SURAT

સુરતમાં બસ હડતાળ, ડ્રાઈવરોએ કરી આવી માંગણી

સુરત(Surat): શહેરમાં પબ્લીક ટ્રાન્સપોર્ટેશન તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં તંત્રને યોગ્ય સર્વિસ મળી રહી નથી. આજે સવારે ભેસ્તાન ખાતે સુરતની સિટી બસના ડ્રાઈવરો હડતાળ (City bus drivers strike) પર ઉતર્યા હતા. જેના લીધે એક સાથે 70 જેટલી બસના પૈંડા થંભી ગયા હતા. પરિણામે રોજ અપડાઉન કરતા અનેક મુસાફરો હેરાન થયા હતા. આ ડ્રાઈવરો પગાર વધારાની માંગણી કરી રહ્યાં છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તંત્ર દ્વારા બીઆરટીએસ અને સિટી બસ દોડાવવા માટે અલગ રૂટ બનાવાયો છે. તેમ છતાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ગયા અઠવાડિયે કતારગામમાં બે બસ વચ્ચે વાહનો કચડાઈ ગયા હતા. તે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું હતું. અનેક ઘાયલ થયા હતા.

આ અકસ્માતની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું હતું અને બસની એજન્સીઓ પર દબાણ ઉભું કર્યું હતું. ઝીરો એક્સિડેન્ટ પોલિસી અમલમાં મુકી નિયમો કડક કર્યા હતા. ડ્રાઈવરો અંગેના નિયમો કડક કરાયા હતા. ડ્રાઈવરોને નજીકના પોલીસ સ્ટેશનમાં ઓળખ પત્ર રજૂ કરવા ફરજ પડાઈ હતી.

તંત્રની આ કડકાઈ બાદ હવે ડ્રાઈવરો વિફર્યા છે. આજે ભેસ્તાન ખાતે ડ્રાઈવરો ભેગા થયા હતા અને પગાર વધારાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. ડ્રાઈવરોએ બસ રસ્તા પર પાર્ક કરી દીધી હતી. જેને કારણે 70 જેટલી સીટી બસો અટકી ગઈ હતી.

અકસ્માત માટે ડ્રાઈવરોને જ દોષ ન દો, પગાર વધારો: ડ્રાઈવરોની માગણી
સિટી બસના ડ્રાઈવર મોહમ્મદ આરીફે કહ્યું કે, પગાર ખૂબ જ ઓછો મળે છે. 8 કલાકના 22 હજાર મળે તો ડ્રાઈવરો કામ કરશે. આરીફે વધુમાં કહ્યું કે, અકસ્માત માટે દોષનો ટોપલો ડ્રાઈવરો પર ઢોળી દેવાય તે ખોટી વાત છે. ઘણી વાર અન્ય વાહનચાલકોનો પણ દોષ હોય છે. તેમ છતાં દરેક અકસ્માતમાં બસના ડ્રાઈવરોને જ દોષી ઠેરવવામાં આવે છે.

આરીફે વધુમાં કહ્યું કે, અકસ્માતના સંજોગોમાં નુકસાનીનો ખર્ચ ડ્રાઈવરો પાસે વસૂલાત કરાશે એવું તંત્ર દ્વારા નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ નિયમ ખોટો છે. ડ્રાઈવરોનો પગાર એટલો બધો હોતો નથી કે તેઓ આ ભાર સહન કરી શકે. તંત્ર દ્વારા નક્કી કરાયેલો યોગ્ય પગાર આપવામાં આવે તેમજ સુરક્ષા બક્ષવામાં આવે તેવી અમારી માંગણી છે.

ડ્રાઈવરોની સમસ્યાને ધ્યાનમાં લઈશું: દક્ષેશ માવાણી, મેયર
દરમિયાન બસ હડતાળ મામલે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, ડ્રાઈવરોની સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરાશે. જો કોઈ કોન્ટ્રાક્ટર ડ્રાઈવરોનું શોષણ કરતા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. કોઈને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીશું.

Most Popular

To Top