હિમાચલપ્રદેશમાં કુદરતી કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. વાદળ ફાટવા, ભૂસ્ખલન થવા એ જાણે રોજની ઘટના બની ગઈ છે. આજે તા. 16 સપ્ટેમ્બરે ફરી કુદરતનો પ્રકોપ હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યો છે.
આજે તા. 16 સપ્ટેમ્બર 2025ના રોજ ભારે વરસાદે ફરી એકવાર ઉત્તર ભારતમાં તબાહી મચાવી. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, જેના કારણે દુકાનો ધોવાઈ ગઈ અને ઘણા લોકો ગુમ થઈ ગયા.
તે જ સમયે, હિમાચલ પ્રદેશના ધરમપુર, મંડી અને શિમલા જેવા વિસ્તારોમાં ભારે વરસાદથી બસ સ્ટેન્ડ ડૂબી ગયા, વાહનો ધોવાઈ ગયા. રસ્તાઓ બંધ થઈ ગયા. ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે, પરંતુ આ ઘટનાઓ દર્શાવે છે કે હવામાન હજુ પણ ખતરનાક છે.
દહેરાદૂનનું સહસ્ત્રધાર એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જ્યાં લોકો ગરમ પાણીના ઝરણા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે. પરંતુ 16 સપ્ટેમ્બર 2025 ની રાત્રે વાદળ ફાટવાથી અહીં ભયંકર પૂર આવ્યું. રાતભર ભારે વરસાદને કારણે તમસા નદી છલકાઈ ગઈ. કાર્લીગડ નાળાનું પાણી ઝડપથી વહેવા લાગ્યું. પરિણામ- ઘણી દુકાનો અને ઘરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા.
નદી કિનારને દુકાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે, જેના લીધે લાખો રૂપિયાનું નુકસાન દુકાનદારોને થયું છે. ફન વૈલી પાસે અને ઉત્તરાખંડ ડેન્ટલ કોલેજ નજીક દેહરાદૂન-હરિદ્વાર નેશનલ હાઈવે પર એક પુલ તુટ્યો છે. તપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં બે ફૂટ કાદવ જેટલો કાદવ જમા થઈ ગયો છે. મંદિરને ખૂબ નુકસાન થયું છે. દહેરાદૂનના આઈટી પાર્ક પાસેના રસ્તા પર વાહનો રમકડાંની જેમ તણાતા નજરે પડી રહ્યાં છે. બે લોકો ગૂમ છે.

જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને જાહેર બાંધકામ વિભાગે JCB અને અન્ય ભારે મશીનરી તૈનાત કરી. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.
જિલ્લા મેજિસ્ટ્રેટ સવિન બંસલે પોતે ચાર્જ સંભાળ્યો અને વિવિધ વિભાગો સાથે સંકલન કર્યું. એસડીએમ કુમકુમ જોશી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા. ભારે વરસાદને કારણે, જિલ્લા મેજિસ્ટ્રેટે દહેરાદૂનમાં તમામ શાળાઓ (ધોરણ 1 થી 12) માટે રજા જાહેર કરી. વહીવટીતંત્ર હાઇ એલર્ટ મોડ પર છે. ગુમ થયેલા લોકોની શોધ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.
ધરમપુર-મંડીમાં બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું, રસ્તાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ભારે વિનાશ વેર્યો હતો. 15-16 સપ્ટેમ્બર 2025ની રાત્રે ધરમપુર ( મંડી જિલ્લો) માં વાદળ ફાટવાથી સોન ખાડ નદી ઓવરફ્લો થઈ ગઈ. બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. બસો સહિત ઘણા વાહનો તણાઈ ગયા. ભૂસ્ખલન અને પૂરના કારણે મંડી અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ.
ધરમપુરમાં રાત્રિના વરસાદે એવી રીતે તબાહી મચાવી હતી કે આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું હતું. ઘણા વાહનો, ઘરો અને દુકાનોને નુકસાન થયું હતું. હિમાચલમાં 493 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો – NH-3 (અટારી-લેહ વિભાગ), NH-305 (ઓટ-સૈંજ વિભાગ) અને NH-503A (અમૃતસર-ભોટા વિભાગ)નો સમાવેશ થાય છે. 352 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું. 163 પાણી પુરવઠા યોજનાઓને અસર થઈ હતી.