ઘણાને યાદ હશે એ નજારો કે જ્યાં મોટા તંબુમાંથી વાઘ, સિંહ, હાથી તથા વાંદરાના આવજો આવતા હોય અને જો તમે તંબુમાં અંદર નજર કરો તો લોકોની ભારે ભીડ વચ્ચે લાઈટોની ચમક વચ્ચે પ્રાણીઓ અવનવા કરતબ બતાવતા નજરે પડશે અને જીવ જોખમમાં મૂકીને કેટલાંક કલાકારો સ્ફૂર્તિથી પોતાની કળાનું પ્રદર્શન કરતાં દેખાશે. આપણે વાત કરી રહ્યા છે સર્કસની. કે જેને જોવા માટે લોકોની લાંબી લાઈનો લગતી અને મોડી રાત સુધી થાક્યા વગર કલાકારો લોકોનું મનોરંજન કરતાં. જો કે સર્કસમાંથી પ્રાણીઓની બાદબાકી બાદ ધીમે ધીમે આ કળા જાણે લુપ્ત થવા લાગી હોય એમ લાગે છે જેથી આજીવિકાના પ્રશ્નના કારણે સર્કસના કલાકારો અન્ય કામ તરફ વળ્યા છે તો 16 એિપ્રલ વર્લ્ડ સરકસ ડે નિમિત્તે આમ થવા પાછળ શું છે કારણ, જાણીએ સર્કસમાં કામ કરી ચૂકેલા કલાકારો પાસેથી.
સર્કસ બંધ થતાં ઘણી તકલીફ પડી: મનીષા જરીવાલા
સર્કસમાં 10 -12 વર્ષ કામ કરી ચૂકેલા મનીષાબેન જરીવાલા જણાવે છે કે, મારા માતા –પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા જેથી મારા મામાએ મને મોટી કરી હતી. મારા મામાનું સર્કસ હોવાથી હું નાની હતી ત્યારથી જ શીખતી હતી અને પછી એમાં જ જોડાઈ ગઈ. સર્કસ દરમિયાન હું સાથી કલાકારના પ્રેમમાં પડી અને અમે લગ્ન કરી લીધા. બધુ બરાબર ચાલતું હતું પણ પ્રાણીઓને દૂર કરાયા બાદ અમારી હાલત કફોડી બની અને પહેલા સર્કસમાં જે ભીડ ઉમટી પડતી હતી તે ઓછી થઈ, કારણ કે લોકો સર્કસમાં પ્રાણીઓના ખેલ જોવા માટે જ ખાસ આવતા હોય છે જેથી તેઓ પહેલાં જ પૂછી લેતા કે પ્રાણીઓ જોવા મળશે કે નહીં? આવા માહોલમાં આયોજકો માટે કલાકારોનો પગાર ચૂકવવો મુશ્કેલ થઈ પડ્યો અને ધીમે ધીમે તેમણે અન્ય રોજગાર તરફ મીટ માંડી અને મેં ઘર સંભાળી લીધુ. જો કે આજે પણ સર્કસનો રંગીન નજારો યાદ આવે છે ત્યારે આંખોમાં એક ચમક આવી જાય છે.’
આર્થિક તંગીના કારણે સર્કસ છોડીને નોકરી શરૂ કરી: સોનુ અગ્રવાલ
કુમળી વયે પિતા સાથે સર્કસમાં જોડાયેલા સોનુ અગ્રવાલ જણાવે છે કે, લોકડાઉનના કારણે અન્ય વ્યવસાયની જેમ સર્કસ આર્ટિસ્ટો પણ કપરી પરિસ્થિતીમાં મુકાયા જેથી મેં પરિવારના ભરણ પોષણ માટે સર્કસ છોડીને નોકરી સ્વીકારી લીધી.’ સર્કસમાં વિવિધ કરતબોથી લોકોનું મનોરંજન કરનારા 35 વર્ષીય સોનુભાઈ જણાવે છે કે, મારા પિતાએ 30 વર્ષ પહેલાં સર્કસની શરૂઆત કરી હતી, જેમાં હું 5 વર્ષનો હતો ત્યારથી કામ કરતો હતો. 7 વર્ષ અગાઉ મારા પિતાનું અવસાન થતાં 4 દિહાડી મજૂરોને સાથે રાખીને ગુજરાત ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ,બિહાર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ તથા જ્યાં જ્યાં મેળો લાગે ત્યાં સર્કસ માટે જતાં. છેલ્લા અઢી વર્ષમાં કોરોનાના કારણે રોજગાર પાટા પર ન આવતાં અને સર્કસનો સામાન મૂકવાની જગ્યાના ભાડાના પૈસા આપવા માટે સર્કસનો સામાન વેચી દેવાની ફરજ પડી અને હાલમાં હું અંકલેશ્વર ખાતે નોકરી કરીને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો છું.’ સર્કસની યાદ વાગોળતાં સોનુભાઈ કહે છે કે, મારું કદ ફક્ત સાડા ત્રણ ફૂટ હોવાથી જોકર તરીકે લોકો મને ઘણો પસંદ કરતાં હતા અને આજે પણ મને આ કામ કરવું ગમે છે પણ પૈસાના અભાવે હવે આ દિશામાં પરત ફરવું શક્ય નથી.’
પ્રાણીઓની બાદબાકી બાદ પરિસ્થિતી વણસી: કિરણભાઈ જરીવાલા
15 વર્ષ સુધી સર્કસની એડવેન્ચરભરી જિંદગીનો હિસ્સો રહી ચૂકેલા કિરણભાઈ જરીવાલા તેમની વાત વાગોળતાં જણાવે છે કે,’ શરૂઆતમાં હું તંબુ બાધવાનું તથા બીજા નાનામોટા કામ કરતો, બાદમાં હું જોકર અને કલાકાર બન્યો, પણ પ્રાણીઓના સર્કસમાં પ્રતિબંધ બાદ જાણે મારી કારકીર્દીને બ્રેક લાગી ગઈ. સર્કસમાંથી પ્રાણીઓ ગાયબ થયા બાદ અમારે ઓડિયન્સને તંબુ સુધી ખેંચી લાવવું મુશ્કેલ થવા લાગ્યું. જો કે પ્રાણીઓ ટ્રેઇન્ડ હોવાને કારણે ક્યારેય કોઈને નુકશાન પહોચાડતા ન હતા. અને વાઘ-સિંહને રોજ 7 થી 10 કિલો માસ ખાવા માટે આપતાં હતા અને જો તમે તેમને છંછેડો નહીં તો તેઓ કોઈ નુકશાન કરતાં નથી. જો કે પ્રાણીઓના અભાવે ધીમે ધીમે લોકો સર્કસમાં આવતા ઓછા થતાં ગયા જેથી આયોજકોને પણ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે મેં જાદુઇ કળા શીખી લીધી. વચ્ચે એકવાર મેં સર્કસનો સામાન લાવીને ફરીથી ચાલુ કરવાની ટ્રાય કરી હતી પણ પૈસાના અભાવે બંધ કરી દીધું. આ સમયગાળામાં 2 વર્ષ કોરોનાના કારણે જાદુઈકળાના પ્રોગ્રામ પણ બંધ રહ્યા જેથી ઘર ચલાવવા માટે હાલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરું છુ.’