સુરત: અડાજણ વિસ્તારના (Adajan) ટાઇમ્સ સિનેમા ગૃહમાં રવિવારે (Sunday) વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સવારે 8:45ની આસપાસ બની હતી જેના પરિણામે બધા શો કેન્સલ (Show Cancel) કરવામાં આવ્યા છે. દિવાળીના (Diwali) દિવસે જ સિનેમા ગૃહને મોટું નુકશાન થયુું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી.
મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારના ગેલેક્ષી સર્કલ નજીક આવેલા ટાઇમ્સ સીનેમાગૃહમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. ચોથા માળે સિનેમાગૃહની એક સ્ક્રીનમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગની 6 ગાડીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફાયરના જવાનોએ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. મહામહેનતે આગને કાબુમાં લીધા બાદ કોઈ જાનહાની થઇ ન હોવાનું ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું. એક કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવામાં સફળ થયું હતું.
સિનેમા ગૃહના કર્મચારી દિવ્યેશ પટેલએ જણાવ્યું હતું કે ઘટના સવારે લગભગ 8:45 ની હતી. ટાઈમ્સ સિનેમાની 7 સ્ક્રીન પૈકી એકમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટમાં આખી સ્ક્રીન ભડ ભડ સળગી ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. ફાયર વિભાગને કોલ કર્યાના ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા. ત્યારબાદ આગને કાબુમાં લેવામાં સફળ થયા હતા. જોકે આ દુર્ઘટનામાં મોટું નુકસાન થયું હોય એમ કહી શકાય છે.
વધુમાં દિવ્યેશભાઇએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં એક સ્ક્રીન, 1 સ્પીકર, 6 એમ્પ્લીફાયર, એસી, પ્રોજેક્ટર, ખુરશીઓ સહિતની 40-50 લાખની સામગ્રી બળી ગઈ હતી. જોકે કોઈ જાનહાની નોંધાઇ ન હતી. સવારનો શો ચાલુ થાય એ પહેલાં જ આ દુર્ઘટના સર્જાઇ હતી. પરંતુ હાલ પરિસ્થિતિ સામાન્ય છે.
સુરત ફાયર વિભાગના કર્મચારી સંપત સુથારએ જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ કહી શકાય એમ નથી પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એમ કહી શકાય છે. મોટાભાગની વસ્તુઓ બળી ગઈ હતી. આગને કંટ્રોલ કરતા 2 કલાક લાગ્યા હતા. 8 ફાયર ફાઈટરની ટીમ અને એક હાઇડ્રોલિક ટીમ આગને કંટ્રોલ કરવામાં લાગી હતી. તેમજ ખુબ જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.