આપ અમેરિકા શા માટે જવા ઈચ્છો છો?’ ભગવા કપડાં પહેરેલ વ્યક્તિને મુંબઈ કૉન્સ્યુલેટના ઑફિસરે સવાલ કર્યો. ‘હું કથાકાર છું. કથા કરું છું અને ધાર્મિક પ્રવચનો આપું છું. ન્યુ જર્સીમાં આવેલ મંદિરે મને એમને ત્યાં વ્યાખ્યાનો આપવા અને કથા કરવા માટે આમંત્ર્યો છે.’ ‘તો તો આપે ‘આર-૧’ વિઝા મેળવવા જોઈએ. સાધુ-સંતો અને ધાર્મિક વ્યક્તિઓ માટે અમારી સરકારે ખાસ ‘આર-૧’ વિઝા ઘડ્યા છે. ‘બી-૧/બી-૨’ વિઝા ઉપર તમે અમેરિકામાં આ પ્રકારનાં ધાર્મિક કાર્યો કરી ન શકો.’
આ સંત-મહાત્માની જેમ જ અનેકોને જાણ નથી હોતી કે અમેરિકાના નૉન-ઈમિગ્રન્ટ વિઝાના જુદા જુદા પ્રકારો છે. જે કારણસર તમે અમેરિકા થોડા સમય માટે, કાયમ રહેવા માટે નહીં, જવા ઈચ્છતા હો, એ કાર્ય માટે ખાસ ઘડવામાં આવેલ નૉન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે. અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ’ની કલમ ૧૦૧માં આ બધા જ નૉન-ઈમિગ્રન્ટ વિઝાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે પેટા-કલમ હેઠળ, જે પ્રકારના નૉન-ઈમિગ્રન્ટ વિઝાની વ્યાખ્યા અને લાયકાતો આપવામાં આવી હોય, એ પેટા-કલમને એ પ્રકારના નૉન-ઈમિગ્રન્ટ વિઝાની સંજ્ઞા આપવામાં આવે છે.
એલચીઓ, સરકારી પ્રધાનો અને રાજદ્વારી અધિકારીઓ તેમ જ એમના નજીકના કુટુંબીજનો માટે ‘એ-૧’ સંજ્ઞા ધરાવતા નૉન-ઈમિગ્રન્ટ વિઝા છે. સરકાર માન્ય અન્ય અમલદારો અથવા વિદેશી સરકારોના કર્મચારીઓ અને એમના નજીકના કુટુંબીજનો માટે ‘એ-૨’ વિઝા છે. ‘એ-૧’ અને ‘એ-૨’ વિઝાધારકોના અંગત કર્મચારીઓ, નોકરો અને નજીકના કુટુંબીજનો માટે ‘એ-૩’ વિઝા છે. બિઝનેસમેનો માટે ‘બી-૧’ અને ટુરિસ્ટો માટે ‘બી-૨’ વિઝા છે. અમેરિકામાંથી વારંવાર આવતા-જતા વિદેશીઓ માટે ‘સી-૧’ અને દરિયાઈ અને હવાઈ માર્ગે ટૂંક સમય માટે અમેરિકા જતી કાફલાની વ્યક્તિઓ, જેઓ જે સ્ટીમર અથવા વિમાનમાં જતા હોય, એમાં જ પાછા ફરવાના હોય, એમના માટે ‘ડી-૧’ વિઝા છે.
