બેદરકારી: સ્માર્ટ સિટીની જ સિટી બસો ભંગાર હાલતમાં દોડી રહી છે

સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic problem) હલ થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass transportation)ની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં સિટી બસ (City bus), બીઆરટીએસ (BRTS) બસો શરૂ કરાઈ છે. વર્ષ-2007 સુધી શહેરમાં સામૂહિક પરિવહનની કોઇ વ્યવસ્થા ન હતી. ઘણાં વરસો પહેલાં જીએસઆરટીસી (GSRTC) દ્વારા જે સિટી બસ ચલાવાતી હતી તે ઘણાં વરસો બંધ રહ્યા બાદ શહેરના ખાનગી વાહનો વધી જતાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા હદ વટાવતાં સામૂહિક પરિવહનની જરૂરિયાત ધ્યાને રાખી તત્કાલીન મનપા કમિશનર એસ.અપર્ણાના પ્રયાસોથી 2007માં સિટી બસ સેવા મનપાએ શરૂ કરી હતી.

જેમાં સમયાંતરે બદલાવ આવ્યા પરંતુ હવે હાલત એ છે કે એક બાજુ મનપાનું તંત્ર સ્માર્ટ સિટીની આલબેલ પોકારે છે. ત્યારે શહેરમાં મહત્ત્વની એવી સિટી બસો ભંગાર હાલતમાં દોડી રહી છે અને લોકોને અકસ્માતના જોખમ વચ્ચે મુસાફરી કરવી પડી રહી છે. તેમાં પણ કોરોનાકાળમાં મનપાનાં અન્ય કામોની સાથે જાણે સિટી બસના મેઇન્ટેનન્સને પણ ગ્રહણ લાગી ગયું હોય તેમ હાલમાં 30 ટકા બસો તો એવી સ્થિતિમાં છે કે જો આરટીઓના નિયમો મુજબ તેનું ચેકિંગ થાય તો રસ્તા પર દોડાવવા માટે પરમિશન જ મળી શકે નહીં, આમ છતા આ બસો દોડી રહી છે. અને ઇજારદારોને માત્ર કમાણી કરવામાં રસ હોય તેમ મેઇન્ટેનન્સમાં બેદરકારી દાખવી રહ્યા છે.

મનપા દ્વારા હાલમાં જુદા જુદા રૂટ પર કુલ 575 સિટી બસ દોડાવવામાં આવી રહી છે. જેમાંથી 30 ટકા બસની હાલત બિસમાર છે. જેને રસ્તા પર દોડાવવા પરમિશન મળી શકે નહીં, જ્યારે બાકીની બસો પૈકી અનેક બસમાં આગળ પાછળ લગાવાતાં એલઈડી બોર્ડ પણ ચાલતાં નથી. તેથી ચોકથી રૂટના નામ લખવામાં આવ્યાં છે. જે પણ લોકોને વંચાતાં નથી. તેમજ ઘણી બસોના દરવાજા તૂટેલી હાલતમાં છે. તો ઘણી બસના કાચ પણ તૂટેલા છે. અનેક બસો એવી છે કે તેના દરવાજા બંધ થતા જ નથી.

કોરોનાકાળમાં અન્ય કામગીરીને પગલે બસના મેઇન્ટેનન્સની કામગીરી ખોરંભે ચઢી

શહેરમાં છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાએ અજગરી ભરડો લીધો છે. ગત વર્ષે માર્ચ મહિનાથી કોરોનાના કેસ નોંધાતાં તેમજ લોકડાઉન લાગુ કરાતાં મનપા સંચાલિત સિટી બસ, બીઆરટીએસ સહિત અન્ય જાહેર સ્થળો પણ બંધ કરી દેવાયાં હતાં. લોકડાઉન બાદ અનલોકમાં પણ બસ કોવિડ ગાઈડલાઈનને કારણે બંધ જ રાખવામાં આવી હતી. હાલમાં બીજી લહેરમાંથી શહેર બહાર આવ્યા બાદ તબક્કાવાર બસો શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની કામગીરીને કારણે અન્ય કામગીરીઓ પણ જાણે તંત્ર દ્વારા ધ્યાન જ આપવામાં આવ્યું ન હોય તેમ બસના મેઈન્ટેનન્સ પર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેથી બસોની હાલત પણ હાલમાં ભંગાર જેવી છે.

કોરોનાને કારણે જુદી જુદી એજન્સીઓ મેઇન્ટેનન્સ કરી શકી નહીં : કમલેશ નાયક (ડે.કમિશનર)

મનપાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં મોટા ભાગની બસો બંધ જ હાલતમાં હતી. બસોનાં મેઈન્ટેનન્સની કામગીરી જે-તે એજન્સી જાતે જ કરતી હોય છે. તેમજ બસના ડિસ્પ્લે વગેરેના મેઈન્ટેનન્સનું કામ અન્ય એજન્સી કરતી હોય છે. હાલમાં ઘણી એજન્સીઓને મેઈન્ટેનન્સના ઘણા પાર્ટ્સ બહારથી મંગાવવાના હોય છે. પરંતુ કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટેશન ઘણું શક્ય બન્યું નથી. જેથી મેઈન્ટેનન્સની કામગીરી અટવાઈ હતી. જે ટૂંક સમયમાં દુરસ્ત કરી દેવાશે.

Related Posts