નડિયાદ: નડિયાદ પશ્ચિમ વિસ્તારને શહેરના મુખ્ય બજારો સાથે જોડવાનું કામ કરતા શ્રેયસ ગરનાળા પાસે જોખમી ઢાળના કારણે નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શ્રેયસ ગરનાળાથી સ્ટેશન તરફ ચઢવાનો ઢાળ ઘણો ઊંચો હોય વાહન ચાલકોને અકસ્માત સર્જવાની સ્થિતિ સર્જાય છે. આ ઢાળ સરખો કરવા નડિયાદ શહેર કોંગ્રેસે માંગણી કરી છે. નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટે નડિયાદ શ્રેયસ ગરનાળામાં પીજ રોડ તરફથી સ્ટેશન તરફનો રોડ ઘણો ઊંચો હોવા અંગે નગરપાલિકામાં રજૂઆત કરી છે.
જેમાં શ્રેયસ ગરનાળાનો સ્ટેશન રોડ પર ચઢવાનો ઢાળ ઘણો ઊંચો હોય પીજ રોડ તરફથી વાહનચાલકો વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝનોને ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. ઘણી વખત વાહન સ્લીપ ખાવાના બનાવ બને છે. રોડનું લેવલિંગ સરખું ન હોવાના કારણે લોકોને પડતી હાલાકી નિવારવા ઢાળ સરખા કરવા માંગણી કરી છે. વધુમાં શ્રેયસ ગનાળામાં મોટાભાગે પાણી ભરેલું રહે છે. જેના કારણે વાહન ચાલકોને ઢાળ ચઢતા લપસી સ્લીપ ખાવાની અકસ્માત થવાની સંભાવના રહે છે. ત્યારે શ્રેયસ ગરનાળામાં ભરાતા પાણીની સમસ્યા નિવારવા માંગણી કરી છે.