Gujarat Main

જૂનાગઢમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: માંગરોળમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, ગીર સોમનાથમાં પૂર

ગાંધીનગર: પહેલા અને બીજા રાઉન્ડની જેમ આ વર્ષે ચોમાસાનો ત્રીજા રાઉન્ડની પણ ધમાકેદાર શરૂઆત થઈ છે. મંગળવારથી રાજ્યના 125થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે બુધવારે દક્ષિણ ગુજરાતના માંગરોળ, સંઘપ્રદેશ, દમણ, વાપી સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 6થી 12 વાગ્યા સુધીમાં 107 મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. 

જૂનાગઢના માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોણા બાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને અમરેલીથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો રવાના કરાઇ છે.

સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લામાં પડી રહ્યો છે. અહીંના માંગરોળ અને માળિયા હાટીનામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં સવારે 6થી 10 વાગ્યાના ચાર કલાકના ટૂંકા ગાળામાં અહીં 9 ઈંચ જેટલો વરસાદ વરસતા વાદળો ફાટ્યા જેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી બરાયા છે. નદી-નાળા છલકાયા છે. અહીંના રેવદ્રા ગામમાં મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોનો રેસ્ક્યુ કરવું પડ્યું છે. ભારે વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાતા માંગરોળ કેશોદ રોડ બંધ કરાયો છે. માંગરોળથી કેશોદ અને માંગરોળથી સોમનાથ જવાનો રસ્તો પણ બંધ થયો છે. રોડ ઉપર પાણી ફરી વળ્યાં છે. 

સૌરાષ્ટ્રના કુલ 21 ડેમમાં અડધાથી 9 ફૂટ પાણીની આવક થઇ છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે. જેના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હીરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલલામાં આલતા ચારેકોર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને ગાડીઓ છાતી સમાણા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ રહી છે. સુત્રાપાડામાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ 22 ઈંચ વરસાદ ખાબક્યો છે. વેરાવળમાં 20 ઈંચ અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સાંબેલાધાર 12 ઈંચ વરસાદ પડ્યો છે.  

દમણમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો
વલસાડ જિલ્લામાં પણ સતત મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. અહીં સંઘપ્રદેશ દમણમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેથી વાપી શહેરના અંડર પાસ બંધ કરવા પડ્યા છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થતા ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ચલા વિસ્તારની સોસાયટીઓમાં તેમજ રસ્તા પર પાણી ભરાયા છે. દમણ શહેરના કોલેજ રોડ, એરપોર્ટ રોડ તથા ખારીવાડ સાગર સમ્રાટ રોડ જેવા વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. વાપીમાં રેલવેના અંડર પાસમાં કાર ફસાઇ હતી. જેથી તેમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. 

અતિભારે વરસાદને પગલે રાજ્યમાં NDRFની ટીમો તૈનાત કરાઈ
ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદીની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ રાજ્યમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. આગાહી અનુસાર હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તંત્ર દ્વારા વડોદરા NDRF બટાલિયન 06ની 6 ટીમને સમગ્ર રાજ્યમાં તૈનાત કરી દેવામાં આવી છે.

રાજ્યના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરાઈ છે. બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તા.19 જુલાઈ થી 21 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે.

Most Popular

To Top