આણંદ : ખંભાત શહેરમાં બે વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને 12 કરોડના વિકાસના કાર્યોનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પછી ખંભાતમાં તે યોજનાઓ માત્ર કાગળ ઉપર અને ભ્રષ્ટાચારનો ઉકરડો બની ગઇ છે. ખંભાતમાં બે વર્ષ પહેલા 12 કરોડના ખર્ચે વિકાસ અને જન સુવિધાના કામોનું લોકાર્પણની યોજનાઓ હવામાં ઓગળી ગઈ છે. આ યોજનામાં જે તે સમયના કલેક્ટર આર.જી.ગોહિલ, સાંસદ સભ્ય મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય મયુરભાઈ રાવલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, મહેશભાઈ પટેલ સહીતના અગ્રણીઓ હાજર રહી મસમોટી જાહેરાતો કરી પાલિકા સત્તાધીશોને બિરદાવ્યા હતા. જોકે આ વાતને બે વર્ષ થયા બાદ માત્ર વાતોના વડા જ સાબિત થયાં છે. આ યોજનાઓ પોકળ અને પ્રચારનું માધ્યમ બની રહી છે. આ યોજનાઓનું ખાતમૂર્હૂત થયા પછી મોટાભાગની યોજના બંધ સ્થિતિમાં જોવા મળી છે. શહેરમાં એન્જીનીયરીંગ કોલેજ, બંદર બનાવવા, કલ્પસર યોજના, જીઆઈડીસી, કેમિકલ ઝોન જેવી યોજનાઓના નામે 25 વર્ષથી ચૂંટણીઓમાં મત મેળવવામાં આવે છે.
ઐતિહાસિક ખંભાત નગરીની ભવ્ય જાહો જલાલી પુનઃ આવી રહી છે, તે વાત પોકળ સાબિત થઇ છે. શહેરમાં તળાવો, દરિયા કિનારો ફરવા માટે આકર્ષક બનાવવાની યોજના, બોટિંગ, રમત ગમતના સાધનોની વ્યવસ્થા, કોમ્યુનિટી હોલ, સ્મશાનને પાકા રસ્તામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાયએ કરેલી જાહેરાતો પોકળ સાબિત થઇ છે. નગરમાં થયેલા વિકાસ અને જન સુવિધાના કામોની નગરજનોને હરવા ફરવા અને બાળકોના મનોરંજન માટેની વ્યવસ્થા અને નગરના તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ, પાકા રસ્તા, તળાવની સુંદરતા, કસરત, રમત ગમતના સાધનો, બસની વ્યવસ્થા, મીઠું પાણી અને 545 વર્ષ જૂની વાવનું પણ રીનોવેશન કાર્ય, ખંભાતથી સોખડા સુધીની બસ સેવા સહિત તમામ વિકાસ કાર્યોની મસ મોટી જાહેરાત પછી ખંભાતીઓ માટે આ યોજના માત્ર પ્રચારનું માધ્યમ બની રહી છે.