સુરતઃ દેખાદેખીમાં ગણેશ મંડપમાં ભવ્ય શૃંગાર કરવાનો ચીલો પડ્યો છે, પરંતુ આ બધો દેખાડો ક્યારેક ભારે પડતો હોય છે. આવી જ એક ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બની છે.
- સુરતના અડાજણ વિસ્તારમાં મધુવન સર્કલ પાસેની ઘટના
- વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ
- બાકી રૂપિયાની ઉઘરાણી મામલે ઝઘડો થયો, મંડપવાળાએ સામાન ઉઠાવી લીધો
- અડાજણ પોલીસે પહોંચી જઈ મામલો શાંત પાડ્યો
સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ મંડપને લઈને બોલાચાલી થઈ હતી. ગણેશોત્સવમાં ઉભા કરવામાં આવેલા મંડપ અને લાઈટિંગના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો.
અડાજણ વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકો અને લાઈટિંગ-મંડપવાળા વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયા ન આપતાં મંડપ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગણપતિની મૂર્તિ આસપાસ ડેકોરેશન માટે કરવામાં આવેલા ટેબલ સહિતનો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.
અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી. બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલીમાંથી ઝઘડો ઉગ્ર થતાં પોલીસ બોલાવવાની નોબત આવી હતી. જેથી અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક બાદ એક અપ્રિય ઘટના બની રહી છે. વરીયાવી બજારમાં ગણેશ મૂર્તિ પર પત્થરમારો, સોનીફળિયામાં ગણેશ મૂર્તિની દુકાનમાં ઘુસી મૂર્તિઓ તોડી પડાઈ, એક ઠેકાણે ગણેશ મંડપમાં કાંદા બટેકા ફેંકાયા અને બુધવારે રાત્રે નાનપુરા માછીવાડમાં ગણેશ મંડપ પર સોડાની બોટલ ફેંકવામાં આવી હતી.
કોમવાદને ઉત્તેજન આપતી આ પ્રકારની ઘટનાઓ બનતા રાજ્યનું પોલીસ મહેકમ એલર્ટ થઈ ગયું છે. ડીજીપી વિકાસ સહાય બુધવારે સુરત દોડી આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. ત્યારે મંડપવાળા અને ગણેશ આયોજકોની બાકી ઉઘરાણી માટેની બબાલના લીધે બળતામાં ઘી નાંખવા જેવું કામ કર્યું છે.