ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે 8 મે 2025 ના રોજ સવારે 08:00 કલાકે જાહેર થશે. જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જાણી શકશે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી. 2024માં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવ્યું હતું. આ વર્ષે તેના કરતા ત્રણ દિવસ વહેલું પરિણામ જાહેર થશે.
બુધવારે 8મી મે એ ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે
જણાવી દઈએ કે ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનાં પરિણામો 5 મે ના રોજ જાહેર થયા હતા. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ જાહેર થયુ હતું. સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું હતું. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.