SURAT

અડાજણમાં સિટી બસનો દરવાજો લોક થઈ ગયો, મુસાફરો અંદર ફસાયા

સુરત(Surat): સ્માર્ટ સિટી (Smart City) હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ સુરતમાં નાગરિકોની સુવિધા પર યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. છાશવારે પ્રજા મુશ્કેલીમાં મુકાય છે. રોજબરોજ અનેક હાલાકીનો સામનો કરવો પડે છે. નાગરિક સુવિધા કેન્દ્રમાં લાંબી લાઈનો હોવાના લીધે પ્રજા અસુવિધા અનુભવી રહી છે, ત્યારે હવે તો બસના દરવાજા પણ લોક થવા માંડ્યા છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત બીઆરટીએસ (BRTS) અને સિટી બસનો (City Bus) તકલાદી વહીવટ સૌ કોઈ જાણે છે. છાશવારે મુસાફરોને (Passangers) બસમાં હાલાકીનો સામનો કરવો પડે છે. સતત વિવાદમાં રહેતી સિટી બસ નાગરિકો માટે વધુ એક સમસ્યાનું કારણ બની છે.

આજે સવારે અડાજણ ખાતેથી પસાર થતી એક સિટી બસનો દરવાજો અચાનક લોક થઈ ગયો હતો. બસના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ થતા બસની અંદર બેઠેલા મુસાફરોની હાલત કફોડી થઈ હતી. નાછૂટકે મુસાફરોએ ડ્રાઈવરના ગેટમાંથી બહાર નીકળવું પડ્યું હતું. યુવાનો તો સરળતાથી બસની બહાર નીકળી ગયા હતા. પરંતુ વૃદ્ધોને ખૂબ મુશ્કેલી અનુભવી હતી.
આ ઘટના અડાજણના વૃષભ ચાર રસ્તા પાસે બની હતી. અહીંથી પસાર થતી સિટી બસ અચાનક બંધ થઈ ગઈ હતી.

રસ્તાની વચ્ચોવચ્ચ બસ અટકી ગઈ હતી. પરંતુ વધુ સમસ્યા એ થઈ કે બસનો દરવાજો સેન્ટ્રલ લોક થઈ ગયો હતો. તેથી એક તબકકે મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. આખરે મુસાફરોને બસ ચાલકની કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ કવાયત દરમિયાન વૃદ્ધ મુસાફરોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નવાઈની વાત એ છે કે, શહેરમાં દોડતી તમામ સિટી બસ અને બીઆરટીએસ બસોનું નિયમિત ચેકિંગ કરવામાં આવતું હોવા છતાં આ પ્રકારની ઘટના સર્જાતાં લોકોમાં પણ કૌતુહલ સર્જાયું હતું.

Most Popular

To Top