અમેરિકા અને અન્ય રાષ્ટ્રો વચ્ચેના કરારો અનુસાર અમેરિકામાં વ્યાપાર કરવા જતા વેપારીઓ માટે ‘ઈ-૧’ વિઝા છે. તેમ જ કરારો કર્યા હોય એ દેશના સિટિઝનો, જેઓ અમેરિકામાં રોકાણ કરીને બિઝનેસ કરવા ઈચ્છતા હોય એમના માટે ‘ઈ-૨’ વિઝા છે. હાલમાં આ બધા દેશો, જેમણે અમેરિકા જોડે કરાર કર્યા છે તેઓ ભારતીયોને અમુક રકમ લઈને એમના દેશની સિટિઝનશિપ આપવા લાગ્યા છે. ભારતીયોને લલચાવવામાં આવે છે કે તમે અમારા દેશની સિટિઝનશિપ લો, પછી તમે અમેરિકામાં બિઝનેસ કરી શકશો. ભારતીયોએ આનાથી લલચાવવું ન જોઈએ. એમના માટે આંતરકંપની ટ્રાન્સફરી ‘એલ-૧’ વિઝા ઉપલબ્ધ છે.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં યા ત્યાં આવેલ કોલેજ યા શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છતા પરદેશી વિદ્યાર્થીઓ માટે ‘એફ-૧’ અને એમના ડિપેન્ડન્ટ માટે ‘એફ-૨’ વિઝા છે. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાંથી દર વર્ષે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ‘એફ-૧’ વિઝા મેળવીને અમેરિકામાં ભણવા જાય છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરતા વિદેશી સરકારના મુખ્ય કાયમી પ્રતિનિધિઓ, તેમના સ્ટાફ અને કુટુંબીજનો માટે ‘જી-૧’ વિઝા અને અન્ય સરકાર માન્ય વિદેશી સરકારોના પ્રતિનિધિઓ, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરવા અમેરિકા જવા ઈચ્છે છે એમના માટે ‘જી-૨’, તેમ જ જેમની સરકારો આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્યો ન હોય એવી વિદેશી સરકારોના પ્રતિનિધિઓ, જેઓ ‘જી-૧’ અને ‘જી-૨’ કેટેગરીઓ હેઠળ અરજી કરવાને લાયક હોય, એમના માટે ‘જી-૩’ અને એમના કર્મચારીઓ તેમ જ અંગત કુટુંબીજનો માટે ‘જી-૪’ અને ‘જી-૫’ વિઝા છે.
નાટો કરારની સંબંધિત કલમો હેઠળ અમેરિકામાં દાખલ થનાર વ્યક્તિઓ માટે ‘નાટો-૧થી ૫’ અને ઉત્તર એટલાન્ટિક કરાર હેઠળના મિશનમાંના મિલિટરી સૈનિકો સાથે આવતા આમ નાગરિકો માટે ‘નાટો-૬’ અને ‘નાટો-૧’થી ‘નાટો ૬’ સુધીના વિઝાધારકોના કુટુંબીજનો માટે ‘નાટો-૭’ વિઝા છે.
રજિસ્ટર્ડ નર્સો માટે ‘એચ-૧’ અને ડિગ્રીધારકો, જેઓ અમેરિકામાં કામ કરવા આવતા હોય એમના માટે ‘એચ-૧બી, ખેતીવાડીનું કામ કરવા આવનારો માટે ‘એચ-૨એ’, શિક્ષિત મજૂરોની તંગી હોય તો હંગામી ધોરણે કામ કરવા આવતા મજૂરો માટે ‘એચ-૨બી’ અને તાલીમાર્થીઓ માટે ‘એચ-૩’ વિઝા છે. આ સર્વેના અંગત કુટુંબીજનો માટે ‘એચ-૪’ વિઝા છે. ‘એચ-૧બી’ વિઝા વાર્ષિક ૮૫,૦૦૦ની ક્વોટા મર્યાદાથી સીમિત છે. ભારતીયો છેલ્લાં થોડાં વર્ષોથી આમાંના ૭૦થી ૮૦ % ‘એચ-૧બી’ વિઝા મેળવે છે. પત્રકારો માટે ‘આઈ’ અને એક્સચેન્જ વિઝિટર્સ માટે ‘જે-૧’ વિઝા છે.
અમેરિકન સિટિઝનને છેલ્લા બે વર્ષમાં જેઓ એક વાર પણ રૂબરૂ મળ્યા હોય અને તેઓ બન્ને અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતા હોય તો એવાં પ્રિયતમ-પ્રિયતમા માટે ‘કે-૧’ ફીયાન્સે અને એમના અપરિણીત સગીર બાળકો માટે ‘કે-૨’ વિઝા છે. સિટિઝન જોડે લગ્ન કર્યા હોય, ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય, પણ એ પ્રોસેસ થઈને અપ્રૂવ થાય, એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળે એટલી વાટ જોવી ન હોય એવી વ્યક્તિઓ ‘કે-૩’ વિઝાની અરજી કરી શકે છે.
