આણંદ : આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે રેતી ચોરીને લઇ શુક્રવારની રાત્રે થયેલી મારામારીમાં પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધ્યો છે. આ કેસમાં બન્ને સામે ગુનો નોંધ્યો છે. આંકલાવના કહાનવાડી ગામે મહાદેવવાળા ફળીયામાં રહેતા રવિકુમાર ચીમનભાઈ પઢીયારના કાકા પ્રભાતસિંહ પઢીયારની હાલમાં જ સરપંચ તરીકે ટર્મ પુરી થઇ હતી. પ્રભાતસિંહ 7મી એપ્રિલ,23ના રોજ સાંજના ગ્રામ પંચાયતની સામે રોડ પર ઉભા હતા તે સમયે ભાઠા વિસ્તારમાં રહેતો તખતસિંહ રાવજીભાઈ પઢીયાર, તેમનો પુત્ર દીપક ઉર્ફે રાજુ ટ્રોલી સાથેના નંબર પ્લેટ વગરના ટ્રેક્ટર લઇને આવ્યાં હતાં અને તેમાં રેતી ભરેલી હતી.
આથી, પ્રભાતસિંહે તેને રોકી રેતી ક્યાંથી ભરી લાવ્યાં ? તેમ પુછતાં તખતસિંહે નદીમાંથી ભરી લાવ્યાં હોવાનું જણાવ્યું હતું. આથી, ગ્રામ પંચાયત કે ખાણ ખનીજ વિભાગની મંજુરી માંગી હતી. જેથી તખતસિંહ અને તેનો પુત્ર દીપક ઉશ્કેરાઇ ગયા હતા. જેના પગલે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બની જતાં પ્રભાતસિંહને નીચે પાડી દીધા હતા અને તેમના પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. આ હુમલામાં પ્રભાતસિંહનો પગ ટ્રેક્ટરના વ્હીલ નીચે આવી જતાં તે કચડાઇ ગયો હતો અને લોહી લુહાણ થઇ જતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ ધમાલમાં બન્ને પક્ષના લોકો સામસામે આવી ગયાં હતાં અનેક બીજા લાકડા દંડાથી તુટી પડ્યાં હતાં. જોકે, બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટોળાને વિખેર્યાં હતાં. આ અંગે રવિકુમાર પઢીયારની ફરિયાદ આધારે પોલીસે તખતસિંહ રાવજી પઢીયાર, દીપક ઉર્ફે રાજુ તખતસિંહ પઢીયાર, મહેશ હિંમત પઢીયાર, દીલીપ ડાહ્યા પઢીયાર, હિંમત જેણા પઢીયાર અને મહેશ દોલત પઢીયાર સામે ગુનો નોંધ્યો હતો. સામાપક્ષે તખતસિંહ પઢીયારની ફરિયાદ આધારે પોલીસે પૂર્વ સરપંચ પ્રભાતસિંહ રતનસિંહ પઢીયાર, ગુલાબસિંહ રતસિંહ પઢીયાર, રવિ ચીમન પઢીયાર, મહેશ ઉર્ફે ફોફો રૂપસિંહ પઢીયાર, મનોજ ઉર્ફે ભીમો ગણપત પઢીયાર સામે ગુનો નોંધ્યો હતો.