સુરત : સુરત (Surat)ની સિવિલમાં હોસ્પિલ (Civil Hospital)માં અન્ય વિભાગના દર્દી (Patient) હોવાનું કહીને ચાર રેસીડેન્ટ ડોક્ટરો (Resident doctors)એ સીએમઓ (CMO)ની સાથે માથાકૂટ કરી હતી. સીએમઓ તેમજ રેસીડેન્ટ ડોક્ટરો વચ્ચે તુ-તું-મેં-મેં થઇ ગયુ હતુ અને મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ (Superintendent) તેમજ ડીનને ફરિયાદ કરવાની તજવીજ પણ કરવામાં આવી હતી. ડોક્ટરોની લડાઇમાં માનસિક બિમાર એક વૃદ્ધને દોઢ કલાક સુધી સારવાર જ મળી ન હતી.
સુરતની સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. તેજશ ચૌહાણ રાત્રીના સમયે ડ્યુટીમાં હતા. આ દરમિયાન ત્યાં 52 વર્ષના વૃદ્ધ રાજુભાઇ મહારુભાઇ ઢોલે સારવાર લેવા માટે આવ્યા હતા. રાજુભાઇ વૃદ્ધ હતા અને ઘરમાં તેઓની સાથે અભદ્રવર્તન કરીને ગાળો આપતા હોવાની ફરિયાદ ડોક્ટરને કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં રાજુભાઇ માનસિક બિમાર હોવાનું અનુમાન લગાવાયું હતુ અને હાજર ડો. તેજસ ચૌહાણે તેઓને માનસિક વિભાગમાં રીફર કરી રેસીડેન્ટ ડોક્ટરને જાણ કરી હતી.
થોડીવાર બાદ માનસિક વિભાગના રેસિડેન્ટ તબીબો ટ્રોમા સેન્ટરમાં આવી દર્દી અમારા વિભાગનું નથી મેડિસીન કે સર્જરીમાં દાખલ કરો એમ કહી ચાલી ગયા હતા. ડો. ચૌહાણે રાજુભાઇને દોઢ કલાક સુધી સારવાર નહીં મળતા તેઓનો કેસ પેપર સાથે વોર્ડમાં મોકલી આપ્યા હતા. થોડીવાર બાદ બીજા ચાર રેસીડેન્ટ ડોક્ટરો ટ્રોમા સેન્ટરમાં આવ્યા હતા અને કહેવા લાગ્યા કે, આ અમારુ દર્દી નથી, ઇમરજન્સી નહી જોઈએ, દર્દીને કઈ પણ થાય તો અમારી જવાબદારી નથી એમ કહી દર્દીને પરત ટ્રોમા સેન્ટરમાં મુકીને ચાલ્યા ગયા હતા. આ ચારેય રેસીડેન્ટોએ સીએમઓની સાથે જોરથી વાતો કરતા સિક્યોરીટીના માણસો પણ દોડી આવ્યા હતા. આ બાબતે આરએમઓથી લઇને અન્ય ડોક્ટરને જાણ કરીને બાદમાં દર્દીને મેડિસીનમાં દાખલ કરી દીધો હતો.
રાજુભાઇના રિપોર્ટ કઢાવ્યા તેમાં લીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રાજુભાઇને મેડીસીન વિભાગમાં દાખલ કરીને તમામ રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. શરૂઆતના સમયે લીવરનો રિપોર્ટ કઢાવ્યો ન હતો. આ બાબતે મેડીસીન વિભાગના વડાએ કહ્યું કે, જો દર્દીને રિપોર્ટ નેગેટીવ આવશે તો હું મારા વોર્ડમાં દાખલ કરી દેવાનું લખીને આવ્યો છે. મોડેથી રાજુભાઇનો રીપોર્ટ કઢાવ્યો તેમાં લીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ રાજુભાઇને મેડીસીન વિભાગમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.