દાહોદ: દાહોદ શહેરમાં નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે ઠેર-ઠેર ખાડાઓ, પાણીના ભરાવાના લીધે પાણીજન્ય રોગો તેમજ દાહોદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને લઇ શહેરીજનોને પડતી હાલાકીને લઇને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. દાહોદમાં સ્માર્ટસીટી અંતર્ગત ચાલતા વિવિધ એજેન્સીઓ દ્વારા ચાલતા કામોમાં સંકલનનો અભાવ તેમજ પાલિકાના અણધણ વહીવટના કારણે દાહોદ શહેરના તમામ વિસ્તારોમાં ખાડાઓનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. જેના પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.
વધુ દાહોદમાં પાલિકાના નિષ્ફળ ગયેલા તંત્રને કારણે ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગોએ માઝા મૂકી છે.જેમાં ડેન્ગ્યુ ચીકનગુનિયા, વાયરલ જન્ય રોગોનો રાફડો ફાટ્યો છે. વધુમાં દાહોદ શહેરમાં રખડતા ઢોરોના વધી ગયેલા ત્રાસના કારણે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે. તમામ મુદ્દાઓને લઇ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, ગરબાડા ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, ધારાસભ્ય વજુભાઇ પણદા સહીત અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિતિમાં કલેકટરને આવેદન પાઠવી નગરપાલિકાના અણધણ વહીવટના કારણે દાહોદના શહેરીજનોને પડતી હાલાકીને દૂર કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.