સુરત (Surat): શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યાને નિવારવા માટે માસ ટ્રાન્સપોર્ટેશનની (Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. મનપાની (SMC) સીટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) સેવા વારંવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવ્યા જ કરતી હોય છે.
- અગાઉ દર રૂા. 4 થી લઈ 24 સુધીના હતા, હવે રાઉન્ડ ફીગર રૂા. 5 થી લઈ 25 કરાયાં, છુટ્ટાને કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ અટકશે એવી અપેક્ષા
- વિદ્યાર્થીઓ બાદ મહિલાઓ માટે પણ માત્ર 1000માં સમગ્ર વર્ષ અનલિમિટેડ મુસાફરીની યોજના લાવવા પણ ભાજપ શાસકોનું આયોજન
ખાસ કરીને બસોમાં ટિકિટ નહીં આપવાનું કૌભાંડ છાશવારે પ્રકાશમાં આવતું રહે છે. જેને લઈ સીટી લિંકની બેઠક મળી હતી. જેમાં સીટી બસના દર રાઉન્ડ ફીગરમાં રાખવાનો નિર્ણય કરાયો છે. જેને લઈ છુટ્ટા પૈસાના કારણે થતી મગજમારી પણ અટકે અને છુટા પૈસાના કારણે ટિકિટ ન આપવાની ફરીયાદો પણ ઘટી શકે.
વધુ વિગતો આપતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, મનપાની સીટી બસ માટે 9 સ્લેબમાં ટિકિટની અમાઉન્ટ નક્કી કરવામાં આવી છે. અગાઉ સિટી બસ માટે 4 રૂપિયાથી 24 રૂપિયાની ટિકીટના 9 સ્લેબ હતા. મિટીંગમાં ચર્ચા બાદ હવે ટિકિટના દર ચાર સ્લેબમાં રહેશે, જે 5 રૂપિયાથી માંડીને 25 રૂપિયા સુધીના કરવામાં આવશે.
આવી જ રીતે અનલિમિટેડ મુસાફરી માટેની સુમન પ્રવાસ ટિકિટના દર 25 રૂપિયા હતા તે વધારીને 30 કરી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા સિટી બસ માટે ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. એટલે કે, કોઈ પણ પેસેન્જર ડિજીટલ મોડમાં પેમેન્ટ કરે તો તેઓને ટિકીટમાં 20 ટકાની રાહત મળી શકશે.
હાલ મનપાની સિટી બસમાં વિદ્યાર્થીઓ માટે ટિકીટ દરમાં રાહત આપવાની જોગવાઈ છે અને હવે મનપા દ્વારા મહિલાઓ માટે પણ ખાસ ઓફર લાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થી બાદ હવે સુરતની મહિલાઓ પણ એક હજાર રૂપિયા ભરી આખું વર્ષ અનલિમિટેડ મુસાફરી કરી શકશે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 10 બસનો વધારો કરાયો
થોડા દિવસ અગાઉ જ એબીવીપી દ્વારા બસની અગવડતાને લઈને પર્વતપાટિયા અમેઝિયા પાસે મનપાની બીઆરટીએસ બસને રોકી હોબાળો કરવામાં આવ્યો હતો અને મેયરને સ્થળ પર બોલાવવા માંગ કરી હતી. વિદ્યાર્થીઓ સવારે વહેલી સવારે 7 વાગ્યે યુનિવર્સિટી તરફ જતા હોય, તમામ બસો ફુલ હોવાના કારણે ઘણાં વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી ન કરી શકતા બસો વધારવાની માંગ થઈ હતી. જેથી મેયરે સ્થળ પર જઈ બસો વધારવાની ખાતરી આપતા જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 10 બસનો વધારો કરવાનો નિર્ણય સિટીબસ લીંકની મીટીંગમાં લેવાયો છે.
આગામી દિવસોમાં કામરેજથી યુનિવર્સિટી રુટ પર વિદ્યાર્થીઓ માટે દસ બસ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. કામરેજથી યુનિવર્સિટી સુધી સીટી બસ સેવા છે, પરંતુ કામરેજથી જ બસ ફુલ આવતી હોવાથી રસ્તા પર વિદ્યાર્થીઓને બસ ઓછી પડી રહી હોવાથી આ રૂટ પર 10 બસો વધારવાનો નિર્ણય કરાયો છે.