સુરત (Surat) : શહેરના પુણા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટમાં મારામારીના દ્રશ્યોનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરદાર માર્કેટમાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ છે. અંગત અદાવતમાં એકબીજા પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. બે જૂથ સામ સામે ખુલ્લેઆમ તલવારો લઈ એકબીજા સામે ધસી જતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો સરદાર શાક માર્કેટના હોવાનું અને ગત 14મી તારીખે સવારે સવા સાત વાગ્યા આસપાસના હોવાનું સામે આવ્યું છે. બે જૂથ વચ્ચે થયેલી મારા મારીમાં હથિયારો ઉછળ્યા હતા. બન્ને જૂથ મારામારી કરતા શાકભાજીની ભરેલી કોથળીઓની વચ્ચે ઘુસી ગયા હતા. સામ સામે આવી ગયા બાદ સીધો એક બીજા પર હુમલો કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.
વધુમાં કહ્યું હતું કે એક બીજાને પકડીને શાકની કોથળીઓ પર પછાડી માર માર્યો હતો. મારામારીના દ્રશ્યોની વચ્ચે એક શખ્સ તલવાર લઈને દોડી આવ્યો હતો. જ્યારે બીજાના હાથમાં ચપ્પુ જેવું હથિયાર પણ જોવા મળ્યું હતું. મારા મારીના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. જેના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શાકભાજી માર્કેટમાં બંને જૂથ વચ્ચે કયા મામલે ઝઘડો થયો તે જાણી શકાયું નથી. પરંતુ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે બંને જૂથો વચ્ચે કોઈક મામલે જૂની અદાવત છે, જેના પગલે મારામારી થઈ હોવાનું લાગી રહ્યું છે. હાલ સીસીટીવી વીડિયો ફૂટેજની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે.