જી-20નું યજમાન ભારત દેશ બન્યું છે. જેના અંતર્ગત કેટલાક રાજ્યોમાં તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ જી20ની તૈયારી માટે 15 જેટલી બેઠકોનું આયોજન થયું છે. જે અંતર્ગત પ્રથમ બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઈ છે. 22થી 24 જાન્યૂઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય જી20 ઈન્સેપ્શન બેઠકનું આયોજન થયું છે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે જી-20 ઈન્સેપ્શન મિટિંગનું ઓપનિંગ થવાનું હતું, પરંતુ દુ:ખ સમાચારના કારણે છેલ્લી ઘડીએ આ બેઠકનું ઓપનિંગ રદ્દ કરવામાં આવ્યું છે. તેમજ આજના દિવસ દરમિયાન તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top