SURAT

મુસાફરો સાથે ગેરવર્તન કરતા સિટી બસના ડ્રાઈવર-કંડક્ટરો સામે કાર્યવાહી, બ્લેકલિસ્ટ કરાયા

શહેરમાં મનપા દ્વારા કરોડોનો ખર્ચો કરીને સિટી બસ દોડાવવામાં આવી રહી છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તનની પણ ફરિયાદો ઉઠતી રહી છે. આ ફરિયાદોને આધારે છેલ્લાં 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. સિટી અને બીઆરટીએસ બસમાં કામ કરતા કંડકટરોથી દોઢ ગણા તો બ્લેકલિસ્ટ થઈ ગયા છે.

શહેરમાં 750થી વધુ સિટી અને બીઆરટીએસ બસો આવેલી છે. પરંતુ કંડકટરના ગેરવર્તનના લીધે મુસાફરો બસમાં જવાનું ટાળે છે. આ ફરિયાદોના નિરાકરણ માટે સુરત મનપા અનેક પ્રયાસ કરી રહ્યાં છે. વિજિલન્સની ટીમ પણ બનાવવામાં આવી છે. તેમ છતાં આ ન્યૂસન્સ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. બીજી બાજુ કંડક્ટરોનો વ્યવહાર અને વિવાદના લીધે કેટલાક લોકો સિટી બસની સેવાનો લાભ લેવાનું પણ ટાળે છે. જેનું નુકસાન પાલિકાને થઈ રહ્યું છે.

સૌથી વધુ ફરિયાદો ટિકિટ નહીં આપવાની
પાલિકાએ સિટી બસ ડ્રાઇવર અને કંડક્ટરો માટે ગાઇડલાઇન નક્કી કરી છે. છતાં વારંવાર કંડક્ટરો દ્વારા ગેરવર્તણૂંક, ટિકિટ નહીં આપવાની, રૂપિયા પરત નહીં કરવા અથવા તો બસ નહીં રોકવા સહિતની ફરિયાદો ઉઠતી રહે છે, જેના આધારે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લાં 17 મહિનામાં પાલિકા દ્વારા સિટીલિંકની ગાઈડલાઇનનું ઉલ્લઘન કરવા બદલ કુલ 1032 જેટલા બસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સૌથી વધુ કંડક્ટરોને ટિકિટ નહીં આપવાના કારણોથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

218 બસ ડ્રાઇવરો સામે ગંભીર કાર્યવાહી
હવે પાલિકાએ ગાઇડલાઇનનું પાલન નહીં કરનારા ડ્રાઇવર-કંડકટરો સામે સખત કાર્યવાહી કરી છે. છેલ્લાં પાંચ મહિનામાં જાન્યુઆરી 2025થી મે, 2025 સુધીમાં 218 જેટલા ડ્રાઇવર સામે પગલાં લેવાયા છે. જેમાં 186ને ટર્મિનેટ, 21ને સરસ્પેન્ડ, 3ને રિજેક્ટ અને 8ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top