ભારતમાં બિઝનેસ કરતી કંપનીઓ, પછી એ સોલ પ્રોપરાઈટરી હોય, પાર્ટનરશિપ હોય, પ્રાઈવેટ યા પબ્લિક લિમિટેડ કંપની હોય, કો-ઑપરેટિવ સોસાયટી હોય કે ટ્રસ્ટ હોય, એ કંપનીઓ જો એમના ધંધાની અમેરિકામાં શાખા ખોલે તો એ અમેરિકન શાખા ભારતમાં આવેલ કંપનીમાં જે વ્યક્તિએ છેલ્લાં ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ મેનેજર, એક્ઝિક્યુટિવ યા ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું હોય એને પોતાને ત્યાં સાત યા પાંચ વર્ષ કામ કરવા ‘એલ-૧’ વિઝા ઉપર આમંત્રી શકે છે. એમના અંગત સગાઓને ‘એલ-૨’ વિઝા આપવામાં આવે છે. પાઈલટ બનવાનો કોર્સ, ફેશન ડિઝાઈનિંગનો કોર્સ, એક્ટિંગનો કોર્સ, આવા આવા વ્યાવસાયિક અથવા અશૈક્ષણિક વિદ્યાર્થીઓ માટે ‘એમ-૧’ અને એમના અંગત સગાઓ માટે ‘એમ-૨’ વિઝા છે.
વિજ્ઞાન, કળા, શિક્ષણ, વેપાર ઉદ્યોગ અથવા રમતગમતના ક્ષેત્રે અતિ કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓ માટે ‘ઓ-૧’ અને એમના અંગત સગાઓ માટે ‘ઓ-૨’ વિઝા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્વીકૃત ખેલાડીઓ અથવા ગાન-વૃંદ વાદકો અથવા નૃત્યકારો માટે ‘પી-૧’, એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ મનોરંજન કરવા આવતા કલાકારો માટે ‘પી-૨’, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમેરિકા આવતા કલાકારો માટે અને મનોરંજન કરનારાના જૂથ એટલે કે નાટક ભજવનારાઓ માટે ‘પી-૩’ અને આ સર્વેના નજીકના કુટુંબીજનો માટે ‘પી-૪’ વિઝા છે. ગુજ્જુભાઈ તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા સિદ્ધાર્થ રાંદેરિયા અને બોલીવૂડના પ્રાણ જેવા જ, ગુજરાતી તખ્તા ઉપર, વિલનની ભૂમિકા ભજવવા માટે જાણીતા, રાજુલ દીવાન એમનાં નાટકો અમેરિકામાં ભજવવા માટે ‘પી-૩’ વિઝા જ મેળવે છે.
આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમોમાં ભાગ લેવા આવતા વિઝા એક્સચેન્જ મુલાકાતીઓને ‘ક્યૂ-૧’ અને એમના અંગત સગાઓને ‘ક્યૂ-૨’ વિઝા આપવામાં આવે છે. અધિકૃત ધર્મના મુખિયાઓ એટલે ધર્મગુરુઓ તેમ જ ધાર્મિક સંસ્થાઓમાં કાર્ય કરતા માટે ‘આર-૧’ અને એમના કુટુંબીજનો માટે ‘આર-૨’ વિઝા છે. જેઓ ક્રિમિનલ ઓર્ગનાઈઝેશન વિરુદ્ધ સાક્ષી બનીને બાતમી આપવા રાજી હોય એમને ‘એસ’ સંજ્ઞા ધરાવતા નૉન-ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે.
આમ અમેરિકામાં કાયમ રહેવા ન જનારાઓ, જેઓ ફક્ત કોઈ ને કોઈ ખાસ કારણસર ટૂંક સમય માટે જ અમેરિકા જવા ઈચ્છતા હોય, થોડા સમય માટે ત્યાં નોકરી કરવા, વ્યાપાર કરવા, અન્ય કાર્યો કરવા જવા ઈચ્છતા હોય, એમના માટે અમેરિકાની સરકારે જુદા જુદા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડ્યા છે. આમાંના અમુક પ્રકારના વિઝા વાર્ષિક કાવોટાની મર્યાદાથી સીમિત છે. અમુક પ્રકારના વિઝા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાની જરૂરિયાત રહે છે. આ સઘળી જાણકારી જો તમે મેળવો અને જાણો કે તમે જે કાર્ય કરવા માટે, થોડા સમય માટે, અમેરિકા જવા ઈચ્છો છો એ માટે કયા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપલબ્ધ છે અને એ મેળવવા માટેની શું શું લાયકાતો છે તો તમે અમેરિકા સહેલાઈથી જઈ શકશો અને તમારાં અમેરિકાનાં સ્વપ્ના પૂરાં કરી શકશો.