Surat Main

રાજ્યના નવા મુખ્યમંત્રી કરશે સુરત મનપા, સુડાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત

સુરત: (Surat) ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અને નેતાઓની નવી ટીમ બન્યા બાદ પ્રથમવાર રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરત આવશે. જેમાં સુરત મનપાના (Corporation) વિવિધ પ્રોજેક્ટોનાં ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે. તા.15મી ઓક્ટોબરે મુખ્યમંત્રીના હસ્તે મનપાના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાશે. જેમાં મુખ્યત્વે રૂ. 42.45 કરોડના ખર્ચે કચ્છ જીલ્લાના સુખસાણ ગામ ખાતે રોહા-નખત્રાણા સાઈટ ખાતે 6.3 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ, તેમજ તમામ ઝોન વિસ્તારમાં અંદાજીત રૂા. 32.50 કરોડના ખર્ચે સાકાર થયેલા શાળા, ફાયર સ્ટેશન. આંગણવાડી, વોર્ડ ઓફિસ, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, અન્ય પ્રકલ્પો તેમજ રૂા. 62.09 કરોડના ખર્ચે તૈયાર થનાર ફાયર સ્ટેશન તથા ફાયર ક્વાર્ટસ, વાહન ડેપો, તે ઉપરાંત 35 કરોડના ખર્ચે તૈયાર થનાર સુડાના આવાસોની ઓનલાઈન ખુલ્લા મુકાશે. તે ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક મુખ્યમંત્રીના બેક-ટુ-બેક કાર્યક્રમો દિવસભર રહેશે. રાજ્યના નવા મુખ્યમંત્રી શહેરના ધારાસભ્યો, સાસંદો તેમજ પદાધિકારીઓ સાથે પણ સંકલન મીટીંગ કરશે તેમ જાણવામાં આવ્યું છે.

100 એસઆરપીની ટુકડીની મનપાને ફાળવણી થશે

સુરત: સુરત મનપાને એસઆરપી ટુકડીની ફાળવણી કરી દેવાયા બાદ હવે વધુ 100 એસઆરપીની ટુકડીની મનપાને ફાળવણી થશે. સુરત શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા તેમજ રખડતાં ઢોરને પકડવા જેવી વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી માટે સિક્યિરિટી ગાર્ડને સાથે રાખવામાં આવે છે. આવી કામગીરી વખતે છાશવારે લોકો સાથે સ્ટાફને ઘર્ષણમાં ઉતરવું પડે છે. અનેક વખત તો મનપાના કર્મચારીઓ પર ગંભીર હુમલાઓ પણ થયા છે. મનપા દ્વારા આવી કામગીરીઓ માટે પોલીસતંત્ર દ્વારા મળતા બંદોબસ્ત પર નિર્ભર રહેવુ પડતું હતુ તેથી છેલ્લા પાંચ વર્ષથી સુરત મનપાને એસઆરપી ટુકડી ફાળવવા માંગણી કરવામાં આવી રહી હતી પરંતુ એક યા બીજા કારણોસર આ માંગણી પુરી થતી ન હતી.

પરંતુ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી તરીકે પદભાર સંભાળતાના 10 જ દિવસમાં સુરત મનપાને એસઆરપી ટુકડીની ફાળવણી કરી દેવામાં આવી હતી. અને હવે વધુ 100 એસઆરપીની ટુકડીની મનપાને ફાળવણી થશે તેમ સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાને એસઆરપી ટુકડી ફાળવવાથી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે ભિક્ષુકમુકત, રખડતાં ઢોર મુકત, દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબ્જા દુર કરવા જેવી વિવિધ કામગીરી આસાનીથી પાર પડશે.

Most Popular

To Top